તિલકનું મહત્ત્વ કેટલું બધું છે તે ગયા પ્રકરણમાં જોઈ ગયા. હવે તેમાં વપરાતાં દ્રવ્યોની ઉપયોગીતા વિશે જોઈએ:
કંકુ: અનેક રોગોમાં ઉપયોગી હળદર સાથે ચૂનો મળીને બનતા લાલ રંગના કકુની ઉપયોગીતા ઔર વધી જાય છે. હળદરના તો બધા ફાયદા થાય છે. આ સાથે ચૂનાને લીધે શરીરનું અસ્થિતંત્ર પણ મજબૂત બને છે. તંદુરસ્ત બાળકને જન્મ આપવા માટે પણ આ જરૂરી છે. સ્ત્રીઓને દર મહિને રજસ્વલા દરમિયાન તથા ગર્ભાવસ્થાથી લઈ નવજાત શિશુના યોગ્ય પોષણ માટે લોહીની વિશેષ જરૂર પડે છે. આજની કલર થેરપી મુજબ લોહી વધારવા માટે લાલ રંગ મદદરૂપ બને છે. આ જ વાત ઋષિમુનિઓ જાણતા હતા. તેથી જ સ્ત્રીઓને ખાસ લાલ રંગની વસ્તુઓ જેવી કે લાલ પાનેતર, લાલ ચુંદડી, લાલ બંગડીઓ, લાલ ચાંદલો વગેરેનો ઉપયોગ કરવાનું શાસ્ત્રોમાં જણાવ્યું છે એટલું જ નહીં, સ્ત્રીઓ માટે તો લાલ રંગ સૌભાગ્યવર્ધક જ ગણેલો છે. ખાસ કરીને આજ્ઞાચક્ર પર નિત્ય કરાતા શુદ્ધ લાલ રંગના કંકુનો ચાંદલો રક્તકણોને વધારવામાં વધુ સહાયરૂપ બને છે તેથી જ યુવાન પરિણીતાઓને ફરજિયાત ચાંદલો કરવાનું જણાવેલ છે.
ચાંદલો માત્ર શારીરિક જ નહીં, પણ માનસિક રીતે પણ સ્ત્રીઓ માટે ઘણો જ અગત્યનો છે, કારણ કે સ્ત્રીઓનાં મન અને મગજ પુરુષની સરખામણીમાં વધુ લાગણીશીલ અને કોમળ હોય. વાતાવરણના દૂષિત વિચારો જલદી હાવી થઈ જાય છે. આ અસરથી બચવા અને દૃઢ મનોબળ પેદા કરવા આજ્ઞાચક્રની ઉપર નિત્ય ચાંદલાનું હોવું જરૂરી છે. આ સાથે બીજી વાત જાણી લઈએ કે આજ્ઞાચક્રની જેમ માથા પર, પાછળના ભાગમાં સહસ્ત્રાધાર ચક્ર આવેલું છે, જેના રક્ષણ માટે અને ઉપરોક્ત કારણોસર વધુ લાંબા વાળનો જથ્થો જરૂરી છે. આમ, વધુ વાળ, અંબોડો કે ચોટલો અને કપાળ પર કંકુનો ચાંદલો સ્ત્રીઓ માટે આજના સમયમાં પણ વરદાનરૂપ છે. શક્તિ અને શૌર્યથી ભરપૂર લાલ રંગવાળું કંકુ શક્તિવર્ધક હોઈ શક્તિના પ્રતીક સ્વરૂપ વિવિધ દેવીઓને ચઢાવવાનો પણ અનેરો મહિમા છે.
સામાન્ય રીતે કંકુનો ચાંદલો કરીએ ત્યારે સાથે ચોખા પણ તેની ઉપર લગાડવામાં આવે છે. આગળના પ્રકરણોમાં જણાવ્યા મુજબ સાત્વિક ચોખા શુભકારક તરંગોને પોતાની તરફ ખેંચવાનો ગુણ ધરાવે છે તેથી ચાંદલા સાથે લગાડેલા ચોખા સૌથી વધુ કલ્યાણકારી તરંગો ખેંચે છે, જ્યારે લાલ રંગનું કંકુ આ તરંગોને બળવાન બનાવે છે. સાથે આજ્ઞાચક્રને સતેજ પણ કરે છે. કંકુ ચોખાની જોડી એટલે શક્તિ અને સાત્વિકતાનું સંયોજન એકબીજાનાં પૂરક તો બને છે સાથે એકબીજાના ગુણોને સમતોલપણું પણ બક્ષે છે.
