Monday, January 20

એક જ દિવસમાં લાઇફ દરરોજ બે વખત શરૂ થતી હોય છે. એક વાર સવારે, ઘર સે નિકલતે હી, અને બીજી વાર, ઘર પે પહુંચતે હી. એક જગ્યાએ ચેલેન્જ છે પારકાઓને પોતાના કરી જાત પ્રુવ કરવાની. બીજી જગ્યાએ ચેલેન્જ છે પોતાનાઓને પારકા ન થવા દઈને પ્રુવ થવાની. ઘરની બહાર ઉધામા છે, ઉત્પાત છે, ઉચાટ છે. ઘરમી અંદર આશા છે, અપેક્ષા છે, ઇચ્છા છે. આ બે શરૂઆતનો ધી એન્ડ, દરેકેદરેક દિવસ સારો આવે તો બધું બરાબર.

બધું બરાબર કરવામાં થાપ ખાધી છે? ડોન્ટ વરી, રિલેક્સ, એક ચેન્જને અબીહાલ ચેલેન્જ તરીકે અપનાવી લો. જે વર્તન ઘરની બહારના લોકો સાથે કરો છો એ ઘરના લોકો સાથે કરો અને બીજું, ઘરના લોકો સાથે જે કાંઈ કડવું વર્તન કર્યું હોય એ તરત બંધ કરી દો, કારણ કે ભૂલમાં ઘર માટે ઘસાતા, કમાતા લોચો થયો હોય, કારણ કે દુકાને ચા આપતા ગમાર ગોવિંદ કે સ્ટેશને રેગ્યુલર બૂટપોલિશ કરી આપતા બાબુ સાથે બહુ ગળચટ્ટા રહેવાયું હોય. પણ જેણે છ વાગ્યે જાગીને પાણી ભર્યું, પોણાઆઠ વાગ્યે ટિફિન પકડાવી દીધું અને સાંજે ઘેર પહોંચતા જ, પોતાનો થાક ભૂલીને તમારો થાક ભુલાવી દેવા પૂછયું હોય કે આવી ગયા તમે? લો પાણી… એને રોજ તોછડાઈથી કહેવાઈ ગયું હોય, તું ચૂપ રહે… ઓલરેડી મગજ આઉટ છે મારું…

કેટલું સાચું આ મગજ આઉટ છે, કારણ કે ઘરેથી આઉટ થઈ પૈસા કમાવાના રૂટિન પછી રૂડા ઘરને ખોટા એટિટ્યુડથી, ખોટા રુઆબથી રોળી નખાયું હોય. ઘાટ ઘાટના પાણી પીધાં હોય, જાતજાતના અનુભવ લીધા હોય અને નહીં બગાડવા જેવા કેટલાય સંબંધ બગાડ્યા હોય, એના પછી પણ આ વાત સમજવી પડે. બધે ગયા, છવાયા પછી છેવટે ઘરે પહોંચવું પડે અને પોતાને જ કહેવું પડે ઓહ યસ, આવી ગયા અમે!

Leave A Reply

English
Exit mobile version