ગુજરાતી રંગભૂમિએ આજે, ૨૪ જૂન ૨૦૨૬ના એના એક લાડકવાયા અભિનેતા, દિગ્દર્શક અરવિંદ વેકરિયાને ગુમાવ્યા છે. પ્રસ્તુત છે એમની જીવન ઝરમર.
આ લેખ ઉપરાંત દેશવાલે પર એમના વિશે અન્ય એક લેખ આજે પણ પ્રસિદ્ધ થયો છે. એની લિન્કઃ https://deshwale.com/arvind-vekaria-passes-away-gujarati-theatre-actor/
- ગુજરાતથી વેરકિયા પરિવાર સૌપ્રથમ મુંબઈમાં કાલબાદેવીમાં આવેલી નવીવાડીમાં સ્થળાંતરિત થયો હતો. જોકે એકાએક આર્થિક પરિસ્થિતિએ અનપેક્ષિત પલટો ખાતાં અરવિંદભાઈના પિતા રતિલાલ સપરિવાર મદ્રાસ (ચેન્નાઈ) શિફ્ટ થયા હતા. એકાદ વરસ ત્યાં રહ્યા પછી પરિવાર ફરી મુંબઈ આવી ગયો હતો.
- અરવિંદભાઈએ પ્રાથમિક અભ્યાસ મુંબઈની બુદ્ધિવર્ધન હાઈસ્કૂલમાં પ્રાપ્ત કર્યો હતો. પછી પરિવાર ફરી વડિયા દેવળી ગયો. અરવિંદભાઈએ પાંચમા ધોરણનો અભ્યાસ ગામની મિડલ સ્કૂલમાં કર્યો. પછી પરિવાર ફરી મુંબઈ આવ્યો અને અરવિંદભાઈએ ફરી બુદ્ધિવર્ધન હાઈસ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં પ્રવેશ લીધો. અરવિંદભાઈ અને એમના મામા વચ્ચે ખૂબ સ્નેહ હોવાથી સાતમા ધોરણ માટે અરવિંદભાઈ મોસાળના શહેર ભાવનગર ગયા અને ત્યાંની નૂતન વિદ્યાલયમાં ભણ્યા.
- સંઘર્ષનાં વરસો પછી અરવિંદભાઈના પિતાની આર્થિક સ્થિતિ થાળે પડી. પરિવારે મુંબઈના ઉપનગર બોરીવલીમાં પાઘડી પર ઘર લીધું. સાથે બાળઅરવિંદનું વારંવાર ગામ અને શહેર બદલવાનું અટક્યું. ધોરણ આઠથી મેટ્રિક તેઓ બોરીવલીની ન્યૂ હાઈસ્કૂલ (આજની એમ. કે. હાઈસ્કૂલ)માં ભણ્યા. ૧૯૬૬માં ચિનાઈ કોલેજમાં એડમિશન લઈને પહેલા વરસે તેઓ નાપાસ થયા હતા. ઘરની આર્થિક સ્થિતિ સાધારણ હોવાથી અરવિંદભાઈને નાપાસ થવાનો મોટો રંજ થયો હતો.
- અરવિંદભાઈના પિતાનો કાપડનો વેપાર હતો. એ વેપાર ખાસ નહીં ચાલતાં તેઓ વિઠ્ઠલવાડી સ્થિત દ્વારકાધીશ મંદિરમાં સેવા આપવા ઉપરાંત ત્યાં રહેતા હતા. કોલેજના પહેલા વરસમાં મળેલી નિષ્ફળતા પછી અરવિંદભાઈએ ચર્ચગેટ સ્થિત દાવર્સ કોલેજમાં ડિપ્લોમા ઇન કોર્મસના અભ્યાસ સાથે ખાદી ગ્રામોદ્યોગમાં નોકરી કરવા માંડી હતી.
- અરવિંદ વેકરિયાએ કારકિર્દીનાં શરૂઆતી વરસોમાં એડવર્ટાઇઝિંગનાં લેઆઉટ્સ બનાવવાનું કામ પણ કર્યું હતું.
