આ વિસ્તારમાં ચબૂતરાને બદલે મંદિરના ચોકમાં જ પક્ષીઓને ચણ નીરવાનું શરૂ કરવામાં આવ્યું. એ સાથે ચબૂતરો તડકે મુકાઈ ગયો

સિદ્ધનાથ મહાદેવ મંદિર લગોલગ આવેલો આ ચબૂતરો હાલ ખૂબ જ દયનીય અવસ્થામાં છે. એનું મુખ્ય કારણ ચબૂતરાના સ્થાપત્યની અવદશા નથી પણ તેની જાળવણી નથી થતી એ છે. વળી ચબૂતરાની આસપાસનો અને ઓટલાનો ભાગ ગૌમાતા માટે ચારાની સેવા કરવાનું કેન્દ્ર બની ગયો છે.
થોડી રંજ અને થોડી નવાઈની આ સ્થિતિ છે. પક્ષીઓની ક્ષુધા સંતોષીને પુણ્યકાર્ય કરવા માટે એક સ્થાન સર્જાયું. એ સેવા વિસારે પાડી દઈને હવે ત્યાં જીવદયાનું બીજું કાર્ય રોજબરોજનો ક્રમ બની ગયું. વાસ્તવમાં તો પક્ષીઓ સાથે ગૌમાતાની પણ સેવા થાય તો ચબૂતરાની પણ સાર્થકતા સિદ્ધ થાય!
આ ચબૂતરાનું નિર્માણ ૫૦ વર્ષ પહેલાં સિદ્ધકામનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના ઉપક્રમે કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ચબૂતરાનું બે-એક વાર રિનોવેશન પણ કરવામાં આવ્યું છે.
ધાર્મિક સ્થળ પાસે જ હોવા છતાં આ ચબૂતરો વપરાશમાં રહ્યો નથી તેનાં કારણો પણ જાણવા જેવાં છે. સમયની સાથે આ વિસ્તારમાં ચબૂતરાને બદલે મંદિરના ચોકમાં જ પક્ષીઓને ચણ નીરવાનું શરૂ કરવામાં આવ્યું. એ સાથે ચબૂતરો તડકે મુકાઈ ગયો. પક્ષીઓની સેવા અહીં થાય છે છતાં ચબૂતરાની ઉપેક્ષા થાય છે એ વાત વિચારણા માગી લેનારી છે.
એક મુદ્દો ધ્યાનમાં રાખવા જેવો છે. ચબૂતરા જેવાં સ્થળ આપણા પરિસર માટે ઘરેણાંસમાન છે. આવનારા સમયમાં આવાં સ્થાપત્યો બહુ ઓછી સંખ્યામાં સર્જાવાનાં છે. તેથી જે ચબૂતરા પહેલેથી છે તેની જાળવણી કરીને આપણે સંસ્કૃતિની રક્ષા પણ કરી શકીએ છીએ!
પંખીઓએ કલશોર કર્યો ભાઈ!
ધરતીને સૂરજ ચૂમ્યો,
કૂથલી લઈને સાંજનો સમીર
આજ વનેવન ઘૂમ્યો…
વનેવન ઘૂમ્યો…
– નીનુ મઝુમદાર
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.