પોણાત્રણસો અબોલ જીવો આ પાંજરાપોળે હાલના પૂરમાં ગુમાવ્યા છે. ખરા અર્થમાં શ્રેષ્ઠ જીવદયા કરવાને સક્ષમ આ સંસ્થાને ફરી આવી સ્થિતિનો સામનો કરવો પડે નહીં તે માટે સમાજે સંકલ્પ કરવો રહ્યો
નોંધઃ અહીં જણાવેલી માહિતી, પશુઓની સંખ્યા, વાર્ષિક ખર્ચ તથા સંસ્થાની આર્થિક જરૂરિયાતો વગેરે બધું ઓગસ્ટ 2017 મુજબ છે. સંસ્થાની હાલની સ્થિતિ વિશે વાચકે સ્વયં જાણકારી મેળવી લેવી. આ લેખ પ્રસિદ્ધ કરવાનો એકમાત્ર ઉદ્દેશ સંસ્થાનાં તથા સમસ્ત મહાજનનાં સુકૃતથી વાચકોને પરિચિત કરાવવાનો છે.
૨૦૦૦થી વધુ પશુઓને સાચવતી આ પાંજરાપોળ છેક ૧૯૫૩થી કાર્યરત છે. ૨૯ વીઘા જમીન ઉપરાંત અહીં ૮૫ વીઘા ખેતીની જમીન પણ છે. હજારેક વૃક્ષો એમાં લહેરાય છે. ગાય, બળદ, ભેંસ, પાડા, બકરી, નીલગાય, સસલાં, મરઘા જેવાં પશુઓ અહીં છે. એમાંથી દૂઝણાં પશુખો તો માંડ ત્રણ-ચાર. મુદ્દે, નિ:સ્વાર્થભાવે જીવદયા કરવાના મંત્રને બખૂબી અહીં અનુસરવામાં આવે છે.
આ વરસના વરસાદે આ પાંજરાપોળને અકલ્પનીય તકલીફો આપી હતી. સૌથી મોટું નુકસાન એટલે અઢીસોથી વધુ પશુનાં મોત. પાણી જાણે વિષ બનીને આભથી ખાબક્યું અને પોણાબસો પાડા, પચ્ચીસેક ગાય, ૨૬ બળદ અને ૩૨ આખલાને ભરખી ગયું. આટઆટલા જીવ જ્યારે નિશ્ચેતન થઈ જાય ત્યારે એમને ચાહતા, એમની સેવા કરતા માનવીઓ કેવા હતપ્રભ થઈ જતા હશે, કેવોક સન્નાટો વ્યાપી જતો હશે એની કલ્પના કરવી પણ અઘરી છે.
પછી એ બધાં પશુઓનાં શબને થાળે પાડવાનાં, દફનાવવાનાં. વળી પાણી પાણી થયેલી જમીન જ્યાં જુઓ ત્યાં કાદવ અને કળણ. બાકી હોય તેમ ચારાનો દાટ વળે પછી, કરવું તો શું કરવું એની ખરેખર ગતાગમ પડે નહીં! ભાભર પાંજરાપોળના સંચાલકો માટે કહેવું રહ્યું કે યાતનાઓના આવા અતિરેક વચ્ચે પણ તેમણે ઝઝૂમી લેવાનો અતૂટ સંકલ્પ કર્યો.
આવી લડાઈ જોકે સહેલી નથી હોતી. કારણ કે જ્યારે કૂદરત રૂઠે, માનવી-પશુંનાં પ્રયોજન વેરવિખેર કરી નાખે, ત્યારે કોઈનાય હાથ હેઠા પડે. એટલી વાત જોકે રાહતની ગણાય કે ભાભર પાંજરાપોળ જેવી સંસ્થાઓની વહારે દેશની અનેક સેવાસંસ્થાઓ આવવા માંડી. વિવિધ સ્ત્રોતોથી સંસ્થાઓને મદદ મળવાની શરૂ થઈ તેથી પરિસ્થિતિ ધાર્યા કરતાં થોડી વહેલી થાળે પડવાની આશા બંધાઈ. મુશ્કેલી એ છે કે આફત પછી તરત મળતી રાહતનો પ્રવાહ પરિસ્થિતિ થોડીક થાળે પડતા મંદ પડે છે. ઓછી નુકસાની વખતે એ કદાચ ચાલી જાય, પણ મોટા પાયે નુકસાની પછી તો મદદ લાંબા ગાળા સુધી મળવી જોઈએ.
