Monday, January 20

રવિવાર, 19 જાન્યુઆરી 2025ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાના સેક્ટર 19માં સાંજે 4:30 વાગ્યે આગ લાગી હતી. જોકે ત્વરિત પગલાં લેવાયાથી જાનહાનિ ટળી હતી. કુંભમેળાના અધિકારીઓએ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. બીજી તરફ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તરત ઘટનાસ્થલે જઈને પરિસ્થિતિનો તાગ મેળવવા સાથે તપાસના આદેશ આપ્યા હતા. 

ઉપલબ્ધ માહિતી અનુસાર, આગ લાગવાની ઘટના સાજે ગીતા પ્રેસના ટેન્ટમાં બે એલપીજી સિલિન્ડર ફાટવાથી થઈ હતી. આગ ઝડપભેર ફેલાઈ હતી. નજીકના પ્રયાગવાલ સાધુઓના તંબુ સહિત આગે 18 જેટલા તંબુઓને ઝપટમાં લીધા હતા. રાહતની વાત એ હતી કે સત્તાવાળાઓના ઝડપી પ્રતિસાદ અને અગ્નિશમન દળનાં 15 બંબાઓએ તરત આગ બુઝાવવાનું કામ હાથ ધર્યું હતું. પરિણામે, પરિસ્થિતિ પર બહુ ઝડપભેર કાબૂ મેળવી શકાયો હતો. 

પ્રયાગરાજ જિલ્લા મેજિસ્ટ્રેટ રવીન્દ્ર કુમાર મંદારે આ ઘટના વિશે એક વિડિયો નિવેદનમાં જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તરત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, જેથી આગ ફેલાય એ પહેલાં એના પર કાબૂ મેળવી શકાયો હતો. “પરિસ્થિતિ સામાન્ય છે અને કોઈ જાનહાનિ થઈ નથી,” એવું પણ તેઓએ જણાવ્યું હતું. આગથી મિલકતને થયેલા વ્યાપક નુકસાન છતાં, લોકોને સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા એ નોંધનીય બાબત હતી. 

ઘટનાની જાણ થતાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ તરત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓએ સ્વયં રાહત કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. એમના સત્તાવાર એક્સ હેન્ડલ પર હિન્દીમાં એક ટ્વીટ પણ મુકવામાં આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે પ્રયાગરાજમાં મહા કુંભમેળા ક્ષેત્રમાં આગની ઘટનાનું મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ધ્યાન લીધો અને સ્થળ પર જઈને સ્થિતિનું નિરીક્ષણ કર્યું. મુખ્ય પ્રધાને સંબંધિત અધિકારીઓને યુદ્ધના ધોરણે રાહતકાર્ય કરવા પણ નિર્દેશ આપ્યો હતો. 

મહા કુંભમેળો વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો છે. પ્રયાગરાજ મહા કુંભમેળામાં આ વખતે આશરે 40 કરોડ ભાવિકો ઉમટવાની આશા છે. આ વરસે મેળો 13 જાન્યુઆરી 2025એ શરૂ થયો અને 45 દિવસ ચાલશે. 

આગની ઘટનાએ સત્તાવાળાઓને સુરક્ષા વ્યવસ્થાનું પુનઃમૂલ્યાંકન અને સશક્તીકરણ કરવા પ્રેરિત કર્યા છે. આગને કાબૂમા કરવા નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમ પણ  ઘટનાસ્થળે પહોંચી હતી.

Leave A Reply

English
Exit mobile version