શનિવાર, જાન્યુઆરી 18

તિરુપતિમાં વૈંકુંઠ એકાદશીનાં દર્શન માટે ટોકન મેળવવાની હોંશમાં (આ લખાય છે ત્યારે) છ ભાવિકો દેવ થયા હતા. આપણે ત્યાં દેવસ્થાનોએ નાસભાગ અને ગમખ્વાર દુર્ઘટના નવી વાત નથી. સવાલ એ છે કે એ પછી પણ કેમ સરકારની કે આપણી પણ આંખો ઉઘડતી નથી?

આપણે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છીએ. આપણી ધરતીનો પનો આવડી વસ્તીને સાચવવા માટે, વિશ્વના અમુક દેશો કરતાં ખાસ્સો નાનો પડે છે. આપણાથી લગભગ પાંચગણા મોટા દેશ રશિયાની વસ્તી 14.60 કરોડ છે. કેનેડા પોણાત્રણગણો મોટો દેશ અને એની વસ્તી ચાર કરોડથી ઓછી છે. એવું જ અમેરિકાનું છે, ઓસ્ટ્રેલિયાનું છે. વસ્તીમાં આપણે હાલમાં જેને પછાડ્યો એવો ચીન આપણા કરતાં પોણાત્રણગણો મોટો છે. વત્તા, આમાંના કોઈપણ દેશમાં આપણી તોલે આવે એવું ધાર્મિક વૈવિધ્ય અને ધર્મ પ્રત્યેની આપણા જેવી સમર્પિતતા નથી. 

ભારતમાં પ્રવાસન ઉદ્યોગ જો ધમધમે છે તો એનું પહેલું મોટું કારણ ધર્મયાત્રાઓ છે. ધર્મ કાઢી નાખો તો કરોડો ભારતીયોના એક અથવા બીજા પ્રવાસ પર પૂર્ણવિરામ મુકાઈ જાય. આપણા આંતરદેશીય પ્રવાસમાં 60% માત્ર ધર્મકાજે થાય છે. એ બધા પછી પણ હજી સરકારને કે દેવસ્થાનોના સંચાલકોને કેમ નહીં સમજાયું હોય કે કોઈક હિલ સ્ટેશને જડબેસલાક સુવિધા ઊભી કરવામાં વાંધો નથી પણ એની વધુ જરૂર ધર્મસ્થાનોએ છે? 

આપણાં ધર્મસ્થાનોએ ગોઝારી દુર્ઘટનાઓનો ઇતિહાસ રક્તરંજિત છે. 2005માં મહારાષ્ટ્રના મંઢારદેવી મંદિરે અઢીસોથી વધુ ભાવિકોએ શોભાયાત્રા વખતે જીવ ગુમાવ્યો હતો. હિમાચલના નૈનાદેવી મંદિરે 2008માં દોડધામમાં 160થી વધુ લોકો દેવશરણ થયા હતા. એ વરસે મધ્ય પ્રદેશના રતનગઢ મંદિરે દોડધામમાં 110થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા… અનેક કિસ્સા છે. 

એવું નથી કે આવા કિસ્સા માત્ર આપણે ત્યાં થાય છે પણ, આપણે ત્યાં કદાચ સૌથી વધુ થતા હશે. 

1990માં મક્કામાં ટનલમાં થયેલી દોડધામમાં 1,400થી વધુ, તો 2015માં મીનામાં દોડધામમાં 2,400થી વધુ લોકો મૃત્યુમુખે પડ્યા હતા. કમ્બોડિયાના ફ્નોમ પેન્હના વોટર ફેસ્ટિવલમાં 2010માં 350થી વધુ, તો  2005માં બગદાદમાં ધાર્મિક સરઘસમાં સાડાનવસોથી વધુ લોકોના જીવ ગયા હતા.   

આપણો દેશ ધર્મદાઝનો દેશ છે. આપણે ત્યાં જેટલાં ધર્મસ્થાનો છે એટલાં અન્ય કોઈ દેશમાં ભાગ્યે જ હશે. વાત માત્ર મંદિરોની નથી. મસ્જિદોની સંખ્યાના મામલે પણ ભારત દુનિયામાં, ઇન્ડોનેશિયા પછી, બીજા ક્રમે છે. જોકે મંદિર કે મસ્જિદની સંખ્યાના આપણા આંકડાથી આગળ વિચારીએ તો આપણે ત્યાં નાનાંમોટાં, જેની સત્તાવાર નોંધ લેવાઈ નથી, એવાં ધર્મસ્થાનોની સંખ્યા ખાસ્સી હશે. 

