શનિવાર, જાન્યુઆરી 18

સુનીલ ગાવસકર મુદ્દાની વાત કરે ત્યારે નોંધ લેવી જ પડે. એમણે હાલમાં વાત કરી ભારતીય ક્રિકેટ જગતમાં પ્રવર્તતા સ્ટાર કલ્ચરની. આ વાત નીકળી ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસકર ટેસ્ટ સિરીઝમાં આપણી 1-3થી શરમજનક હારને કારણે. પાંચ ટેસ્ટની સિરીઝમાં, ભારત જેવી વિશ્વની શક્તિશાળી ટીમ આવી હાર ખમે ત્યારે આઘાત લાગે એ સ્વાભાવિક છે. એક દાયકા પછી ઓસ્ટ્રેલિયાને આ ટ્રોફી મળે એ નાની વાત નથી. એને કારણે આપણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલથી બહાર ફેંકાઈ ગયા. હવે એ ફાઇનલ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. 

ગાવસકરે છેડેલો સ્ટાર કલ્ચરનો મુદ્દો શું છે? 

પેલી ફિલ્મ, 83, જેણે જોઈ હશે એને ખ્યાલ હશે કે આપણી ક્રિકેટની દુનિયા ત્યારે ક્યાં હતી. 

1983ની વન-ડે વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં આપણી ટીમ કોચ, ડોક્ટર અને ફિઝિયોથેરાપિસ્ટ વિના મેદાનમાં ઉતરી હતી. ફાઇનલમાં તો આપણે નહીં જ પહોંચીએ એવી માન્યતા વચ્ચે, આપણા અમુક ક્રિકેટર્સે ફાઇનલની પહેલાંની, ઇંગ્લેન્ડથી અન્યત્ર જવાની ટિકિટ બુક કરી નાખી હતી. આપણે વર્લ્ડ કપ જીત્યા એ પછી બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એટલે બીસીસીઆઈએ ટીમ માટે રૂ. બે લાખનું ઇનામ જાહેર કર્યું હતું. એ ઇનામ ત્યારે અધધધ ગણાયું હતું. અને આજે?

  • આજે વિરાટ કોહલી માત્ર (ઇન્સ્ટાગ્રામ પર) એક સોશિયલ મીડિયા પોસ્ટના રૂ. 14 કરોડ લે છે. 
  • મહેન્દ્ર સિંઘ ધોની લગભગ રૂ. 950 કરોડનો આસામી છે. અન્ય અગ્રણી ક્રિકેટર્સની સંપત્તિના આંકડા પણ જેવાતેવા નથી. એક વાક્યમાં સમજી લઈએ કે ક્રિકેટ હવે માત્ર રમત ખાતર રમાતી નથી, આવક માટે પણ રમાય છે. 
  • આઈપીએલની એક સીઝનમાં રમીને હવે ક્રિકેટર એટલું કમાઈ લે છે કે એની આખી જિંદગી કોઈ કામ કર્યા વિના સુખે પસાર થઈ શકે છે. 
  • ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સિતારા સાથે આપણા ક્રિકેટર્સ હવે સેલિબ્રિટી તરીકે બાથ ભીડે છે. પછી એ મોડિલિંગ હોય કે સંપર્કોની વગ.
  • એની તુલના આપણા એક પ્રભાવશાળી ફૂટબોલર સુનીલ ચેતરી સાથે કરીએ. એની સંપત્તિ રૂ. દસ કરોડથી ઓછી છે. ફૂટબોલમાં જ અપ્રતિમ યોગદાન આપનાર અને સિક્કિમિઝ સ્નાઇપર તરીકે ઓળખાતા ભાઇચુંગ ભુતિયાની સંપત્તિ છે આશરે રૂ. પાંચ કરોડ. 
  • હોકીની વાત કરીએ તો આખી જિંદગી આ રમતને આપનારા ધનરાજ પિલ્લેની સંપત્તિ રૂ. 20 કરોડથી ઓછી છે. ઇન શોર્ટ, ભારતીય ક્રિકેટરની કમાણી સાથે સ્પર્ધા કરવાનો વિચાર અન્ય કોઈ રમતનો ભારતીય ખેલાડી કરી શકે એમ નથી. 

અપરંપાર નામના, લોકપ્રિયતા અને આવક હોય એ ક્ષેત્રમાં આત્મશ્લાઘા, ગુમાન, કંઈક અંશે નિષ્ફિરાઈ વગેરે ના પ્રવેશે તો નવાઈ. ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વની સૌથી શક્તિશાળી ક્રિકેટ ટીમ છે. એનું કારણ આપણા ખેલાડીઓ તો ખરા જ, સાથે બીસીસીઆઈની અકલ્પનીય નાણાકીય તાકાત છે. 

વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારત છે. એમાં ક્રિકેટ સૌથી લોકપ્રિય રમત છે. એનું સંચાલન કરતી સંસ્થા પાસે નાણાંની અસાધારણ તાકાત છે. એમાં ઉમેરાઈ આઈપીએલ જેવી ટુર્નામેન્ટ, જેણે આવકની નવી રેલમછેલ કરી અને રણજી ટ્રોફી જેવી પાયાની રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટને હાંસિયામાં (આમ પણ એ પહેલેથી ઘણે અંશે ઉપેક્ષિત હતી જ) ધકેલી નાખી. 