ભાભર પાંજરાપોળને પૂર્વવત્ કરવા માટે બિલકુલ આ વિચારને કેન્દ્રસ્થાને રાખવો ઘટે. કમ્પાઉન્ડ વોલ, હવાડા, ઘાસ કાપવાનાં મશીન, ગોડાઉન, પશુ સ્વાસ્થ્ય કેન્દ્ર, સોલાર પાવર યંત્ર, ફ્લોરિંગ જેવી એની જરૂરિયાતો વહેલામાં વહેલી તકે સંતોષાય જાય એ સમાજે જોવું રહ્યું. અત્યારે અહીં ઘાસ, રજકો, બાજરી, જુવાર ઉગાડવામાં આવે છે છતાં બહારથી પણ જુવાર-ઘાસ વગેરે મગાવવાં પડે છે. વિશાળ સંસ્થા હોવાથી એને ચારાના મામલે આત્મનિર્ભર બનાવવાને સૌએ બનતી મદદ કરવી જોઈએ. અનેક માંદાં-અપંગ પશુઓને અહીં કાળજીપૂર્વક જયણા સાથે સાચવવામાં આવે છે. એક વિશેષતા એ છે કે બનાસકાંઠા વિસ્તારમાંથી આવતા પાડાઓને આ પાંજરાપોળ છત્રછાયા પૂરી પાડે છે. કતલખાને લઈ જવાતાં પશુઓને બચાવવાની વાત આવે ત્યારે આ પાંજરાપોળના કાર્યકર્તાઓ પીછેહઠ કરતા નથી.
આપણી ફરજ એટલી છે કે અતિવૃષ્ટિ પછી આ સંસ્થાએ પીછેહઠ કરવી પડે એવા સંજોગો કોઈ કાળે સર્જાય નહીં. એનો એક જ ઉપાય છે: આ વખતના પૂરમાંથી માત્ર આવી પાંજરાપોળો નહીં, આપણે પણ ઘડો મેળવીએ. પાંજરાપોળો તથા ગૌશાળાના ઉત્કૃષ્ટ સંચાલન માટે આપણે રાષ્ટ્રીય સ્તરે જડબેસલાક વ્યવસ્થા ઊભી કરીએ.
ઊણપો/જરૂરિયાતો
1. પૂર પાછી સ્થિતિ પૂર્વવત્ થાય તે માટે તમામ મદદ.
2. ચારો ઉગાડવા માટે તથા ખરીદવા માટે સહકાર.
3. કમ્પાઉન્ડ વોલ, હવાડા, ઘાસ કાપવાનું મશીન, ગોડાઉન વગેરે.
4. પશુ સ્વાસ્થ્ય કેન્દ્ર, ખરંચો.
સંસ્થાસંપર્ક
સરનામું: શ્રી ભાભર ખોડાઢોર પાંજરાપોળ, ભાભરતીર્થ, જિલ્લો બનાસકાંઠા – ૩૮૫૩૨૦, ગુજરાત
સંપર્ક: સેવંતીલાલ હરગોવિંદદાસ મુંજપુરા
ટેલિફોન: ૦૨૭૩૫-૨૨૨૪૮૬
મોબાઇલ: ૯૪૨૭୦ ૪૪૪૫૧, ૯૮૨૦૨ ૩૨૦૪૫
આવકવેરામાં રાહતની પાત્રતા: હા
કુલ અબોલ જીવો: ૧,૮૦૦
વાર્ષિક ખર્ચ: અઢી કરોડ રૂપિયા
બાંધકામનો ખર્ચ: ૮૦ લાખ રૂપિયા
સંસ્થાને દાન આપવા કે કોઈ પણ રીતે મદદરૂપ થવા ઇચ્છનાર સમસ્ત મહાજનનો સંપર્ક પણ સાધી શકે છે
ઓગસ્ટ 2017માં ગુજરાત-રાજસ્થાનમાં અતિવૃષ્ટિ થઈ. તત્કાળ ધોરણે જીવદયાપ્રેમી સંસ્થા સમસ્ત મહાજન અને એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશભાઈ શાહના પ્રોત્સાહને બેઉ રાજ્યની ગૌશાળાઓ તથા પાંજરાપોળોની સ્થિતિ જાણવા સર્વેક્ષણ થયું. એ કાર્ય માંગરોળ મલ્ટીમીડિયાની ટીમે સંપન્ન કર્યું હતું. લેખક-પત્રકાર સંજય વિ. શાહે સર્વેક્ષણના આધારે, ગૌશાળા-પાંજરાપોળ પુનરુસ્થાન અભિયાન, પુસ્તક લખ્યું હતું. આ લેખ 2017માં પ્રસિદ્ધ એ પુસ્તકનો ભાગ છે.