આવા દેશમાં, જ્યાં સંતાન કે વેપારનું નામ નક્કી કરવામાં પણ પહેલવહેલા ભગવાન યાદ આવે, ત્યાં ધર્મ ખાતર ગમે તેવી મુશ્કેલી સહન કરી લેવા તૈયાર શૂરાઓની કમી થોડી હોય? આ શૂરાઓ ભાવપૂર્વક કશેક દર્શન કે બંદગી કરવા જાય ત્યારે એમને ક્યાં ખબર હોય છે કે ગેરવ્યવસ્થા અને “હોતા હૈ, ચલતા હૈ” અભિગમથી આજે પણ અનેક ધર્મસ્થાનોનું વ્યવસ્થાપન ચાલે રાખે છે. ત્યાંની ગેરવ્યવસ્થા જીવલેણ સાબિત થઈ શકે છે. 

કહેવાય તો એમ છે કે ઉપરવાળો બધે છે, બસ મનમાં ભાવ હોવો જોઈએ. છતાં, માણસ સંવેદનશીલ પ્રાણી છે. એને ચોક્કસ જગ્યાએ જઈને, ચોક્કસ રીતે ઉપરવાળાને ભજવાની તાલાવેલી હોય છે. કશું ખોટું ભલે નથી, પણ ધર્મસ્થાનોએ ભાવિકોની સુરક્ષાના મામલે રહેતી કચાશ સદંતર અસ્વીકાર્ય છે. સરકાર અને ધર્મસ્થાનોના સંચાલકો ઘણું કરી શકે છે. શ્રદ્ધાના નામે ધર્મસ્થાનોમાં વહેતા સંપત્તિના મહાસાગરનો યોગ્ય ઉપયોગ કરી શકે છે. ટેક્નોલોજીના જમાનામાં, લોકોમાં વધી રહેલી જાગૃતિ થકી, ધર્મસ્થાનોએ શિસ્ત, દર્શન-બંદગી માટે ભાવિકોની સંખ્યામર્યાદા, બધું અમલમાં મૂકી શકાય છે. ભલે એમ કરતાં ઉહાપોહ થાય, ભલે ઘણા ગિન્નાય. 

ગિરદી અને ગરબડ વચ્ચેની દોસ્તી ધર્મસ્થાનોએ હવે માન્ય ના હોવી જોઈએ. આપણે નહીં સુધરીએ તો કેમ થશે? ભીડ મર્યાદા આંબી જાય ત્યારે સરકાર કે સંચાલકો તો શું, ભગવાન પણ બાપડો થઈને, બાઘો થઈને, નિઃસહાયપણે તાલ જોતો રહે છે. ઇલાજ એટલો જ હોઈ શકે કે ધર્મસ્થાનોએ હવે જડબેસલાક નિયમો જોઈએ. જ્યાં પણ ગેરવ્યવસ્થા છે ત્યાં તરતોતરત વ્યવસ્થા જોઈએ. ઉપરવાળાને ભજવું જેમ જરૂરી છે એમ જીવવું પણ જરૂરી છે. મરવાનું સૌએ છે પણ કમોતે શાને મરવું?

આપણામાંના અનેકે કોઈક ધર્મસ્થાને છાતી પીસાઈ જતી ગિરદી અનુભવી હશે. હમણાં જીવ નીકળી જશે એવી લાગણીથી ખિન્નાનુભવ કર્યો હશે. એ પછી બચી ગયા એને ઈશ્વરનો પાડ માન્યો હશે. એ પછી પણ ભાગ્યે જ વિચાર્યું હશે કે આ મુશ્કેલી ટાળી શકાઈ હોત. 

તિરુપતિમાં મચેલી નાસભાગની ઘટના દુઃખદ છે. 

તિરુપતિ ઉપરાંત વારાણસી, અયોધ્યા, શિરડી, પુરી, વૈષ્ણોદેવી, નાથદ્વારા જેવાં અને ધર્મસ્થાનોએ કાયમી અને ચિક્કાર ગિરદી હોય છે. સમય સાથે ગિરદીના સંચાલન માટે, દુર્ઘટનાઓ ખાળવા માટે પ્રયાસ થાય છે પણ પર્યાપ્ત નથી. બાળકો, વડીલો અપંગો… એમના માટે વિશેષ કાળજી બહુ ઓછી જગ્યાએ છે. વીઆઈપી પ્રવેશ વગેરે તૂતનો પણ ફાયદો નથી. 

થઈ શકે તો એટલું કે ધર્મસ્થાને એટલા જ ભાવિકોને એક સમયે આવવા દેવાય જેટલાનું મેનેજમેન્ટ કરવાની ત્યાંના સંચાલકોની, ત્યાંની વ્યવસ્થાની, જગ્યાની તાકાત હોય. અન્યથા, તિરુપતિ જેવી દુર્ઘટનાઓ ખાળી શકાશે નહીં. 

