Saturday, January 18

ચણની શી સ્થિતિ છે? ચણ તો આ ચબૂતરામાં નીરવામાં આવતું નથી. છેલ્લે ક્યાર સુધી એ સેવાકાર્ય ચાલ્યું હશે તેનો તાગ ના મળે તેટલી જૂની એ વાત થઈ ગઈ છે

આ પોળ માણેક ચોક નજીક આવેલી છે. અહીંના ચબૂતરાને જોતાં જ પહેલી નજરમાં એક વાત સમજાઈ જાય છે કે સાવ જ ઉપેક્ષિત રહેનારો આ ચબૂતરો નિરંતર ચાલતા બાંધકામને લીધે પણ હાંસિયામાં ધકેલાઈને રહી ગયો છે.

આ ચબૂતરાના નીચેના ભાગમાં ક્યારેક જૂદું જ બાંધકામ રહ્યું હશે. કારણ સિમેન્ટ-કોંક્રીટનો બનેલો તેનો નીચેનો ભાગ અને કોતરકામ કરીને પથ્થરમાંથી બનાવવામાં આવેલો ઉપલો ભાગ, બેઉ વચ્ચે કોઈ મેળ વર્તાતો નથી. ચબૂતરાનો મુખ્ય ભાગ કોઈ જ કાળજી નહીં લેવાતી હોવા છતાં તેની જૂની ભવ્યતાની ઝાંખી કરાવનારો છે. ઝાંખા લીલા, શ્વેત, પીળા અને ઝંખવાઈ જવાને લીધે ઉપર કાળા રંગના વિવિધ થપેડા ચબૂતરા પર જોવા મળે છે. મુખ્ય ભાગમાં આઠ થાંભલાવાળો ઝરુખો. થાંભલાઓ પર શિલ્પો કોતરવામાં આવ્યાં છે.

નીચે અને ઉપરની તરફ ચબૂતરાના મૂળ સ્થાપત્યને ક્ષતિ પહોંચી હોવાનું પણ દેખાઈ આવે છે. સો વરસથી જૂના આ ચબૂતરાનું બાંધકામ પોળના પંચે જ કરાવ્યું હોવાનું માનવામાં આવે છે.

ચણની શી સ્થિતિ છે? ચણ તો આ ચબૂતરામાં નીરવામાં આવતું નથી. છેલ્લે ક્યાર સુધી એ સેવાકાર્ય ચાલ્યું હશે તેનો તાગ ના મળે તેટલી જૂની એ વાત થઈ ગઈ છે. સ્થાનિક રહેવાસીઓના મતે પોળમાં શ્વાન-બિલાડી વગેરેનો ખૂબ ત્રાસ હોવાને લીધે ચણ નાખવાનું બંધ કરવામાં આવ્યું હતું. ટૂંકમાં, આજે ચબૂતરો છે એટલું એક આશ્વાસન રહ્યું છે.

જાળવણી, કાળજી થકી જેને સુધારી શકાય, ફરી કાર્યાન્વિત કરી શકાય તેવા આ ચબૂતરાને કોઇકની સ્નેહદૃષ્ટિની આવશ્યકતા છે. આમ જ એને તરછોડી નાખવો એ તો માણસાઈની વાત નથી, રાઇટ? તો ચાલો, કરીએ પક્ષીસેવા…

આખી દુનિયામાં ૧૩ જૂનનો દિવસ વિશ્વ કબૂતર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

Leave A Reply

English
Exit mobile version