કેસર: હળદરની જેમ કેસર પણ ત્રિદોષનાશક છે. વધુમાં તે મસ્તકને બળ આપે છે. કપાળ પર કેસરનું તિલક કરવાથી શરીરના ત્રણે દોષો સમતોલ બનાવે છે. જેથી શારીરિક અને માનસિક વિકાસ ઝડપી થાય છે. માટે જ જૈન ધર્મમાં કેસરના ચાંદલાને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. કેસરની સુગંધ શરીર અને વાતાવરણને સુવાસિત બનાવે છે, જે મનને શાંત અને પ્રફુલ્લિત બનાવે છે. સાથે સર્વ પ્રકારના મનોવિકાસ દૂર કરે છે. કેસર શરીરનો વર્ણ સુધારવામાં તેમ જ ચામડીના રોગોમાં ઉપયોગી છે. કપાળ પર કેસરનું તિલક લગાડવાથી માથાનો દુઃખાવો તેમ જ દૃષ્ટિ-દુર્બળતા દૂર થાય છે. તદ્ઉપરાંત જ્યોતિષાશાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે કેસર ગુરુ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. ગુરુ જ્ઞાનનો ગ્રહ હોવાથી કેસરનું તિલક વિદ્યાભ્યાસ, જ્ઞાન અને બુદ્ધિમાં વધારો કરે છે. માટે દરેક વિદ્યાર્થીઓને કેસરનું તિલક ખાસ ઉપયોગી બની રહે છે. ગુરુ પતિનો કારક ગ્રહ હોવાથી પતિસુખ મેળવવા માટે સ્ત્રીઓને કેસરનો ચાંદલો લાભદાયી બની રહે છે.
ચંદન: કેસરની જેમ ચંદન પણ સુવાસિત દ્રવ્ય છે. વધારામાં તે શીતળતા આપનાર છે. આથી ગરમીના રોગમાં તથા ખાસ કરી ઉનાળામાં ચંદનનું તિલક વધુ લાભદાયી થાય છે. પહેલાંના જમાનામાં એક ગામથી બીજે ગામ જાન જતી હોય ત્યારે સ્ત્રી હોય કે પુરુષ દરેકના પૂરા કપાળ પર ચંદનનો લેપ કરવામાં આવતો. જેથી શરીર અને વાતાવરણમાં સુગંધની સાથે ઠંડક પણ પ્રસરી જતી હતી. મનના ક્રોધ તથા આવેશોને સમાવી શાંતિ પ્રદાન કરવામાં ચંદનનું તિલક મહત્ત્વનો ભાગ ભજવે છે. મનના વિકારોથી ઉત્પન્ન થતા વિષને પણ દૂર કરવાનું અગત્યનું કામ કરે છે. સળંગ ઉપવાસ કે અન્ય કારણસર શરીરની ગરમી વધી જાય તો કપાળ પર ચંદનના લેપ માત્રથી ગરમી દૂર થાય છે. કંકુ-ચોખાની જેમ કેસર-ચંદનનું મિશ્રણ વધુ લાભદાયી નીવડે છે.
સિંદૂર: લગ્ન સમયે વર કન્યાના સેંથામાં સિંદૂર પૂરે છે, તેની પાછળ પણ વૈજ્ઞાનિક કારણ રહેલું છે. સેંથો પૂરવાની આ જગા પર પિચ્યુટરી ગ્રંથિને સતેજ કરી તેની કાર્યક્ષમતા વધારવા માટેનો મહત્ત્વનો એક્યુપ્રેશરનો પોઇન્ટ આવેલો છે, જે સ્ત્રીઓને સૌથી વધુ સતાવતો પ્રદરરોગ દૂર કરે છે. ગર્ભાશયને સ્વસ્થ બનાવી સંતાનસુખ પ્રાપ્તિ માટે સહાયરૂપ બને છે. માટે જ આ જગ્યાએ યુવાન પરિણીતાઓએ સિંદૂર વડે સેંથો પૂરવો અગત્યનું બની રહે છે. આ સિંદૂર હાનિકારક તત્ત્વોની અસરથી પિચ્યુટરી ગ્રંથિને બચાવે છે અને તેને સક્રિય પણ બનાવે છે. સિંદૂરનું તિલક આત્મસંયમ વધારવામાં ઉપયોગી છે, જે આધ્યાત્મિક ક્ષેત્રમાં વિકાસ સાધવામાં મદદરૂપ થાય છે. સિંદૂર જંતુનાશક હોવાથી વાળમાં ઉત્પન્ન થતી જૂ કે લીખને પણ દૂર રાખે છે. ચામડીના રોગ માટે આજે પણ સિંદૂરનો ઉપયોગ કરી મલમ બનાવાય છે.
