મુંબઈના ગૌરવશાળી સિનેમા ઇતિહાસની એક ઓળખ રહ્યો છે ફિલ્મિસ્તાન સ્ટુડિયો. ગોરેગાંવમાં સ્થિત આ સ્ટુડિયોને આર્કેડ ડેવલપર્સે ₹183 કરોડમાં ખરીદી લીધો છે. હવે એના સ્થાને વૈભવશાળી ઇમારતો બનશે. સ્ટુડિયોના ચાર એકરથી વધુ વિસ્તારમાં મોંઘા ફ્લેટ્સ બનશે. એ સાથે એક વધુ મહત્ત્વપૂર્ણ સ્ટુડિયોનો અંત આવશે એ દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ એ સમયનો તકાજો છે. આવો, ફિલ્મિસ્તાનના ઇતિહાસ અને તેની સાથે જોડાયેલી કેટલીક યાદગાર ફિલ્મો વિશે વાત કરીએ.
સન 1943માં ફિલ્મિસ્તાન સ્ટુડિયોનો પાયો શશધર મુખર્જીએ નાખ્યો હતો. તેઓ કાજોલ અને રાણી મુખર્જીના દાદા હતા. તે સમયે તેઓ કલા નિર્દેશક તરીકે પ્રસિદ્ધ હતા. શશધરે તેમના સાળા-ભત્રીજા અશોક કુમાર, જ્ઞાન મુખર્જી અને રાયબહાદુર ચુનીલાલ સાથે મળીને સ્ટુડિયો સ્થાપ્યો હતું. સન 1940માં તે સમયના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મમેકર હિમાંશુ રાયનું અવસાન થયું. ત્યારબાદ બોમ્બે ટોકિઝનું કામકાજ ઢીલું પડતું ગયું. આથી તેની સાથે જોડાયેલા પ્રખ્યાત અભિનેતા અશોક કુમારે સ્ટુડિયો સાથેનો સંબંધ તોડી નાખવાનું નક્કી કર્યું.
એ કારણે જ ફિલ્મિસ્તાન સ્ટુડિયોનો જન્મ થયો. કહે છે કે સ્ટુડિયોના નિર્માણમાં હૈદરાબાદના નિઝામ ઓસ્માન અલી ખાને આર્થિક સહયોગ આપ્યો હતો. તે દિવસોમાં ફિલ્મ સ્ટુડિયો ફક્ત ફિલ્મી સેટ માટે નહોતા. ફિલ્મથી જોડાયેલું દરેક કામ ત્યાં થતું. શહેરના ફિલ્મ સ્ટુડિયોઝ નિર્માણ પણ કરતા. તકનીકી કર્મચારીઓની જેમ કલાકારો સ્ટુડિયો માટે પગારે કામ કરતા.
ફિલ્મિસ્તાનમાં બનેલી પહેલી ફિલ્મ સન 1944ની ‘ચલ ચલ રે નૌજવાન’ હતી. તેમાં અશોક કુમાર ઉપરાંત નસીમ બાનો હતાં. બોક્સ ઓફિસ પર ફિલ્મનો દેખાવ સામાન્ય રહ્યો હતો. ફિલ્મિસ્તાનને સૌથી મોટી સફળતા મળી સન 1947ની ફિલ્મ ‘દો ભાઈ’થી. ફિલ્મિસ્તાનનું નિર્માણ અને મુનશી દિલનું દિગ્દર્શન હતું. તે વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ હતી. 1948ની ‘શહીદ’, 1949ની ‘શબનમ’ અને 1950ની ‘સરગમ’ જેવી ફિલ્મોએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મિસ્તાનનું સ્થાન મજબૂત કર્યું હતું.
પછીનાં વર્ષોમાં સ્ટુડિયોએ અનેક મનોરંજક ફિલ્મો આપી. ‘અનારકલી’ (1953), ‘નાગીન’ (1954), ‘જાગૃતિ’ (1954), ‘મુનિમજી’ (1955), ‘પેઇંગ ગેસ્ટ’ (1957), ‘તુમસા નહીં દેખા’ (1957) વગેરે તેમાં સામેલ હતી. ‘જાગૃતિ’ને શ્રેષ્ઠ ફિલ્મનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ફિલ્મીસ્તાને એસ. ડી. બર્મન, મદન મોહન જેસા સંગીતકારોને પણ ઓળખાણ અપાવી હતી..
