દરેક ભારતીયની જીવનમાં એકવાર તો ગંગાસ્નાન કરવાની ઇચ્છા અવશ્ય હોય છે. આપણે ત્યાંથી કોઈ ઉત્તર ભારત ફરવા જાય કે તીર્થયાત્રાએ જાય ત્યારે ગંગાજળ અચૂક લેતા આવે છે. વિવિધ ધાર્મિક પ્રસંગો, બીમારી કે મૃત્યુ વખતે મોંમાં ગંગાજળ મૂકવામાં આવે છે. ગંગાસ્નાન કરવાથી સર્વ પાપ ધોવાઈ જાય છે એવી પણ લોકોમાં દૃઢ માન્યતા છે. પવિત્રતાની વાત ચાલતી હોય ત્યારે ગંગા નદીનું ઉદાહરણ અચૂક અપાય. કોઈ પણ પુરાણ હોય કે ભાગવત, મહાભારત હોય તે રામાયણ દરેક ગ્રંથમાં ગંગાના ગુણગાન ગાવામાં આવ્યા છે, પરંતુ આજના વૈજ્ઞાનિક યુગમાં યુવાન વર્ગ કાનપુર, વારાણસી જેવાં શહેરોને કાંઠે વહેતી નદી જોયા બાદ ગંગા વિશે પોતાનો અભિપ્રાય બદલે તો આપણને નવાઈ ન લાગવી જોઈએ. આ સ્થળે જે પાણી વહે છે એ એટલું બધું પ્રદૂષિત છે કે પીવું તો બાજુ પર રહ્યું સ્નાન કરવા યોગ્ય પણ નથી. કારખાનાંમાંથી છોડાતાં કેમિકલયુક્ત પાણી ગંગામાં ભળતાં તે જળને અશુદ્ધ બનાવે છે. સરકાર અને નાગરિકોની બેદરકારીને કારણે આપણું આ ચમત્કારિક પાણી ગટરનાં પાણી જેવું વિષયુક્ત બની ગયું છે.
પરંતુ ગંગોત્રીથી છેક દેવપ્રયાગ સુધીનું ગંગાજળ અત્યંત શુદ્ધ હોય છે. આ જળને આજે પણ તમે પ્રયોગશાળામાં મોકલાવો તો તમને એ જાણીને આનંદ થાય કે આ પાણી અમસ્તા જ પવિત્ર નથી કહેવાતું, ખરેખર એનામાં એવાં દ્રવ્યો છે જે શરીરના કીટાણુઓનો સફાયો કરી તમારા તનમનને સ્વસ્થ બનાવે છે.
વર્ષો પહેલાં જ્યારે વિમાનની શોધ નહોતી થઈ ત્યારે ભારતથી લંડન જવા જહાજનો ઉપયોગ થતો હતો તે વખતના અંગ્રેજી ડૉક્ટર નેલ્સને નોંધ્યું હતું કે જે જહાજ ભારતથી લંડન જતું હતું એમાં પીવા માટે ગંગાજળ ભરવામાં આવતું તે લંડન પહોંચતાં સુધીમાં જરાય બગડતું ન હતું, પરંતુ લંડનથી ભારત આવતા જહાજમાં લંડનનું પાણી ભરવામાં આવતું તે અધવચ્ચે જ ખરાબ થઈ જતું અને પીવાલાયક રહેતું નહીં. આથી વચ્ચેના બંદરેથી ફરીથી ભરવું પડતું હતું. આથી પણ એક બાબત સાબિત થાય છે કે ગંગાજળ શુદ્ધ છે અને અશુદ્ધિ તેમાં પ્રવેશે તો પણ તેનો નાશ થઈ જાય છે. આ પછી ફ્રાન્સના સુપ્રસિદ્ધ ડૉક્ટર ડી. હેરલે તે સમયે ગંગાજળનું પરીક્ષણ કરી જણાવ્યું પણ હતું કે ગંગાજળમાં અનેક રોગથી પીડાઈને મૃત્યુ પામેલાં શબો તરતાં હતાં ત્યાંથી મેળવેલા જળનું પૃથક્કરણ કરતાં એમને એક પણ જાતના કીટાણુઓ મળ્યા નહોતા. એટલું જ નહીં કેટલાક રોગના કીટાણુઓ એમણે રોગીઓના શરીરમાંથી મેળવ્યા હતા અને ગંગાજળમાં મેળવીને જોયા, તો તેમના આશ્ચર્ય વચ્ચે એક પણ કીટાણું જીવતો રહ્યો ન હતો. બીજા એક મેકગીલ યુનિવર્સિટીના ડૉક્ટર હેરિસ્ટને પણ પ્રયોગો બાદ જાહેર કર્યું હતું કે કૉલેરા, કમળો, મરડો, અતિસારના જંતુઓ ગંગાજળમાં મરી જાય છે.
