એ માટે તો સૌપ્રથમ ચબૂતરા આસપાસની ગંદકીથી છુટકારો મેળવવો પડે. પછી પક્ષીઓ અહીં આવે તેના માટે કાયમી વ્યવસ્થા સર્જવી પડે

ના ના ,જે માનવીઓએ આટલા સુંદર ચબૂતરાનું નિર્માણ કર્યું હોય તે પોતે એને આટલો હલધૂત કરી જ શકે નહીં. જો આ ચબૂતરાનો માત્ર ઉપલો ભાગ જોવામાં આવે તો ચકળવકળ થતો આંખો ખૂબ રાજી થાય. જેવી નજર નીચેના ભાગમાં જાય કે ધ્રાસ્કો પડી જાય. કારણ આ ચબૂતરા નીચેના ભાગને રીતસર ઉકરડો બનાવી નાખવામાં આવ્યો છે. અવહેલના અને ઉપેક્ષાની જાણે હદ જોઈ લો!
ચોતરફ પાર્ક કરવામાં આવેલાં વાહનો, બાજુથી બનેલું બોક્સ, પારાવાર ગંદકી વગેરેને લીધે શાહપુર દરવાજાના ખાંચામાં આવેલો પથ્થરનો આ ઉત્કૃષ્ટ ચબૂતરો જાણે સદંતર નિષ્ક્રિય થઈ ગયો છે. અન્યથા, એના ઉપલા ભાગને જુઓ તો મનમાં થાય કે આવા સુંદર, સો વરસથી વધુ જૂના ચબૂતરાને તો એટલી સરસ જાળવણીનો અધિકાર છે જેટલી જાળવણી એકાદ ઘરેણાંની થવી જોઈએ.
સ્વાભાવિક છે કે જ્યાં ગંદકીનું સામ્રાજ્ય હોય ત્યાં પક્ષીઓ માટે ચણની વ્યવસ્યા કરવામાં આવે કે ના આવે, કોઈ ખાસ ફરક પડતો નથી. ઉકરડાને લીધે વળી રખડતાં પશુઓ આ ચબૂતરાની આસપાસ ત્યજી દેવાયેલી ખાવાની ચીજો માટે ભટકતાં રહે છે. આ પોળમાં ગાયના ઘાસચારા માટેની માસિક વ્યવસ્થા કરવામાં આવી છે પણ તે પર્યાપ્ત નથી.
રાહતની વાત એ છે કે અહીંના જૈન સંઘના ટ્રસ્ટીએ ચબૂતરાને ફરી નવપલ્લવિત કરવા માટે પ્રયાસ આદર્યા છે. તેમના પ્રયાસ થકી જ ચબૂતરાના રંગરોગાનનું કાર્ય થોડા સમય પહેલાં સંપન્ન થયું છે. લોકોના મતે પક્ષીઓ માટે અહીં સૌ પોતપોતાની રીતે ચણ નાખી જાય છે પણ પરિસ્થિતિને જોતાં એવું લાગે છે કે ચણ નાખવામાં આવે તો પણ તેનાથી હેતુસર નહીં થતો હોય.
એ માટે તો સૌપ્રથમ ચબૂતરા આસપાસની ગંદકીથી છૂટકારો મેળવવો પડે, પછી પક્ષીઓ અહીં આવે તેના માટે કાયમી વ્યવસ્થા સર્જવી પડે. એના પછી આ ઐતિહાસિક ચબૂતરા બદલ પક્ષીઓ માનવીને અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપો!
पक्षी हमको लगते प्यारे। भोली व रंग न्यारे-न्यारे।।
मीठी बोली मूरत काली। उड़ती कोयल डाली-डाली।।
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.