- અરવિંદભાઈની નાટ્યેતર નોકરીઓઃ ખાદી ગ્રામોદ્યોગ ભંડાર, ફોર્ટ અને મઝગામ, અકાઉન્ટ આસિસ્ટન્ટ, ઓફીપિન પ્રા. લિ., ૧૯૬૬-૧૯૬૯, અકાઉન્ટ આસિસ્ટન્ટ-હેડ ક્લાર્ક, ભારત ઓવરસીઝ બેન્ક, ૧૯૭૪-૧૯૭૫, અકાઉન્ટ આસિસ્ટન્ટ, દલાલ કન્સલ્ટન્ટ, વરલી, ૧૯૭૫-૧૯૮૧, એકાઉન્ટ મેનેજર, એચ.એસ. ઇક્વિપમેન્ટ પ્રા. લિ., ૧૯૮૧-૧૯૮૭
- દાવર્સમાં એક વરસ ભણ્યા બાદ તેઓએ ફરી કોમર્સની ડિગ્રી માટે ચિનાઈ કોલેજમાં ૧૯૬૯માં એડમિશન લઈને ૧૯૭૩માં સફળતાપૂર્વક ગ્રેજ્યુએશન પૂરું કર્યું. એ વરસોમાં તેમની ગાઢ મૈત્રી પ્રતાપ સચદેવ, હેમંત ઝા, રાજેન્દ્ર શુક્લ સાથે થઈ, જે સૌ આગળ જતાં અરવિંદભાઈની જેમ રંગભૂમિ અને મનોરંજન જગતના સિતારા બન્યા.
- આ વરસોમાં અરવિંદભાઈએ નોકરી બદલીને દલાલ એન્ડ કંપનીમાં કામ કર્યું. સાથે, મનમાં રંગભૂમિ પર આગળ વધવાની મહત્વાકાંક્ષા પ્રબળ થઈ હતી. ચિનાઈ કોલેજમાં ભણતાં દાદુએ એકાંકીઓમાં અભિનય કર્યો, જેમાં એક ત્રિવેણી સંગમ હતી. વેકરિયાને હુલામણું નામ એ નાટકે અપાવ્યું, જેમાં તેઓએ સિત્તેર વરસના વૃદ્ધનું પાત્ર આબાદ રીતે ભજવ્યું. તેથી, કોલેજમાં સૌ તેમને દાદા, દાદા, સંબોધવા માંડ્યા, જેનું અપભ્રંશ છેવટે દાદુ થયું.
- કોલેજમાં ભણતાં અરવિંદભાઈને પ્રતીક્ષા નામના વ્યાવસાયિક નાટકમાં કામ કરવાની તક મળી હતી. એ તક આપી સુરેન્દ્ર જોશીએ. ૧૯૭૦માં તેઓએ પ્રતાપ સચદેવ સાથે સહનિર્માણમાં દે દામોદર દાળમાં પાણી નાટકનું નિર્માણ કર્યું હતું.
- ૧૯૭૪માં તેઓ બહુરૂપી સંસ્થામાં જોડાયા. એણે એમના જીવનની કાયમી રાહ કંડારી. લાલુ શાહ અને વિજય દત્તની આ સંસ્થાના નેજા હેઠળ વાયદાના ફાયદા નાટક સર્જાયું હતું. એમાં ઝળકેલા અનેક યુવા, આશાસ્પદ કલાકારોમાં એક વેકરિયા હતા.
- કોલેજ અને બહુરૂપીના દિવસોમાં અરવિંદભાઈની જીવનભરની દોસ્તી ઘણા કલાકારો સાથે થઈ. એમાં પ્રતાપ સચદેવ, સનત વ્યાસ, હેમંત ઝા, સોહિલ વિરાણી, શરદ વ્યાસ, સુનીલ શાહ, અજિત શાહ અને હરીશ શાહ સામેલ હતા.
- દાદુનાં લગ્ન ૩૧ મે ૧૯૭૫માં ભારતીબહેન થયાં હતાં. ભારતીબહેનનું હજી ૧૮ ઓક્ટોબર ૨૦૨૫ના અવસાન થયું હતું.
- એમના દીકરા તન્મયનો જન્મ ૧૯૭૬માં થયો, બીજા દીકરા મનવીતનો જન્મ થયો ૧૯૭૮માં. તન્મય અભિનેતા તો મનવીત ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે.
- ૧૯૮૧માં લાલુભાઈના અવસાન પછી બહુરૂપી સંસ્થા બંધ થતાં દાદુએ ફ્રીલાન્સ કલાકાર તરીકે કારકિર્દી આગળ ધપાવી. એ અરસામાં તેઓએ પદ્મારાણી અને શૈલેષ દવે સાથે ઘણાં નાટકોમાં કામ કર્યું.
