તાજી અને અપડેટેડ માહિતી અનુસાર, અરવિંદ વેકરિયાના અંતિમસંસ્કાર આજે, ૨૪ જૂન ૨૦૨૬ના રોજ રાત્રે ૧૦:૩૦ વાગ્યે દહાણુકર વાડી હિંદુ સ્મશાનગૃહ, એમ. જી. રોડ, કાંદિવલી (વેસ્ટ) ખાતે થશે.
ગુજરાતી મનોરંજન જગતના વરિષ્ઠ અભિનેતા અને દિગ્દર્શક અરવિંદ વેકરિયાનું આજે , બુધવાર 24 જૂન 2026ના, સવારે સાડાદસ વાગ્યે અવસાન થયું છે. તેઓ 77 વર્ષના હતા. તેમનો જન્મ 15 ઓગસ્ટ 1949ના થયો હતો. દાદુના હુલામણા નામે સર્વપ્રિય અરવિંદભાઈ ત્રણેક દિવસથી કાંદિવલી પશ્ચિમની પાર્થ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ઉંમરને લીધે થતી તકલીફોની તેઓ સારવાર લઈ રહ્યા હતા. દરમિયાન, આજે સવારે એકાએક હાર્ટ એટેક આવતાં તેઓએ ફાની દુનિયાથી વિદાય લીધી હતી. તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા ફૅમ બાઘા એટલે તન્મય વેકરિયા અરવિંદભાઈના એક દીકરા છે. બીજો દીકરો મનવીત દુબઈ રહે છે.
પિતાના અવસાન વિશે વાત કરતાં તન્મયે જણાવ્યું હતું, “છેલ્લા થોડા સમયથી પપ્પા સાજામાંદા રહેતા હતા પણ આ રીતે એકાએક તેઓ છોડીને જતા રહેશે એવી કલ્પના નહોતી. આજે સવારે હું સવારે શૂટિંગમાં ગયો એ પછી, અચાનક હોસ્ટિપલથી મારી પત્ની મિત્સુનો ફોન આવ્યો અને જાણ થઈ કે પપ્પા નથી રહ્યા.” દાદુનાં લગ્ન 31 મે 1975માં થયાં હતાં. તેમનાં જીવનસંગિની ભારતીબહેનનું હજી ગયા ઓક્ટોબરમાં અવસાન થયું હતું.
1973-74માં લાલુ શાહ અને વિજય દત્તે બહુરૂપીના નેજા હેઠળ વાયદાના ફાયદા નાટકનું સર્જન કર્યું હતું. એ નાટકમાં અનેક યુવા, આશાસ્પદ કલાકારો ઝળક્યા હતા. એમાં એક અરવિંદ વેકરિયા હતા. એ નાટકથી રંગભૂમિ પર પદાર્પણ કર્યા પછી દાદુએ કારકિર્દીમાં પાછા વળીને જોયું નહોતું.
તાજી અને અપડેટેડ માહિતી અનુસાર, અરવિંદ વેકરિયાના અંતિમસંસ્કાર આજે, ૨૪ જૂન ૨૦૨૬ના રોજ રાત્રે ૧૦:૩૦ વાગ્યે દહાણુકર વાડી હિંદુ સ્મશાનગૃહ, એમ. જી. રોડ, કાંદિવલી (વેસ્ટ) ખાતે થશે.
મૂળરાજ રાજડા લિખિત પ્રતીક્ષા અને દે દામોદર દાળમાં પાણી જેવાં ત્રિઅંકી નાટકોમાં અરવિંદભાઈ ઝળક્યા હતા. અરવિંદભાઈએ અનેક નાટકોમાં અભિનય અને દિગ્દર્શન કરીને લોકચાહના મેળવી હતી. તેમનું છેલ્લું રજૂ થનારું નાટક વેવાઈ વર્સીસ વેવાઈ હતું. માત્ર ગુજરાતી નહીં, અરવિંદભાઈએ હિંદી અને અંગ્રેજી નાટકોમાં પણ અભિનય કર્યો હતો. ફિલ્મોમાં અને સિરિયલોમાં વૈવિધ્યસભર ભૂમિકાઓ ભજવીને પ્રેક્ષકોનાં દિલ જીત્યાં હતાં. એમની શ્રીમાન શ્રીમતી સિરિયલને લોકો આજે પણ યાદ કરે છે. તારક મહેતા કા ઊલ્ટા ચશ્મામાં અરવિંદભાઈએ ઝવેરીની ભૂમિકા ભજવી હતી જે ખાસ્સી લોકપ્રિય હતી.
અરવિંદભાઈ મૂળ અમરેલી જિલ્લા નજીકના વડિયા દેવડી ગામના હતા. 1966માં સત્તર વરસની ઉંમરે, 26 જાન્યુઆરીએ તેઓએ બે એકાંકી, ઉમંગલાલ વાયડા અને માનવતા મહેકી ઊઠીમાં અભિનય કરવા ઉપરાંત બેઉનું દિગ્દર્શન કર્યું હતું. તે માટે તેઓ વિવિધ પુરસ્કાર જીત્યા હતા. અજિત પટેલ લિખિત એકાંકી ત્રિવેણી સંગમમાં પણ, શ્રીધરનું પાત્ર ભજવતાં, અરવિંદભાઈ શ્રેષ્ઠ અભિનેતાનું પારિતોષિક જીત્યા હતા. વતેસરની વાત અને ત્રિમૂર્તિ એકાંકીઓમાં પણ તેઓએ ઉત્તમ અભિનય કરીને સૌને પ્રભાવિત કર્યા હતા. અરવિંદભાઈએ ત્રીસેક એકાંકીઓમાં યોગદાન આપ્યું હતું.
દાદુ મુંબઈ સમાચારમાં સાત્વિકમ શિવમ નામે લોકપ્રિય કટાર પણ લખતા હતા. ગયા શુક્રવારે પણ તેમની કટાર પ્રસિદ્ધ થઈ હતી જેમાં તેઓએ વીતેલા સમયના ઉત્કૃષ્ટ અભિનેતા દિનુ ત્રિવેદી વિશે રસાળ લેખ લખ્યો હતો.
અરવિંદ વેકરિયાનાં નોંધપાત્ર નાટકોઃ સખણા રે’જો રાજ, વાત મધરાત પછીની, બાપ ગિલિંડર બેટા કલંદર, સગપણનાં ફૂલ, મનગમતું મોડેલ, ભલે પધાર્યા, છાનું છમકલું, અજબ કરામત, કુળ દીપાવે દીકરી, ઘરઘરની વાત, ઓળખાણ, જીવનસાથી, અભિષેક, બે દુની પાંચ, સંબંધોની પેલે પાર, સુખને એક ચાન્સ આપો, રૂપિયો નાચ નચાવે.
અરવિંદ વેકરિયાની ફિલ્મોઃ આંગણે વાગ્યા રૂડા ઢોલ, વનેચંદનો વરઘોડો, દરિયાછોરુ, સમયચક્ર – ટાઇમ સ્લોટ, યશોદા, વો જો થા એક મસીહા મૌલાના આઝાદ (અનરિલીઝ્ડ), દીકરી ડોલરિયા દેશની, વનેચંદનો વરઘોડો, છોગાળા છગનલાલનો વરઘોડો, અખંડ સૌભાગ્યવતી, માબાપને ભૂલશો નહીં.
અરવિંદ વેકરિયા વિશે લિગતવાર લેખ થોડીવારમાં દેશવાલે પર પ્રસિદ્ધ થશે.
Subscribe Deshwale on YouTube