ભસ્મ: અગાઉના પ્રકરણોમાં જણાવ્યા પ્રમાણે યજ્ઞ કે હવન વખતે શુદ્ધ દ્રવ્યને અગ્નિમાં અર્પણ કરીને જે વાયુ નીકળે છે તે શરીર અને મનને ફાયદાકારક હોય છે. સાથે સાથે યજ્ઞમાં બચેલી ભસ્મનું કપાળ પર તિલક કરવું તે યજ્ઞ વિધિના ભાગરૂપ છે.
આ ભસ્મ પણ શરીરને ઉપયોગી એવાં ઔષધિતત્ત્વો ધરાવતી હોય છે. વધારામાં દ્રવ્ય હોમતી વખતે જે મંત્રશક્તિનો ઉપયોગ થાય છે તે શક્તિની છાપ ભસ્મમાં પણ અકિત થયેલી હોય છે. અગાઉ દિવાળીના પ્રકરણમાં જોયું કે મંત્રશક્તિ કેટલી ઉપકારક છે. આમ, ભસ્મનું તિલક દ્રવ્યશક્તિ અને મંત્રશક્તિનું સંયોજન હોઈ તે શરીર, મન અને આત્મા માટે કલ્યાણકારી બની રહે છે.
તિલક અને સાત ચક્રો: માથામાં રહેલા સહસ્ત્રાધાર ચક્ર અને આજ્ઞાચક્ર નીચે બીજાં પાંચ ચક્રો વિશુદ્ધ ચક્ર, અનાહાત ચક્ર, મણીપૂર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર અને મૂલાધાર ચક્ર રહેલાં છે, જે અનુક્રમે આકાશતત્ત્વ, વાયુતત્ત્વ, અગ્નિતત્વ, જળતત્ત્વ અને પૃથ્વીતત્ત્વ પર પ્રભુત્તવ ધરાવે છે. આમ, આ ચક્ર પંચતત્ત્વ સાથે તેમ જ શરીરની વિવિધ ગ્રંથિ સાથે પણ સંકળાયેલાં છે. જેથી ચક્રોની સક્રિયતા આપણા મન સાથે શરીર પર પણ પડે છે. જેથી શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે તો આ સાતે ચક્રો પર તિલકનું લેપન ખૂબ ઉપયોગી છે. આજ્ઞાચક્ર, તેની નીચે આવેલ પાંચ ચક્રો પર પ્રભુત્વ ધરાવે છે. આથી આજ્ઞાચક્ર પર કરેલું તિલક નીચેનાં પાંચ ચક્રોને વત્તો-ઓછો લાભ આપી શકે છે. આ દૃષ્ટિએ પણ આજના ફાસ્ટ યુગમાં ઓછામાં ઓછું કપાળ પર તિલક કરવું જરૂરી છે, પરંતુ ફૅશનેબલ ગણાવવા માટે પુરુષોએ તો તિલકને તિલાંજલિ આપી દીધી છે. સાથે સ્ત્રીઓ પણ કુદરતી દ્રવ્યોનો અનાદર કરી વેલ્વેટ અને પ્લાસ્ટીકના ચાંદલા લગાવે છે. આના દ્વારા સમયની બચત થતી હશે અથવા તેમના ચહેરાની શોભા વધતી હશે, પરંતુ કુદરતી દ્રવ્યોથી મળતી સુંદરતા, શક્તિ, સ્વાસ્થ્ય અને બુદ્ધિવર્ધક લાભોથી તેઓ વંચિત રહી જાય છે.
જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર મુકેશ પંડ્યાના પુસ્તક ‘ધર્મ ભી કભી વિજ્ઞાન થા, હૈ ઓર રહેગા’માંથી સાભાર. દરેક ગુજરાતીએ વસાવવા જેવું આ પુસ્તક છે. ધર્મ અને વિજ્ઞાનના પ્રગાઢ સંબંધોને સચોટ રીતે ઉજાગર કરતી બાબતોનો એ રસથાળ છે.


