તુળજા ભવાની માતાજીનું ખૂબ જ પ્રાચીન મંદિર તળાજા ખાતે આવેલું છે. તુળજા ભવાની માતાજી ઔદિચ્ય તળાજીયા બ્રાહ્મણ જ્ઞાતિના કુળદેવી છે. આ મંદિરમાં બિરાજમાન તુળજા ભવાની માતાજીની ઓનલાઈન આરતીનું લાઈવ પ્રસારણ કરતું ભાવનગરનું સૌથી પહેલું મંદિર છે અને આ મંદિર તળાજીયા બ્રાહ્મણ જ્ઞાતિના લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. લોકવાયકા મુજબ આ મંદિર રાજવી એભલજીવાળાના સમયથી હોવાનું માનવામાં આવે છે.
જ્ઞાતિના દિન-પ્રતિદિન વિકાસ અને વિસ્તારને કારણે આ મંદિરની જગ્યા તળાજામાં જે જગ્યાએ છે, ત્યાં જગ્યા નાની હોવાથી જ્ઞાતિજનો માટે જ્ઞાતિના અને માતાજીના ધાર્મિક તેમ જ જ્ઞાતિના કાર્યક્રમો કરવા માટે આ જગ્યા નાની પડતી હોવાથી જ્ઞાતિના અગ્રણીઓએ તેને તળાજામાં જ કોઈ મોટી જગ્યાએ સ્થળાંતરિત કરવાનું નક્કી કર્યું છે અને તે માટે જ્ઞાતિજનોના શ્રદ્ધાપૂર્વકના આર્થિક સહાય દ્વારા તળાજા ખાતે પાલીતાણા ચોકડી નજીક વિશાળ જગ્યા ખરીદવામાં આવી છે. આ નૂતન જગ્યા પર ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવશે. તાજેતરમાં આ નૂતન મંદિરની જગ્યાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
તળાજીયા ઔદિચ્ય બ્રાહ્મણ સમાજના ભાઈઓ અને બહેનોએ આ ભૂમિપૂજન કાર્યક્રમની આ ઐતિહાસિક ક્ષણનો લહાવો બહોળી સંખ્યામાં લીધો હતો. અને સવારે 9 વાગ્યાથી જ આ પવિત્ર જગ્યા પર ઉપસ્થિત થઈ ગયા હતા. જ્ઞાતિના કાર્યકરોએ આ ભવ્ય ભૂમિપૂજનને અથાગ પ્રયત્નો મારફત સફળ બનાવ્યો હતો. આ નૂતન મંદિરના ભૂમિપૂજન વખતે વિદ્વાનો અને પંડીતો દ્વારા પવિત્ર માહોલમાં શ્લોકોના ઉચ્ચારણો દ્વારા પૂજન-અર્ચન કર્યા બાદ તુળજા ભવાની માતાજીની જયજયકાર સાથે મંદિરની ભૂમિનું ખોદકામ શરૂ કરીને ભૂમિ પૂજનના દાતા કે.આર.કે. ભટ્ટ, સિકંદરાબાદ પરિવારના રાકેશભાઈના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ નૂતન મંદિરના નિર્માણ માટે તળાજીયા જ્ઞાતિની વ્યવસ્થાપક કમિટી દ્વારા “સુવર્ણ કળશ યોજના” અને “રજત કળશ યોજના”નું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ કળશ યોજનાને જ્ઞાતિજનોએ વધાવી લઈને અપ્રતિમ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું, જે માતાજીના આવા પવિત્ર કાર્યમાં જ્ઞાતિજનોનો ઉત્સાહ દર્શાવી રહ્યું છે. આ કળશ યોજનામાં સહભાગી બનેલા તમામ લોકોને માતાજીના પાટોત્સવ દરમિયાન ચાંદીથી મઢેલો સાક્ષાત દિવ્ય ફોટો ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો, જ્યારે માતાજીના પાટોત્સવમાં ગેરહાજર રહેલા જ્ઞાતિજનોને તેમના સરનામે ઘેરબેઠાં કુરિયર દ્વારા માતાજીના આ દિવ્ય ફોટો ફ્રેમને કુરિયર દ્વારા પહોંચતા કરવામાં આવ્યા હતા. કમિટીની આ નવી પહેલને જ્ઞાતિજનોએ પ્રસંશનીય ગણાવી હતી.
આ ભૂમિપૂજન માટે વ્યવસ્થાપક કમિટીના પ્રત્યેક સભ્યો એક સરખા પહેરવેશમાં ઉપસ્થિત રહીને કમિટીના સભ્યોની એકતાને પ્રદર્શિત કરીને આ નૂતન મંદિરના નિર્માણનો મજબૂત અને દૃઢ ઇરાદા સાથે પ્રારંભ કર્યો હતો. હવે ટૂંક સમયમાં જ નૂતન મંદિરના નિર્માણને પૂરજોશમાં શરૂ કરવામાં આવશે. આ નૂતન મંદિરની સાથે જ્ઞાતિના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ શકે તેવી વાડી પણ બનાવવાનો વિચાર જ્ઞાતિના અગ્રણીઓ સેવી રહ્યા છે, જેથી જ્ઞાતિને લગતા તમામ કાર્યક્રમો સરળ રીતે માતાજીના સાનિધ્યમાં થઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
Subscribe Deshwale on YouTube