દરમિયાન, સન 1950માં રાયબહાદુર ચુનીલાલનું અવસાન થયું. સ્ટુડિયોનું સંચાલન કલકત્તાના વેપારી તોલારામ જાલનના હાથમાં ગયું. તેમણે સ્ટુડિયોનું કામકાજ યથાવત્ ચાલુ રાખ્યું. પરંતુ, સન 1958માં જાલન અને શશધર વચ્ચે કામકાજની શૈલીને લઈને મતભેદ ઊભા થયા. શશધરે સ્ટુડિયો છોડી અંધેરીમાં ફિલ્માલય સ્ટુડિયોની સ્થાપના કરી.
છતાં, ફિલ્મિસ્તાન ફિલ્મી દુનિયાનો અભિન્ન અંગ બની રહ્યો, કારણ ત્યાં આ ક્ષેત્રનાં કામો થતાં રહ્યાં. જાલને સ્ટુડિયોની પરંપરા અને કામકાજને કાયમ રાખ્યાં. સમય જતાં ફિલ્મિસ્તાનમાં ફિલ્મ નિર્માણનું કામ ધીમું પડતું ગયું. કદાચ કારણ એ હતું કે તેનું સંચાલન સર્જનાત્મક લોકોને બદલે વેપારીના હાથમાં જતું રહ્યું હતું. સન 1964માં બનેલી ‘દૂજ કા ચાંદ’ સ્ટુડિયોની છેલ્લી ફિલ્મ હતી જેનું નિર્માણ ફિલ્મિસ્તાને કર્યું હતું. પરંતુ ફિલ્મો, ટીવી શો, જાહેરાતો સહિતના શૂટિંગના કામથી સ્ટુડિયો આગળ વધતો રહ્યો. 2010ના દશકમાં પણ ત્યાં અનેક નોંધનીય ફિલ્મો શૂટ થઈ હતી. તેમાં ‘રા.વન’, ‘બોડીગાર્ડ’, ‘2 સ્ટેટ્સ’ જેવી ફિલ્મો અને ‘ખોટે સિક્કે’, ‘ઝલક દિખલા જા’ જેવા શોના નામ લઈ શકાય.
ફિલમીસ્તાન સ્ટુડિયો વેચીને ત્યાં રિડેવલપમેન્ટ કરવાની વાત વિશે કહીએ તો એની અફવાઓ તો કેટલાંક વર્ષોથી ફેલાતી રહી હતી. 2011માં પણ અફવાઓ હતી. ત્યારે જાલને દાવો કર્યો હતો કે સ્ટુડિયો વેચાવાનો નથી. પરંતુ ડિજિટલ યુગમાં જૂની પદ્ધતિઓ અને સાધનોવાળા સ્ટુડિયોની જાળવણી આસાન રહી નથી. ફિલ્મિસ્તાનનું રિડેવલપમેન્ટ દુર્ભાગ્યપૂર્ણ હોવા છતાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ અને મુંબઈએ તે સ્વીકારવું રહ્યું. વળી, આ પહેલીવાર નથી કે કોઈ જૂના સ્ટુડિયોનું રિડેવલપમેન્ટ થવાનું હોય. આ પહેલાં રાજ કપૂર સ્થાપિત કપૂર પરિવારના આર. કે. સ્ટુડિયો અને કમાલ અમરોહીના કમલિસ્તાન સ્ટુડિયો રિડેવલપમેન્ટ થયા છે.
ત્રીજી જુલાઈએ રોજ સમાચાર આવ્યા છે કે ફિલ્મિસ્તાનને આર્કેડ ડેવલપર્સે ₹ 183 કરોડમાં ખરીદી લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જોતજોતામાં આ જમીન પર પોશ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ લોન્ચ થશે. એમાં પચાસ માળના બે લક્ઝરી ટાવર્સ બનશે. પ્રોજેક્ટથી કંપની લગભગ ₹3,000 કરોડનું ટર્નઓવર કરશે.
