આજે વાત કરીશું દુનિયાના નવા પાંચ પાંડવો વિશે. આ બ્રાન્ડ ન્યુ પાંડવો સમગ્ર દુનિયા પર રાજ કરી રહ્યા છે. પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે. પરંતુ, આ પાંડવો મહાભારતના પાંડવો જેવા સારા છે કે નહીં, એ તો સમય જ જણાવશે.
એમાં કોઈ શંકા નથી કે આ પાંડવો દુનિયા પર અકલ્પનીય પ્રભાવ ધરાવે છે. દુનિયા પરની આ પાંડવોની પકડ એટલી મજબૂત અને ચિંતાજનક છે કે આપણે એક અથવા બીજી રીતે એમના ગુલામ બની ગયા છીએ. આ પાંડવો છે – પાંચ અમેરિકન કંપનીઓ: ગૂગલ, એમેઝોન, માઇક્રોસોફ્ટ, બ્લેકરોક અને ટેસ્લા. તેમની સાથે જ એપલ, ફેસબુક પણ છે, જે અભિમન્યુ જેવી ભૂમિકા ભજવી રહી છે.
આજે આપણે, દુનિયાની મોટાભાગની વસ્તી, જે વિચારે તે પણ કોઈ ને કોઈ રીતે આ કંપનીઓ નિયંત્રિત કરી રહી છે. આ કંપનીઓ અનેક સરકારો કરતાં વધુ શક્તિશાળી બની ગઈ છે. જો કોઈ દેશ તેમની વિરુદ્ધ જાય તો તે દેશને ઝુકાવી નાખે પડે અથવા એમની અર્થવ્યવસ્થા ડગમગાવી નાખે એવી અદમ્ય તાકાત આ કંપનીઓ ધરાવે છે.
તવારીખ જણાવે છે કે પહેલાં રાજાઓ હતા, પછી કોલોનિયલ સત્તાધીશો આવ્યા. પછી સુપરપાવર રાષ્ટ્રોનો દોર આવ્યો. હવે ગંજાવર કંપનીઓનો દોર છે. એવો દોર જ્યાં સત્તાની લગામ માત્ર સરકારોના હાથમાં નથી, પરંતુ આ કંપનીઓના હાથમાં પણ છે. ખાસ કરીને આ પાંચ પાંડવોના હાથમાં.
જાણીએ આ કંપનીઓ વિશે.
ગૂગલઃ ગૂગલ દુનિયાની સૌથી મોટી સર્ચ એન્જિન કંપની છે. પરંતુ માત્ર સર્ચ એન્જિન કંપની નથી. ગૂગલ પાસે યુટ્યુબ,ગૂગલ મેપ્સ, એન્ડ્રોઇડ, જીમેઇલ જેવી અનેક સેવાઓ છે. આ સેવાઓ લોકોની ડિજિટલ જીવનશૈલીને નિયંત્રિત કરે છે. દુનિયાની 90% ઇન્ટરનેટ સર્ચ ગૂગલમાં થાય છે.
ગૂગલની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે એઆઈ સિસ્ટમ એટલી અદ્યતન છે કે તે આપણા વિચારોને પ્રભાવિત કરી શકે છે. જો ગૂગલ કોઈ સમાચાર ઝળકાવે તો એ સમાચાર આપણને સાચા લાગે છે. જો કોઈ સમાચારને દબાવી દે તો લાગે કે એમાં નક્કી દાળમાં કંઈક કાળું છે.
એમેઝોનઃ એમેઝોન દુનિયાની સૌથી મોટી ઓનલાઇન માર્કેટપ્લેસ છે. તેની પાસે એટલો અધધધ ડેટા છે કે તે કોઈ પણ દેશની આર્થિક ગતિવિધિઓનો એને પૂરેપૂરો અંદાજ મળી શકે. એમેઝોનની વોઇસ આસિસ્ટન્ટ એલેક્સા અને રિંગ જેવી સેવાઓ પણ લોકોની ગોપનીયતા માટે ખતરો પેદા કરે છે.
માઇક્રોસોફ્ટઃ માઇક્રોસોફ્ટ એટલે માત્ર વિન્ડોઝ નહીં. એ દુનિયાની ટેકનોલોજીને પણ નિયંત્રિત કરે છે. માઇક્રોસોફ્ટ પાસે સરકારોના સંવેદનશીલ ડેટાથી લઈને સામાન્ય લોકોના ઓફિસ ફાઇલ્સ સુધીની ઍક્સેસ છે.
બ્લેકરોકઃ દુનિયાની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેકરોક છે. તે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ એટલે એસએન્ડપી 500ની 90% કંપનીઓમાં રોકાણ ધરાવે છે. એના લીધે આ કંપનીઓની નીતિ અને વ્યવસાયિક નિર્ણયો પર બ્લેકરોકનો ઊંડો પ્રભાવ પડે છે.
ટેસ્લાઃ ટેસ્લા માત્ર ઇલેક્ટ્રિક કાર બનાવનારી કંપની નથી. એ એઆઈ અને સ્પેસ ટેક્નોલોજીમાં પણ અવ્વલ છે. એલન મસ્કની આ કંપની સ્પેસએક્સ, ન્યુરાલિંક અને સ્ટારલિંક પ્રોજેક્ટ્સ થકી દુનિયાની ટેકનોલોજીને નિયંત્રિત કરી રહી છે.
આપણે શું ગુલામ છીએ? – આ કંપનીઓ આપણા મોબાઇલ, કોમ્પ્યુટર, ઘર, ગાડી, બેન્ક ખાતાં, શોપિંગ અને આપણા વિચારો સુધીને નિયંત્રિત કરી રહી છે. દુનિયાની આવકનો મોટો ભાગ આ કંપનીઓને જાય છે. અમેરિકાની આવકનો 35% ભાગ માત્ર આ પાંચ કંપનીઓને જાય છે.
ભારત ક્યાં છે? – ભારતે ગૂગલની પકડથી બચવા માટે ભારતઓએસ, ઓએનડીસી, સ્વદેશી એઆઈ મોડલ બનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. સવાલ એ છે કે ભારત ગૂગલ જેવી કંપનીઓના પ્રભાવથી મુક્ત થઈ શકે? જવાબ છે – ખૂબ જ મુશ્કેલ.
નિષ્કર્ષ – આ કંપનીઓ આપણા જીવનને નિયંત્રિત કરી રહી છે. આપણે તેમના ડેટાના ગુલામ બની ગયા છીએ. શું આપણે ખરેખર સ્વતંત્ર છીએ, અથવા એક નવા પ્રકારની ગુલામીમાં જીવી રહ્યા છીએ?
જવાબ તમે જાણો જ છો.