શનિવાર, જાન્યુઆરી 18

માણસના મનનું વર્તન ખરેખર વિચિત્ર હોય છે. ક્યારેક જીવનમાં અઢળક નવરાશ હોય ત્યારે મન બૂમાબૂમ કરી મૂકે અને વારંવાર પૂછયા કરે. “કોઈક તો કામ મળે… તો આ કંટાળો દૂર થાય.” વળી ક્યારેક એટલું બધું કામ માથે આવી પડે કે મન હોબાળો મચાવી નાખે, “બસ હવે, પાંચ મિનિટ તો શાંતિથી બેસવા દો.” પણ જિંદગી આવી જ છે. એને જે મળે એના કરતાં ના મળે એમાં વધુ રસ પડે. બે અંતિમો વચ્ચે લોલકની જેમ અફળાઇએ છીએ આપણે. એકત્રીસમી માર્ચે પૂરા થતા નાણાકીય વરસે રિટર્ન ફાઇલ કરવાની દોડધામ હોય ત્યારે ઘડીક શાંતિ ના હોય. રિટર્ન ફાઇલ થઈ ગયું કે પહેલી એપ્રિલે એવો ખાલીપો અને હાશકારો, બેઉ હોય કે ના પૂછો વાત. આ ધમાલ-નિરાંતના મિશ્રણનું નામ જિંદગી છે. એની વચ્ચે જે સતત રહેવું જોઈએ એ છે માનસિક સંતુલન. જેઓ એ જાળવવામાં મોળા પડે એમનો જીવન પ્રત્યેનો અભિગમ અવળે માર્ગે ચડી જવાની શક્યતા હોય છે. આરામ કરવાની મર્યાદા અને કામના દબાણને સહન કરી જવાની કળા, આ જે આત્મસાત્ કરી જાણે એ પરફેક્ટ છે. જોકે પરીક્ષા તો સૌની લેવાય જ. પરીક્ષા ક્યારેક દિવસો સુધી ચાલે તો ક્યારેક થોડીક પળ. એનાથી બચી જઈને, શાંત છતાં ઉદ્યમી રહીને આપણે જીવતા શીખવું જોઈએ. એના માટે શું કરવું? કશું નહીં, એટલું સમજી અને સ્વીકારી લો કે મન ઉધામા કર્યે જ રાખશે. એના વશમાં થવાને બદલે એને વશમાં કરો. અજંપો આવે, હાયવોય અનુભવાય, બિનજરૂરી ઉતાવળ કરવાનું મન થાય ત્યારે તો ખાસ ધૈર્ય જાળવો. ભૂતકાળમાં પણ એવું થયું હશે અને ત્યારે, ક્યારેક, ધૈર્ય, અવશ્ય ટક્યું હશે. એ દરેક પગલું ઠાવકાઈથી લો. પરિસ્થિતિથી ત્રસ્ત નહીં, એને માણતાં મસ્ત થવાનો સ્વભાવ કેળવો. શરૂઆત આ ક્ષણે કરી દો. ધીમધીમે કરતાંક પણ એવા મુકામે નક્કી પહોંચી જશો જ્યાં કામ, આરામ અને વ્યસ્તતા વચ્ચે સંતુલન જાળવવું આસાન લાગવા માંડશે. ખરેખર લાગવા માંડશે.

Leave A Reply

ગુજરાતી
Exit mobile version