ફિલ્મી દુનિયામાં આ સોદાથી નિરાશાનું વાતાવરણ ફેલાયું છે. શહેરના નાગરિકો માટે ઐતિહાસિક સ્ટુડિયોનું નામશેષ થવું પીડાદાયક વાત છે. એના લીધે અનેક ફિલ્મી કામદારોની આવક પર અસર પડી શકે છે. તીથે, ઓલ ઇન્ડિયન સિને વર્કર્સ એસોસિએશન (AICWA)એ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સ્ટુડિયો બચાવી લેવાની અરજ કરી છે. એસોસિએશનની ચિંતા છે કે ફિલ્મિસ્તાનના પુનર્વિકાસથી હજારો રોજગાર પ્રભાવિત થશે અને સેંકડો પરિવારો વિખેરાઈ જશે.
ફિલ્મિસ્તાન હવે નહીં રહે એ સત્ય સ્વીકારવા જેવું છે. પરંતુ આપણે તેની યાદોને જરૂર મમળાવી શકીએ છીએ. એ સિવાય બીજું થાય પણ શું?
ફિલ્મિસ્તાન સાથે જોડાયેલી કેટલીક યાદગાર બાબતો
- અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર જેવા સિતારાઓએ આ સ્ટુડિયોને તેમના બીજા ઘરની જેમ સન્માન આપ્યું છે. ધર્મેન્દ્રએ ક્યારેક કહ્યું હતું કે સંઘર્ષના દિવસોમાં તેઓ માટુંગાથી ફિલ્મિસ્તાન સુધી પગપાળા જતા કારણ તેમની પાસે ટ્રેન ટિકેટ માટે બે રૂપિયા પણ નહોતા.
- અમિતાભ બચ્ચનની ‘ઝંજીર’ (1973), ‘દીવાર’ (1975) જેવી ફિલ્મો અહીં શૂટ થઈ હતી.
- હૃષિકેશ મુખર્જીની ‘ગુડ્ડી’ (1971)માં ધર્મેન્દ્ર ગુડ્ડી એટલે કે જયા ભાદુરી (બચ્ચન)ના પાત્રને વાતચીતમાં ફિલ્મિસ્તાન સ્ટુડિયો વિશે કહે છે, “એક સમયે અહીં સિતારાઓની ભીડ રહેતી. પરંતુ હવે આ ખંડેર જેવું લાગે છે.”
- શત્રુઘન સિંહા આ સ્ટુડિયોમાં પહેલી વાર લતા મંગેશકરને મળ્યા હતા. ‘દોસ્ત’ ફિલ્મના લોકપ્રિય ગીત ‘આ બતા દે કે તુઝે કૈસે જિયા જાતા હૈ’ના રેકોર્ડિંગનો તે દિવસ હતો.
- દિગ્દર્શક મન્સૂર ખાનના પિતા, આમિર ખાનના કાકા, લેખક, નિર્માતા, દિગ્દર્શક નાસીર હુસેનની કારકિર્દીની શરૂઆત આ સ્ટુડિયોમાં થઈ હતી.
- સૈફ અલી ખાન અને કરીના કપૂરની પહેલી મુલાકાત આ સ્ટુડિયોમાં થઈ હતી.
- ઘર, જંગલ, પોલીસ સ્ટેશન, ગામ, બગીચો… અનેક લોકેશન ફિલ્મિસ્તાનમાં હતા. કોઈ સમયે તેની અંદર પોઇન્સુર એટલે કે પોઇસર નદી પણ વહેતી! ત્યાં અનેક ગીતોનાં શૂટિંગ થયાં હતાં.
Also Read: સગવડો સર્જાય તો સ્થિતિ સુધરે: શ્રી ઢીમા મહાજન ખોડાઢોર પાંજરાપોળ


