શનિવાર, જાન્યુઆરી 18

તારીખિયું, પંચાંગ કે કેલેન્ડર માણસે જો બનાવ્યાં હોત નહીં તો કેવી રીતે એ દિવસને એકમેકથી અનોખાં પાડત? નોખાં પાડ્યા વિના એ કઈ રીતે એકાદ દિવસને આટઆટલી આશાઓ સાથે જોઈ શકત? નવું વરસ જસ્ટ શરૂ થયું છે. માણસને નવું વરસ શરૂ થયાની જાણ છે, પ્રકૃતિને નથી અને સૂર્યને નથી. નવા વરસની ખુશાલીમાં આંબા પર નવાં મોર નથી આવ્યાં, છોડ પર નવી ગુલાબકળી ખીલી નથી અને સૂર્યપ્રકાશમાં જુદી ચમક ઉમેરાઈ નથી. માણસ સિવાય પ્રકૃતિમાં કોઈનામાં નવા વરસના નવલા આગમનની ખુશાલી જોવા મળતી નથી. વાંધો નહીં, માણસ માટે એમાં ગુમાવવાનું કશું જ નથી. હા, મેળવવાનું નિશ્ચિતપણે છે. પેલો કેલેન્ડરનો આભાર માનો કે એના થકી જસ્ટ અનઘર ડે જેવો એક સામાન્ય દિવસ તમારા વિચારોમાં સંકલ્પ, શ્રદ્ધા, આશા અને સપનાંની વાવણી કરી શક્યો. નવા વરસમાં આ કરવું છે, પેલું મેળવવું છે અને આટલે પહોંચવું છે એવું માનવા અને દિશામાં ચાલતા થવા માટે તમને પ્રોત્સાહિત કરી શક્યું છે. શરૂઆત ક્યારેય નબળી હોતી નથી. એને મંઝિલ મળ્યા સુધી સારી રાખવા માટે તકેદારી, નિર્ણય, વિચારણા અને મહેનત જોઈએ. આ વરસ માટે જેટલા પણ ઝળહળતા વિચાર તમે કર્યા હોય એ બધાને સાકાર કરવા માટે તમારે જે કરવાનું છે એ બધું તમે જાણો જ છો એ વાતમાં શંકાને સ્થાન નથી. હવે તો જાગો અને પ્રવૃત્ત થઈ જાવ. આટલું જ કરવાથી આ વરસના આગમનથી એની વિદાય સુધીમાં જિંદગીમાં કેવા નાટયાત્મક ફેરફાર આવે છે એ જોઈને તમે રાજી થઈને જ રહેશો.

Leave A Reply

ગુજરાતી
Exit mobile version