આપણા વાર-તહેવારોમાં તેમ જ ધર્મ અને શાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વ અપાયું છે તે ઉપવાસ ને એકટાણાંને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈશું. આપણી સામાન્ય માન્યતા એવી છે કે ખાધેલા ખોરાકનું પાચન થઈ કાં તો લોહી બને અથવા ન પચેલો ખોરાક મળરૂપે શરીરની બહાર નીકળે. આ ઉપરાંત એક ત્રીજી ક્રિયા પણ શરીરમાં ચાલતી હોય છે તેનાથી ઘણા લોકો અજાણ છે. જે અમુક ખોરાકનું પૂરેપૂરું પાચન નથી થતું કે નથી તો મળવિસર્જન થતું તે શરીરમાં એમ જ પડી રહી ઝેર ઉત્પન્ન કરે છે. આવા ઉત્પન્ન થયેલા ઝેરથી શરીરની સ્ફૂર્તિ અને કાર્યક્ષમતા પર માઠી અસર થાય છે. દર દિવસે નવો નવો ખોરાક પેટમાં જાય અને જે અમુક ખોરાક પચ્યા વગરનો રહી જાય તે વિષદ્રવ્યના રૂપમાં સંગ્રહ થતો જાય છે. હવે જો અઠવાડિયામાં કે પંદર દિવસમાં એકવાર આપણે પેટ ખાલી રાખીએ તો ભોજન સમયે ઉત્પન્ન થતા પાચક રસો ભોજન ન મળતાં પેલા વિષદ્રવ્યનો સંગ્રહ થયો હોય એની પર સરળતાથી છાપો મારી એને પચાવી શકે છે. આમ ન પચેલો કે ન મળસ્વરૂપે બહાર નીકળેલો ખોરાક પચાવવા ઉપવાસ જરૂરી છે. ન પચેલા ખોરાકમાંથી જ વિષદ્રવ્યો ઉત્પન્ન થાય છે. તેમાં જ દરેક રોગનું મૂળ રહેલું હોય છે. ઉપવાસ કરવાથી વિષદ્રવ્યોનો ખાતમો થતાં શરીર એકદમ સ્વચ્છ, હળવું ફૂલ અને નીરોગી બને છે. ટૂંકમાં ઉપવાસને તમે શરીરનો સફાઈ કામદાર કહી શકો. અમેરિકાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજિંગના વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું છે કે ઉપવાસ એક જાતની કસરતની ગરજ સારે છે. ઉપવાસ દરમિયાન ચયાપચયની ક્રિયાને આરામ મળે છે અને આ દરમિયાન જે શક્તિનો સંચય થાય છે એ રોગમુક્તિનાં કાર્યોમાં વપરાય છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
ઋષિમુનિઓ ઋતુઓ સાથે ઉપવાસના સંબંધનું પણ મહત્ત્વ જાણતા હતા. તેથી તો સૌથી વધારે ઉપવાસ-એકટાણા-વ્રતો-તહેવારોનું ટાઇમટેબલ ચોમાસાના ચાર મહિનામાં ગોઠવ્યું છે, કારણ કે ચોમાસામાં ચારેકોર ભેજનું સામ્રાજ્ય હોય છે. આને લીધે શરીરના પાચક રસો મંદ બનતા હોય છે. તેથી ખોરાકને પચાવવાની શક્તિ ઓછી થઈ જતાં અપચો, ,ભૂખ ન લાગવી, કબજિયાત જેવા રોગ ઘર કરી જાય છે. ચોમાસામાં ઉપવાસ એકટાણા કરવાથી પાચક રસો પરનો કાર્યભાર ઓછો થાય છે અને આ સમય દરમિયાન થતાં ઘણા રોગથી રક્ષણ મળે છે.