- દૂરદર્શનના અજરામર શો આવો મારી સાથે માટે અરવિંદભાઈએ અનેક નાટકો કર્યાં હતાં. જ્યોતિ વ્યાસ, મરિયમ જેતપુરવાલા, અદી મર્ઝબાન, દીપક બાવસ્કર, મેઘના દાસ ગુપ્તા વગેરે સાથેનાં એ નાટકો ખૂબ લોકપ્રિય રહ્યાં હતાં.
- દાદુને જે કોઈ મળે, એમના મોઢેથી સૌપ્રથમ ઉચ્ચાર નીકળતો – “જય શ્રીકૃષ્ણ.”
- મુંબઈ સમાચારની લોકપ્રિય કટાર સાત્વિકમ શિવમમાં અરવિંદભાઈએ એમનાં અનેક સંસ્મરણોને સુંદર શબ્દદેહ આપ્યો હતો. સાથે એમની કલમથી ગુજરાતી રંગભૂમિનું અમૂલ્ય દસ્તાવેજીકરણ થયું હતું.
- અરવિંદ વેકરિયાનાં પ્રમુખ નાટકોઃ માંડવાની જુઈ, અભિમાન, વિસામો, જીવનસાથી, ઔર ચાબી ખો જાયે, ગમતાને ગજવામાં નાખમાં, બેગમ શબાબ, બે દુની પાંચ, ગૃહલક્ષ્મી, સીમાચિહ્ન, મારો લાઇન તો તબિયત ફાઇન, ગુજરાતી નં. વન, ભોરિંગ ભોરિંગ રમતાં રમતાં, બૈરી મારી બાપ રે બાપ, માત્ર તારે ખાતર, એક ફૂલ ખીલ્યાની વાત, શ્યામલી, સરકારી પણરેતર, અલકમલકની અલબેલી, લગનલીલા, અબ કી બાર મોજ કરોને યાર, કોઈ ભીંતેથી આયના ઉતારો, ઇટ્સ નોટ ફની, આઈ લવ બોમ્બે, હું છોકરી છાકમછોળ, જીવન ચોપાટ, તિરાડ, છાનું છમકલું, વાત મધરાત પછીની, મોત મલકે મધરાતે, શિકાર, ભલે પધાર્યા, ચિનગારી, મળે સૂર જો તારો મારો, અંજુ મંજુ મુંબઈમાં, રમત, કલંક, ઘેરઘેર મમ્મીનું રાજ, શક, અમે તો હરખપદુડા, સુખને એક ચાન્સ આપો, વાલમ તારાં વધામણાં, સંબંધોની પેલે પાર, એક પટરાણી એક ખટપટરાણી, રાજુભાઈ રામભરોસે, અમે તો આમ જ જીવીશું, પુષ્ટિમંથન, સખણા રે’જો રાજ, બાપ ગિલિંડર બેટા કલંદર, સગપણનાં ફૂલ, મનગમતું મોડેલ, અજબ કરામત, કુળ દીપાવે દીકરી, ઘરઘરની વાત, ઓળખાણ, અભિષેક, રૂપિયો નાચ નચાવે, અધિકાર, કોઠાની કબૂતરી, કિસ્સા કુર્સી કા, કરસન કર કંકુના, ધબકારાની ધિંગામસ્તી, અકસ્માત, કાચના સંબંધ, દમાદમ મસ્ત કલંદર, સત્યનો ચહેરો, સેતુ, હરણફાળ, લાજવંતી, છેલ્લી તરસ ગંગાજળ માગે, પપ્પાની સેક્રેટરી, હું છોકરી છોકમછોળ, દેરાણી જેઠાણી, સાળી સદ્ધર તો પત્ની અદ્ધર, મુકિતધામ, હવે તો માની જાવ, ફેમિલીની દાંડીકૂચ, તમારાં ભાઈ ફુલ્ટુફટાક, સગપણના સોદાગર વગેરે.
- અરવિંદ વેકરિયા દિગ્દર્શિત પ્રમુખ નાટકોઃ હું છોકરી છાકમછોળ, જીવન ચોપાટ, તિરાડ, છાનું છમકલું, વાત મધરાત પછીની, મોત મલકે મધરાતે, શિકાર, ભલે પધાર્યા, ચિંગારી, મળે સૂર જો તારો મારો, અંજુ મંજુ મુંબઈમાં, રમત, કલંક, ઘેરઘેર મમ્મીનું રાજ, શક, અમે તો હરખપદુડા, સુખને એક ચાન્સ આપો, વાલમ તારાં વધામણાં, સંબંધોની પેલે પાર, એક પટરાણી એક ખટપટરાણી, રાજુભાઈ રામભરોસે, અમે તો આમ જ જીવીશું, પુષ્ટિમંથન, વરને શોધું કે વિઝાને વગેરે.
