શનિવાર, જાન્યુઆરી 18

”ખરેખર હોં! સાચી જિંદગી એટલે તો એ જે સ્કૂલનાં વરસોમાં માણીએ. એ પછી તો એક વાર કોલેજ પતી કે હાયવોય શરૂ.” આઘેડ વયની એક મિત્રમંડળી ક્યાંક બેઠાં બેઠાં ચર્ચાએ ચડી હતી. જીવનની થપાટ અને જીવવાની કુમાશ બેઉ જોઈ લીધાના ભાવ આ મિત્રોના ચહેરે સ્પષ્ટ દેખાતા હતા અને દોડધામમાંથી મળેલી ફુરસદની આ પળોમાં તેઓ સૌ એવી વાતો કરવામાં વ્યસ્ત હતા જેનાથી મજા આવે, સંતોષ મળે. લગભગ દરેક જણની આ સર્વસામાન્ય લાગણી છે. બાળપણ અને કિશોરાવસ્થા પછી જિંદગી ક્યારેક અસાધારણ રીતે માણવાલાયક રહેતી નથી. આ વાત સાચી હોય તો વિચારીએ કે શાને આવું થતું હશે. એના એ આપણે જો જાણીએ છીએ કે આપણે નાની ઉંમરમાં જે સંતોષ માણ્યો એ પછી સમજદાર થઈને કેમ માણી શકાતો નથી. એનો અર્થ એવો થાય છે કે આપણામાં ઉમેરાતા જ્ઞાન અને અનુભવ થકી આપણે જીવનને વધુ માણનારામાંથી વેંઢારનારા થઈ જઈએ છીએ? ચાલો, બદલાઈ જવાનો સહજ પ્રયત્ન કરીએ અર્થાત્ જેટલા સહજ ખરેખર હોઈએ એટલા જ સહજ રહીને દરેક સ્થિતિ માણીએ. શા માટે આપણે એવા થઈએ કે જેનાથી પોતે જ પોતાના જ જીવ્યા વિશે ફરિયાદ કરવી પડે? થોડા આનંદમય બનવા માટે સ્વભાવ, પ્રકૃતિ, આદત અને વિચાર બદલાવવાં પડે તે બદલાવીએ. આ ક્ષણે જ બદલાવીએ. શાળામાં ભણતાં બાળકો એટલે સુખી છે, કેમ કે ભણતરની જવાબદારીના ભારને ઊંચકીને પણ તેઓ પ્રત્યેક પળને આગવી રીતે માણી શકે છે. આજના દિવસથી આપણે પણ કંઈક એવા જ બની જઈએ, કારણ કે જિંદગી માણવાનો અધિકાર સૌને છે જ.

Leave A Reply

ગુજરાતી
Exit mobile version