ઋષિમુનિઓ અતિસૂક્ષ્મ રીતે પણ ઉપવાસનું મહત્ત્વ જાણતા હતા. તેથી તો તેમણે દર મહિનાની આઠમ, અગિયારસ, પૂનમ અને અમાસના દિવસે એકટાણું કે ઉપવાસ કરવાનું સૂચન કરેલું છે. આ દિવસોમાં પૃથ્વીથી સૂર્ય અને ચંદ્રની સ્થિતિ એવી રીતે હોય છે કે તેની અસર પાણી પર વધારેમાં વધારે થાય છે. જો આટલા મોટા સમુદ્ર પર ચંદ્રની અસર થતી હોય તો મનુષ્યનું શરીર કે જે ૭૦%થી વધુ પ્રવાહી ધરાવે છે તેના પર ચંદ્રની કેટલી બધી અસર થતી હશે? શરીરના ઓપરેશન દરમિયાન ડોક્ટરો પેટને ખાલી રાખવાની આગોતરી સૂચના આપતા હોય છે. કારણ કે ઓપરેશનમાં શરીરને બેહોશ કરવામાં આવે છે. આના કારણે મગજ પાચનતંત્ર પર પોતાનો કાબુ ગુમાવી બેસે છે. તેથી જો ભોજન કરેલું હોય તો દર્દીને વધુ નુકસાન થાય છે. ઉપરોક્ત દિવસોમાં પણ ચંદ્રની અસરને કારણે મનુષ્યનું મગજ લગભગ મદહોશ અવસ્થામાં હોય છે. આવા દિવસોમાં ભોજન કરવું એટલે અનેક રોગને આમંત્રણ આપવા જેવું થાય છે.
શિકાગોની ઇલિનોઈ યુનિવર્સિટીના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડો. શલ્ફ મોરિસને ‘ચંદ્રમાની મનુષ્ય પર અસર’ નામના વિષય પરના સંશોધનમાં લખ્યું છે કે પૂર્ણ ચંદ્ર મનુષ્યની શારીરિક-માનસિક વેદનાને વધારવાનું કામ કરે છે. તે સમયે રક્તસ્ત્રાવ વધુ થાય છે. એન્ઝાઇમ્સ અને હોર્મોન્સની ક્રિયાશીલતા વધી જાય છે. મગજના રોગ તે સમયે વધુ ગંભીર સ્થિતિ પ્રાપ્ત કરે છે. ચયાપચયની ક્રિયામાં વૃદ્ધિ આવે છે તથા બ્લડપ્રેશર અને હૃદયના ધબકારા પણ વધી જાય છે. આવાં જ સંશોધનો માટે સ્વિડનના જાણીતા વૈજ્ઞાનિક સેન્ટી અરહેનિસે નોંધ્યું છે કે ‘અમાસના દિવસે એટલે કે સૂર્ય-ચંદ્ર જ્યારે શૂન્ય ડિગ્રી પર હોય ત્યારે અપસ્માર (ફીટ), પાગલપન, મનના રોગ, ચામડીના રોગ જેવા અનેક નાનામોટા રોગનું પ્રમાણ એકદમ વધી જાય છે. જ્યારે સૂર્ય-ચંદ્ર ૧૮૦ અંશ પર એટલે કે પૂનમ હોય ત્યારે પણ મનના રોગ રક્તસ્રાવ અને પાગલપનના કિસ્સાઓ અનેક ગણા વધી જાય છે.’ આમ આઠમથી પૂનમ-અમાસ સુધી ચંદ્રની ખરાબ અસર માનવીના તન અને મન પર પડતી રોકવી હોય તો આ દિવસોમાં ઉપવાસ કે એકટાણા કરી શકાય અને તે માટે જ જૈનોમાં આઠમ અને ચૌદશ, જ્યારે હિન્દુઓમાં અગિયારસ અને પૂનમ-અમાસના દિવસોય ઉપવાસનું મહત્ત્વ સ્વીકાર્યું છે જેથી તન અને મનને સુખની પ્રાપ્તિ થાય છે.
ઉપવાસ, આકરી બાધા અને તપશ્ચર્યાનું આધ્યાત્મિક મહત્ત્વ:
તમે ઘણી કથાઓમાં વાંચ્યું હશે કે ફલાણા રાજાએ ઉગ્ર તપ કર્યું, ફલાણા સંતે આકરી તપશ્ચર્યા કરી હતી. મહાવીર અને બુદ્ધે રાજપાટ છોડીને કાંટાળો કષ્ટ આપનારો માર્ગ અપનાવ્યો. શ્રાવણ કે અધિક મહિનામાં ઘણા લોકો એકટાણાં-ઉપવાસ તો કરે જ છે, પરંત એમાંય ઘણા લોકો આકરા સંકલ્પ કરતા હોય છે. કોઈ એક જ જાતના ધાન્ય પર આખો મહિનો પૂરો કરે. કોઈ કેરી ન ખાવાની બાધા લે. કોઈ ફક્ત મગ-રોટલી ખાઈને મહિનો કાઢે. કોઈ ચપ્પલ પહેર્યા વગર ગમે તેટલા તડકામાં પણ મંદિરે જાય. કોઈ હાથમાં દીવો રાખી મંદિરનાં પગથિયાં ચડે.