- અરવિંદ વેકરિયાની પ્રમુખ ફિલ્મોઃ આંગણે વાગ્યા રૂડા ઢોલ, માબાપને ભૂલશો નહીં, દરિયાછોરું, દીકરી ડોલરિયા દેશની, યશોદા, વનેચંદનો વરઘોડો, પાયલ, કિસ્સા, ક્યા રહના, કિસ કિસ કો પ્યાર કરું, ફેરાફેરી, સમયચક્ર – ટાઇમ સ્લોટ, વો જો થા એક મસીહા મૌલાના આઝાદ (અનરિલીઝ્ડ), છોગાળા છગનલાલનો વરઘોડો, અખંડ સૌભાગ્યવતી વગેરે.
- અરવિંદ વેકરિયાની પ્રમુખ સિરિયલ્સઃ ધૂપછાંવ, કેવડાના ડંખ, માંડવાની જુઈ, ચક્રવ્યૂહ, અધિકાર, દેરાણી જેઠાણી, સ્વપ્નકિનારે, સપનાંનાં વાવેતર, સખણા રે’જો સાહેબા, સૂરી, ફૂલવારી, શ્રીમાન શ્રીમતી, ઓલ ધી બેસ્ટ, એક મહલ હો સપનોં કા, અમર પ્રેમ, કભી ઇધર કભી ઉધર, ફિલિપ્સ ટોપ ૧૦, ચમત્કાર, શક્તિમાન, બાબુલ કી દુઆયેં લેતી જા, હંસના મત, આર. કે., લક્ષ્મણ કી દુનિયા, યસ બોસ, પાર્ટી, દિલ તો કચ્ચા હૈ જી, અજબ સાસ કી ગજબ બહુ.
અરવિંદ વેકરિયા (દાદુ)
- જન્મ તારીખ: ૧૫ ઓગસ્ટ ૧૯૪૯
- શ્રીજીચરણ: ૨૪ જૂન ૨૦૨૬
- માતા-પિતા: કંચનબહેન અને રતિલાલ
- શિક્ષણ: કોમર્સ ગ્રેજ્યુએટ (બી.કોમ.)
- મૂળ વતન: વડિયા દેવળી, જિલ્લો અમરેલી
- મુંબઈમાં રહેઠાણ: કાંદિવલી
- જીવનસંગિની: ભારતીબેન
- દીકરા અને પુત્રવધૂઓ:
- તન્મય-મિત્સુ
- મનવીત-પાયલ
- પૌત્ર-પૌત્રીઓઃ વૃષ્ટિ તન્મય વેકરિયા, ઝીશાન તન્મય વેકરિયા, મિશાલી મનવીત વેકરિયા, ઋષભ મનવીત વેકરિયા
પ્રમુખ એવોર્ડ્સ
- શ્રેષ્ઠ અભિનેતા સુવર્ણચંદ્રક ૧૯૭૨-૭૩
- એકાંકી નાટકોમાં અઢળક મેરિટ સર્ટિફિકેટ્સ
- શ્રેષ્ઠ અભિનેતા મુંબઈ યુનિવર્સિટી ૧૯૭૩-૭૪
- ઇન્ટર-કોલેજિયેટ ડ્રામા શ્રેષ્ઠ અભિનેતા ૧૯૭૪
- સખણા રે’જો સાહેબા માટે ટ્રાન્સમિડિયા શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ
- આંગણે વાગ્યા રૂડા ઢોલ માટે ગુજરાત સરકારનો શ્રેષ્ઠ સહાયક અભિનેતા એવોર્ડ ૧૯૮૬-૮૭
- વનેચંદનો વરઘોડો માટે ગુજરાત સરકારનો શ્રેષ્ઠ સહાયક અભિનેતા એવોર્ડ ૨૦૦૮-૨૦૦૯
- ટ્રાન્સમિડિયા લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ ૨૦૧૭
Subscribe Deshwale on YouTube



3 Comments
It’s with much grief to learn that Shri. Arvind Vekaria alias DADU left for heavenly abode in silent manner. My heartfelt condolences on sad demise of Dadu and pray almighty to grant him eternal peace and showers its blessings on his family members to bear the loss of departed soul. OM SHANTI
OM SHANTI
Very BIG LOST TO THE RANG BHUMI
SALUTE HIS STRUGGLE AND DEDICATION TOWARDS ACTING .PROUD HAVE GREAT ARTIST
REST IN PEACE