ધાર્મિક માન્યતાના કારણે ગંગાજીમાં સેંકડો શબો પધરાવવામાં આવતાં હતાં છતાં નજીકમાં જ લોકો સ્નાન કરતા હોય અને પાણી પણ પીતા હોય ત્યારે વિદેશના આ વૈજ્ઞાનિકોને અચરજ થતું એટલે જ તેમણે ઉપરોક્ત પરીક્ષણો કર્યા અને જાહેર કર્યું કે ગંગા નદીનું પાણી સામાન્ય પાણી જેવું નથી, પરંતુ તેનામાં કશુંક એવું છે જે એને વર્ષોના વર્ષ સુધી શુદ્ધ જ રાખે છે. પોતે શુદ્ધ હોય, પણ એના સંસર્ગમાં આવતા અન્ય પણ શુદ્ધ ન થાય તો કશો ફાયદો થતો નથી. તેના શુદ્ધપણાનો કોઈ મતલબ રહેતો નથી, પરંતુ પોતાની શુદ્ધતાથી જે અન્યને પણ શુદ્ધ કરે તેને જ પવિત્ર કહેવાય. આપણે ગંગાજળને પવિત્ર કહીએ છીએ તેનું આ જ કારણ છે. તેનું પાણી તેના સંસર્ગમાં આવતાં સર્વ પશુ-પંખી કે મનુષ્યના રોગનો નાશ કરી તેને શુદ્ધ કરવાના ઉચ્ચ ગુણ ધરાવે છે. ભગવાન શ્રીકૃષ્ણે પણ કહ્યું છે કે ‘નદીઓમાં ગંગા હું છું’ શું છે એવું ગંગાજળમાં કે તેના ગુણગાન આપણા ધર્મગ્રંથોથી માંડી પશ્ચિમના વૈજ્ઞાનિકો પણ ગાય છે. વૈજ્ઞાનિક રીતે આ પાણી કેવી રીતે કામ કરે છે? ચાલો, આપણે વિસ્તારપૂર્વક જોઈએ.
ગંગા અને વિજ્ઞાનઃ
ગંગાજળમાં એવું ક્યું ઘટક છે જે એમાં પ્રવેશતા કીટાણુનો ખાતમો બોલાવે છે. આ શોધવા જતાં અત્યાર સુધીમાં એટલું સમજાયું છે કે આ કામ બે રીતે થાય છે (૧) ફેજથેરાપીથી બેક્ટેરિયાનો નાશ અને (૨) રેડોનના કિરણોત્સર્ગથી બેક્ટેરિયાનો નાશ. પ્રથમ રીત પ્રમાણે જોવા જઈએ તો ઈ. સ. ૧૯૧૭માં ફ્રાન્સના ડી. હેરેલે પૅરિસમાં મરડાના રોગથી મૃત્યુ સમીપે પહોંચેલાં બાળકો ૫૨ ગંગાજળથી પ્રયોગ કર્યા હતા અને એમના આશ્ચર્ય વચ્ચે બાળકો સાજાં થઈ ગયાં હતાં. વધુ પરિક્ષણ કરતાં તેમને ગંગાજળમાં વાયરસ મળી આવ્યા હતા, જે કિટાણુનો ઉપયોગ પોતાના આહાર તરીકે કરતા હતાં આટલું જ નહીં પણ મરી ગયેલા કીટાણુની શરીર સંપત્તિનો ઉપયોગ કરી પોતાના જેવા જ અસંખ્ય વાયરસ પેદા કરી શકતા હતા. આવા વાયરસને ‘બેક્ટેરિયા ફેજ’ નામ અપાયું. આ બેક્ટેરિયા પોતાની જેવા અન્ય અનેક બેક્ટેરિયા પેદા કરી દુશ્મનોને મારવા અને દશ્મનોના શરીરમાં રહેલાં દ્રવ્યો વાપરી પોતાની જાતને વધારતા જવું અને નવા નવા આવતા રહેતા દુશ્મનોનો ખાતમો બોલાવવો એ જ ‘બેક્ટેરિયા ફેજ’નું કામ! આ રીતે માનવશરીરની અંદર વાયરસ અને દુશ્મન કીટાણુઓ વચ્ચે યુદ્ધ ચાલે અને કીટાણુઓનો ખાતમો થાય અને માણસ સાજોનરવો થઈ જાય.
