બાંગ્લાદેશે શનિવારે તાજી તંગદિલી અને રાજકીય અશાંતિના પ્રતિકારરૂપે ‘ઓપરેશન ડેવિલ હન્ટ’ નામની દેશવ્યાપી કાર્યવાહી શરૂ કરી છે. રાજકીય નેતાઓ અને સરકારી સંસ્થાઓ પર થયેલા હિંસક હુમલા આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસ અને રેપિડ એક્શન બટાલિયન (RAB) સહિતની કાયદા સંસ્થાઓ દેશભરમાં સુગ્રથિત ધાડ પાડી રહી છે. એનો ઉદ્દેશ હાલની હિંસક ઘટનાઓમાં સંડોવાયેલાઓની ધરપકડ કરવા સાથે, કાયદો-વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાનો છે.
વ્યાપક કાર્યવાહીમાં 1,300થી વધુ લોકોની ધરપકડ
સોમવાર સુધીમાં, અધિકારીઓએ દેશભરથી 1,300થી વધુ લોકોની ધરપકડ કરી છે. અનેક જિલ્લાઓમાં પોલીસે ભાંગફોડિયાં તત્ત્વો અને રાજકીય હિંસા સાથે સંકળાયેલા લોકોની અટકાયત કરી છે. સરકારે જણાવ્યું છે કે જ્યાં સુધી તમામ જવાબદાર લોકો સામે પગલાં લેવાશે નહીં ત્યાં સુધી કાર્યવાહી જારી રહેશે.
રાજકીય વ્યક્તિઓનાં ઘરો પર થયેલાં હિંસક વિરોધ પ્રદર્શનો પછી દેશમાં અશાંતિ વધી હતી. સરકાર અને સત્તાધારી પક્ષના નેતાઓએ આ ઘટનાઓની નિંદા કરી છે. જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની પણ તેઓએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. એના પડઘારૂપે ‘ઓપરેશન ડેવિલ હન્ટ’ શરૂ કરવામાં આવ્યું હતું, જેથી વધુ અરાજકતા થતી થંભાવીને સ્થિરતા સુનિશ્ચિત કરી શકાય.

સરકારનું વલણ અને વિરોધ પક્ષોની પ્રતિક્રિયા
શાસક પક્ષે આ કાર્યવાહીને યોગ્ય લેખાવતાં જણાવ્યું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એ જરૂરી છે. અધિકારીઓએ દાવો કર્યો છે કે અસ્થિરતા સર્જવાનો પ્રયાસ કરતાં તત્ત્વોને બક્ષવામાં નહીં આવે. જોકે વિરોધ પક્ષના નેતાઓ અને વિવેચકોનો દાવો છે કે આ કાર્યવાહી રાજકીય હેતુથી થઈ રહી છે અને વિરોધીઓને લક્ષ્ય બનાવી રહી છે.
રેપિડ એક્શન બટાલિયન (આરએબી)એ આતંકવાદ અને હિંસા પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની એની નીતિનો પુનરોચ્ચાર કર્યો છે. એણે દેશમાં શાંતિ અને સ્થિરતા માટે જરૂરી પગલાં લેવાનો હુંકાર કર્યો છે.

માનવાધિકાર જૂથો અને ચળવળકારોએ બાંગ્લાદેશમાં સામૂહિક ધરપકડ અને સત્તાના સંભવિત દુરુપયોગ વિશે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ કાર્યવાહીમાં પારદર્શકતા અને અટકમાં લેવાયેલા લોકો માટે ન્યાયી કાનૂની કાર્યવાહીની માગ કરી છે. દરમિયાન, સરકારે ખાતરી આપી છે કે આ કાર્યવાહી સલામતી સુનિશ્ચિત કરવા અને કાયદાનું શાસન જાળવવા માટે છે.
‘ઓપરેશન ડેવિલ હન્ટ’ અશાંતિને ખાળવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા બાંગ્લાદેશ સરકારનું મહત્ત્વપૂર્ણ પગલું ગણાવાઈ છે. હાલની પરિસ્થિતિ જોકે એવું દર્શાવે છે કે બાંગ્લાદેશની સ્થિતિ પ્રવાહી છે અને આગળ શું થશે એનો ખ્યાલ તો સમય સાથે જ આવશે.
(તસવીરો બાંગ્લાદેશની ટેલિવિઝન ન્યુઝ ચેનલ્સના સમાચાર પરથી)