આનંદની જોકે અહીં જ અવધિ આવી જાય છે કારણ ચબૂતરાના ઓટલાનો ખાસ્સો ભાગ પાસે જ બનાવવામાં આવેલા મકાનમાં દબાઈ ગયો છે

જુઓ તો આંખ ઠરે પણ સ્થિતિ સમજો તો હૃદય રડે. મહાપાલિકાએ આ ચબૂતરાની કાળજી રાખવાના સંનિષ્ઠ પ્રયાસો કર્યા હોવા છતાં વાસ્તવિકતા એક જ છે: સેવકરામના ખાંચાના આ ચબૂતરા સાથે હવે કોઈને કશી નિસબત નથી. ભલેને એ શહેરની પોળોમાં આવેલા સૌથી જૂના ચબૂતરામાંનો એક કેમ ના હોય?
આ ચબૂતરો કોણે બંધાવ્યો, ક્યારે બંધાવ્યો તેની કોઈને જાણ નથી. જમાલપુરમાં જ્યાં ચબૂતરો આવેલો છે ત્યાં આજે માત્ર મુસ્લિમ પરિવારો વસે છે. પહેલાં અહીં હિંદુઓની, કદાચ જૈનોની વસતિ હશે એ વાત ચબૂતરાને નિહાળીને કલ્પી શકાય છે. પાંચ ફૂટથી વધુ ઊંચાઈવાળા પથ્થરના મજબૂત થાંભલા પર આ ચબૂતરો જોકે આજે પણ અડીખમ ઊભો છે.
તેના સ્તંભ પર પણ સરસ આકારાણી કરવામાં આવી છે અને ઉપરનો મુખ્ય ભાગ તો ઝીણા કોતરકામનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે. આનંદની જોકે અહીં જ અવધિ આવી જાય છે કારણ ચબૂતરાના ઓટલાનો ખાસ્સો ભાગ પાસે જ બનાવવામાં આવેલા મકાનમાં દબાઈ ગયો છે. વળી ઉપર ચણતર માટેનો સામાન પણ ખડકી દેવાયો છે. પક્ષીઓ, માફ કરજો, આ ચબૂતરામાં તમારા માટે કોઈ સ્થાન બચ્યું નથી, એવો સંદેશો આ ઉપેક્ષામાંથી મળી રહ્યો છે.
ચણ વગેરેની અહીં કોઈ વ્યવસ્થા નથી. મહાપાલિકાએ કરાવેલા સમારકામ કે સફાઈકામ પછી પણ જે ચબૂતરો કાર્યરત નથી એના હોવાનો કોઈ લાભ નથી. બાકી આટલા વિશિષ્ટ દેખાવવાળા ચબૂતરાને જો યોગ્ય દેખભાળ મળે તો એ બેહદ ઉપયોગી સ્થાન પુરવાર થાય.
दया धर्म का मूल है, पाप मूल अभिमान।
तुलसी दया न छांडिए, जब लग घट में प्राण
– तुलसीदासजी
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.