આ થીયરી જે ‘ફેજ થેરાપી’ તરીકે ૧૯૨૦-’૨૮ના ગાળામાં સમગ્ર દુનિયામાં ફેલાઈ ગઈ હતી, પરંતુ ૧૯૨૮માં ફ્રલેમિંગે ‘પૅનિસિલિન’ની શોધ કરી અને એન્ટિ બાયોટિક દવાની શરૂઆત થઈ. શરૂઆતમાં આ દવા ઘણી જ અસરકારક રહી, પરંતુ કીટાણુઓની નવી પેઢી આ એન્ટિ બાયોટિક્સને પણ ન ગાંઠે તેવી સક્ષમ બનતી ગઈ આશા પરિણામે વધુ ને વધુ શક્તિશાળી એન્ટિ બાયોટિક્સ દવા મનુષ્યના શરીરમાં ઠલવાતી ગઈ. આવી દવાની શરીર પર ખરાબ અસર વધવા લાગી.
આથી સમગ્ર વિશ્વમાં અત્યારે સંશોધન થઈ રહ્યાં છે કે ગંગાજળમાં મળી આવે છે તેવા ‘બેક્ટેરિયા ફેજ’ને વિકસાવી તેમાંથી વિવિધ રોગની દવા બનાવી શકાય કે કેમ?
બીજી રીત પ્રમાણે ગંગા નદીમાં અલ્પ આયુષ્ય ધરાવતા કિરણોત્સર્ગી તત્ત્વ રેડિયમમાંથી બનેલું રેડોન તત્ત્વ રહેલું છે. આ તત્ત્વમાંથી છૂટતાં કિરણો નાનામોટા જીવાણુઓનો નાશ કરી શકે છે. જેથી નદીનું પાણી પોતે તો શુદ્ધ રહે છે, તેના સંસર્ગમાં આવનાર મનુષ્યના શરીરમાંથી પણ કીટાણુઓને મારી હટાવે છે.
ગંગામાં કીટાણુને મારી હટાવવાની શક્તિ તો છે, તદુપરાંત ગંગાનું પાણી હિમાલયની અદ્ભુત ખનીજ (મિનરલ) શક્તિ ધરાવતી જમીન પરથી ઘસડાઈ આવતું હોય છે, ત્યારે ઘણાંય ઉપયોગી ખનીજો જેવા કે કૉબાલ્ટ, જસત, તાંબું, મૅંગેનિઝ વગેરે પાણીમાં ભળી જઈ મનુષ્ય માટે વરદાનરૂપ બની જાય છે. તાજેતરના સર્વેક્ષણ અનુસાર સાદા પાણી કરતાં ખનીજયુક્ત પાણી પીવું ઉત્તમ છે.
આમ, ગંગાજળ એ ઔષધિયુક્ત પાણી છે અને આવું પાણી દુનિયાની બીજી કોઈ નદીમાં નથી તેથી જ આપણા ધર્મમાં ગંગાસ્નાનનો અનેરો મહિમા છે. આપણા સદ્ભાગ્યની વાત છે કે ગંગોત્રીથી દેવપ્રયાગ સુધીનું પાણી હજુ પણ આવું ચમત્કારયુક્ત છે. જો શહેરોની નજીક આવેલી ગંગાને પણ તેમાં ભળેલા વિષયુક્ત કેમિકલ્સથી મુક્ત કરી શકાય તો દેશના વધુને વધુ લોકો આ ઔષધિયુક્ત પાણીનો ફાયદો ઉઠાવી શકે.
જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર મુકેશ પંડ્યાના પુસ્તક ‘ધર્મ ભી કભી વિજ્ઞાન થા, હૈ ઓર રહેગા’માંથી સાભાર. દરેક ગુજરાતીએ વસાવવા જેવું આ પુસ્તક છે. ધર્મ અને વિજ્ઞાનના પ્રગાઢ સંબંધોને સચોટ રીતે ઉજાગર કરતી બાબતોનો એ રસથાળ છે.