સરકાર, ધર્મસ્થાનોના સંચાલકોએ તો હવે જાગવાનું છે જ, સાથે આપણે પણ નક્કી કરવાનું છે કે જીવના જોખમે દર્શન કરવા કરતાં મનોમન ઈશ્વર ભજી લેવો વધુ સારું.  

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and Instagram. Read more on Latest World News on Deshwale.com.

2 ટિપ્પણીઓ

  1. Very well explain Sanjay Bhai.
    Now it’s time to come for using Technology as well Individual Dicipine n Govt n Police to take proper management system.

  2. માત્ર ધર્મસ્થાનોમાં જ નહિ… છાશવારે કહેવાતા બાબાઓ અને સંતોના કાર્યક્રમોમાં વ્યવસ્થાના અભાવે કે ઘણી વખત અપેક્ષા થી વધુ ભીડ જમા થતા આવા બનાવો બનતા રહે છે. લોકોની શ્રદ્ધા કહો કે અંધશ્રદ્ધા કે પછી FOMO effect…. માત્ર બાબાઓ જ કેમ?? લોકો ફિલ્મ સ્ટારો ની પાછળ પણ હરખપદુડા થઇ જાય છે. અલ્લુ અર્જુન ની ફિલ્મ પુષ્પ ૨ ના સ્ક્રીનિંગ વખતે થયેલો ભાગદોડ ક્યાં અજાણ છે.

    ઉત્તર પ્રદેશના હાથરસમાં બાબા ભોલેના સત્સંગમાં ભાગદોડ થતાં ૧૧૬ જેમાં મહત્તમ મહિલાઓ અને બાળકો હતા તેમના મૃત્યુ થયા જ્યારે ૧૦૦થી વધુ ઘાયલ થયા હતા. ભોલે બાબાનો સત્સંગ ૨૦૨૨માં કોરોના કાળમાં યોજાયો હતો. તેમણે ૫૦ સત્સંગીની જ પરવાનગી મેળવી હતી પણ ૫૦,૦૦૦ની મેદની જામી હતી.

    04-01-2025
    મહારાષ્ટ્રના ભિવંડીના માનકોલી નાકા ખાતે બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના કાર્યક્રમમાં ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ન્યૂઝ એજન્સી ANTએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે ત્યાં લોકોની ભારે ભીડ છે. ધીરેન્દ્ર શાસ્ત્રી માનકોલી વિસ્તાર પાસે આવેલી ઇન્ડિયન ઓઇલ કંપનીમાં સત્સંગ કરવા આવ્યા હતા. તેમણે અહીં લોકોને કથા કહી હતી.

    આ પછી બાગેશ્વર ધામ મહારાજે કહ્યું કે તેઓ તમામ ભક્તોને ભભૂતિ આપશે. એક પછી એક લોકો તેમની પાસે આવ્યા. ધીરેન્દ્ર શાસ્ત્રીએ પહેલા સ્ત્રીઓ અને પછી પુરુષો આવશે તેમ કહ્યું હતું. જો કે સ્ટેજ પર જવાની ઉતાવળમાં ભીડ અચાનક બેકાબૂ થઈ ગઈ હતી. ભભૂતિ મેળવવા માટે સૌ એકસાથે આગળ વધવા લાગ્યા હતા.

    નોઈડા, તા.12 જુલાઈ-2023, બુધવાર
    બાગેશ્વર ધામના બાબા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં ભાગદોડ મચી હોવાની ઘટના સામે આવી છે. જેમાં 10થી વધુ લોકોને ગંભીર ઈજાઓ થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. તો ગરમીના કારણે ઘણા લોકો બેભાન પણ થયા છે. આ દરમિયાન એક મહિલાને કરંટ લાગ્યો હોવાની ઘટના પણ બની છે. દરમિયાન પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર ગ્રેટર નોઈડામાં 10મી જુલાઈથી શરૂ થયો છે. આજે કાર્યક્રમ શરૂ થતા બાબાની એક ઝલક મેળવવા 5 લાખથી વધુ લોકો દરબારમાં પહોંચ્યા હતા, ત્યારબાદ સતત લોકો આવતા રહ્યા હતા.

    04-01-2025
    હૈદરાબાદમાં અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ના સ્ક્રિનિંગ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. જેમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે, 3 લોકો ઘાયલ થયા હતા.પોલીસે જણાવ્યું કે અલ્લુ અર્જુન બુધવારે રાત્રે સંધ્યા થિયેટરમાં ફિલ્મના સ્ક્રીનિંગ માટે આવ્યો હતો.

Leave A Reply

ગુજરાતી
Exit mobile version