પણ જે ચબૂતરો નવરોધૂપ પડ્યો છે, જેને ચણ-પાણીથી નવપલ્લવિત કરવાની તસ્દી કોઈ લેતું નથી એવા આ ચબૂતરાના હોવાથી માનવીને કશો જ ફરક નથી પડી રહ્યો
ઠીક છે હવે, ચબૂતરો છે તો છે. આજના જમાનામાં કોની પાસે વખત છે કબૂતર, ચકલી, કાગડા માટે ચણ નાખવાનો? હાલો હાલો, આપણે આપણા કામે વળગો.

જમાલપુર વિસ્તારમાં નવી મસ્જિદથી થોડે દૂર એક જૂનો ચબૂતરો છે. વસન રજબ પોલીસ ચોકીની પાસે આવેલા આ ચબૂતરાની ભવ્યતા હૃદયસ્પર્શી છે તો તેના પ્રત્યે માનવીઓ દર્શાવી રહ્યા છે એ ઉપેક્ષા હૃદય દ્રવી નાખનારી છે. એક જમાનામાં અહીં હમામ (જાહેર સ્નાનગૃહ) હતું જે ચબૂતરાની સાવ પાસે હતું. આજે એ હમામ અદૃશ્ય થઈ ગયું છે. અહીંનો ચબૂતરો બે સદીથી વધુની ઘટનાઓનો મૂક સાક્ષી છે. પથ્થરમાં બારીક કોતરકામ કરીને બનાવવામાં આવેલા આ ચબૂતરાનો મુખ્ય ભાગ અને ગુંબજ બેઉ તેને અમદાવાદના નોંધનીય ચબૂતરામાં સ્થાન અપાવવાની ક્ષમતા ધરાવે છે.
પણ જે ચબૂતરો નવરોધૂપ પડ્યો છે, જેને ચણ-પાણીથી નવપલ્લવિત કરવાની તસ્દી કોઈ લેતું નથી એવા આ ચબૂતરાના હોવાથી માનવીને કશો જ ફરક નથી પડી રહ્યો. મહાપાલિકાએ આ ચબૂતરાના નીચેના ભાગને જરૂર પડ્યે સુધાર્યો પણ છે. છતાં, વ્યસ્ત વિસ્તારમાં હોવાથી ચબૂતરાનું ધ્યાન રાખનાર અહીં કોઈ નથી. વળી તેની આસપાસ વાહનો પાર્ક થાય છે અને નજીકની જગ્યાનો ભોજન બનાવવા જેવાં કાર્યો માટે ઉપયોગ થાય છે. કોઈને એ વિચારવાની ક્યાં પડી છે કે પંખીના ભોજનનું શું?
इक-इक तिनका जोड कर चिडिया अपना घर बनाती है।
धूप, हवा, बारिश से अपना परिवार बचाती है।
मेहनत से तुम ना घबराना हम सब को सिखलाती है।
छोटे-छोटे हाथो से वह बडे काम कर जाती है।
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.