હવે બીસીસીઆઈનું ધ્યાન પોતાની વૈશ્વિક સત્તા, આવક, અન્ય દેશના ક્રિકેટ બોર્ડનું કાંડું આમળવાની ક્ષમતા, આઈપીએલનાં ઓક્શનથી લઈને એના આયોજન વગેરે પર વધુ છે. એ બધું કરવા એને ખપે સ્ટાર ક્રિકેટર્સ અને એમનો સાથ. ગાવસકરે બરાબર એ મુદ્દે કચકચતો વાર કર્યો છે. લિટલ માસ્ટરે શબ્દો ચોર્યા વિના કહી દીધું છે કે બીસીસીઆઈએ સ્ટાર ક્રિકેટરર્સને થાબડભાણાં કરવાનું બંધ કરી દેવું જોઈએ. બિનક્રિકેટિયા બાબતોને પ્રાધાન્ય આપતા ક્રિકેટર્સ માટે સનીએ કહી દીધું છે કે બીસીસીઆઈએ એમને રોકડું પરખાવી દેવું જોઈએ કે કાં ક્રિકેટને પૂર્ણ સમર્પિત થાવ કાં અન્ય બાબતોને (એટલે નાણાં ઉસેડવાને). 

આપણી ક્રિકેટ ટીમમાં, ટેસ્ટ, વન-ડે અથવા ટી-ટ્વેન્ટીમાં, બીસીસીઆઈ જે ક્રિકેટર્સનું ચયન કરે છે એ દરેક વખતે સર્વોત્કૃષ્ટ ખેલાડી હોય એ જરૂરી નથી. એવું હોત તો શું જોઈતું હતું? એટલે ગાવસકરે કહ્યું છે કે જેઓ માટે ક્રિકેટ સર્વસ્વ હોય એ ખેલાડીઓને જ રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળવું જોઈએ. 

વાત માત્ર બોર્ડર-ગાવસકર ટેસ્ટ ટ્રોફીની હારની નથી. તવારીખ જણાવે છે કે આપણી ક્રિકેટ ટીમ ઘડીક બહુ સારો દેખાવ કરે છે અને ઘડીક પાણીમાં બેસી જાય છે. છતાં સ્ટાર ક્રિકેટર્સને ઊની આંચ આવતી નથે. કારણ તેઓ હદની બહાર લોકપ્રિય તો છે જ, સાથે એમની વગ પણ અકલ્પનીય છે. નબળું રમનારા સ્ટાર ક્રિકેટરને ટીમમાંથી કાઢવાનો નિર્ણય લેવાની ખાસ ઇચ્છા બીસીસીઆઈને પણ થતી નથી. કદાચ થતી હશે તો એવો બોલ્ડ નિર્ણય લેવામાં એના માર્ગમાં અવરોધો હશે. ક્યારેય અવરોધ આર્થિક ગણતરીના હોઈ શકે છે તો ક્યારેક ક્રિકેટરની પહોંચને લગતા હોઈ શકે છે. 

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે રમત પર લાંબા સમયગાળા સુધી આધિપત્ય જમાવી રાખી બતાવ્યું હતું. આપણી ટીમ એવું ક્યારેય કરી શકી નથી. ઓસ્ટ્રેલિયા છ વખત આઈસીસી વર્લ્ડ કપ જીતી છે. આપણી ટીમ બે વખત જીતી છે. 1997-2007 વચ્ચે ટીમ ઓસ્ટ્રેલિયા સતત ત્રણ વખત વન-ડે વર્લ્ડ કપ જીતી હતી. આ દેશ સતત 16 ટેસ્ટ મેચ જીતવાની સિદ્ધિ ધરાવે છે. સાતત્ય સાથે આપણી ક્રિકેટ ટીમને આવું ખાસ બનતું નથી. હા, ભારત સતત 18 વખત ટેસ્ટ સિરીઝ જીતવાની સિદ્ધિ ધરાવે છે ખરી પણ એ તો સ્વદેશી ભૂમિ પર. 

ગાવસકરે જે સ્ટાર કલ્ચરની વાત કરી છે એ ચિંતાનો વિષય છે. ક્રિકેટર્સ રમતવીરને બદલે આવકવીર અને નામનાવીર થઈ જાય ત્યારે આવું થાય. એનો ખ્યાલ સામાન્ય માણસે કદાચ એટલે નથી આવી રહ્યો કેમ કે આપણી ટીમ વચવચમાં જીત નોંધાવે અને ટૂંકી યાદશક્તિવાળા ભારતીયો પાછલી હાર ભૂલી જાય. વળી, બીસીસીઆઈની જેમ દેશ પણ ક્રિકેટર્સથી અભિભૂત છે. તેથી ભોળા લોકોને આ સમસ્યા ભાગ્યે જ સમજાય છે. મારો કોહલી, મારો ધોની, મારો રોહિત કરનારા આપણે, “મારી ક્રિકેટ” કરવાનું સાવ ભૂલી ગયા છીએ. 

ગાવસકરે આપણને યાદ કરાવ્યું છે કે આપણે ફરી, “મારી ક્રિકેટ”નો નારો લગાડવાનો સમય આવી ગયો છે.

તમે સહમત છો?

Leave A Reply

ગુજરાતી
Exit mobile version