આજની પેઢીના બૌદ્ધિકોને આ બધું તૂત લાગે. આપણા શરીરને અને મનને શા માટે આપણે જાતે જ કષ્ટ આપીએ છીએ તે તેમને ન સમજાય. શું તમારે વિસ્તારથી સમજવું છે? તો ચાલો આપણે એમાં ઊંડા ઊતરીએ.
બાધા એટલે મુશ્કેલી. બાધા લેવી એનો સીધોસાદો અર્થ છે હાથે કરીને મુશ્કેલી વહોરવી. એક બાજુ આપણે પ્રભુને પ્રાર્થના કરતા હોઈએ કે અમને સદાય સુખશાંતિ આપ અને બીજી બાજુ આવી બાધાઓ લઈને આપણી જાતને દુઃખી કરીએ છીએ. આમ કેમ? સામાન્ય પ્રજા તો ઠીક, પણ મહાન સંતો, શંકરાચાર્ય, મહાવીર, બુદ્ધ કે રામ જેવા બુદ્ધિશાળીઓ પણ પીડા ભોગવવા સામે ચાલીને કેમ તૈયાર થયા હશે?
ઉપવાસ, ત્યાગ, અપરિગ્રહ, કઠિન સંકલ્પ, બાધા-આખડી, નિયમ-સંયમ આ બધા ગુણો ભારતમાં જેટલા વિકસ્યા છે એટલા દુનિયામાં બીજે ક્યાંય નથી વિકસ્યા.
આ બધું સમજવા માટે આપણે થોડી કર્મની થિયરી સમજવી પડે.
કર્મના સિદ્ધાંત પ્રમાણે તમે જે કંઈ પણ કાર્ય કરો છો એનાં ફળ અચૂક પ્રાપ્ત થાય છે. સારાં કર્મોનાં સારાં ફળ, તો ખરાબ કર્મનાં ખરાબ ફળ. આ સિદ્ધાંત મુજબ તમે કોઈ પણ કાર્ય કરો પછી એના પરિણામથી છટકી શકતા નથી. સંસારમાં તમારી કે તમારા કુટુંબની ઇચ્છા પૂરી કરવા, પેટનો ખાડો પૂરવા, રોજી-રોટીની ફીકરમાં જાણે-અજાણ્યે કેટલાંય એવાં કર્મો કરી બેસો છો જેથી સારાં-નરસાં ફળનાં બંધનોમાં બંધાઈ જાવ છો.
ધારો કે તમે ચાર કિલો જેટલું જાણે-અજાણ્યે દુષ્કર્મ કર્યું છે, તો આ સમગ્ર જીવનની અને પરમશક્તિની કોમ્પ્યુટરાઇઝ્ડ માયા એટલી જડબેસલાક છે કે ગમે ત્યાં ગમે ત્યારે તમારે ચાર કિલો જેટલાં ખરાબ ફળ ભોગવવાં જ પડશે. આ પ્રક્રિયામાંથી રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર જેવી વિભૂતિઓએ પણ પસાર થવું પડ્યું હોય તો તમારા મારા જેવા સામાન્યજનોની શી વિસાત?
પ્રશ્ન એ થાય છે કે ખરાબ કાર્યોથી ઉદ્ભવતા ફળની અસરમાંથી થોડીઘણી કે પછી સંપૂર્ણ મુક્તિ મળી શકે ખરી? જવાબ છે હા!
કેવી રીતે? ચાલો, આપણે જોઈએ.
ધારો કે તમે કરેલાં કૃત્યોના પરિણામ સ્વરૂપ તમારે ચાર કિલો ખરાબ ફળ ભોગવવાનાં છે. હવે ખરાબ ફળ એટલે શું? – ક્યાંક તમને શારીરિક તકલીફો થાય કે આર્થિક મુશ્કેલીઓ વધે – કે પછી માનસિક વિટંબણાઓ વધે. ધારો કે તમે બે કિલો જેટલી શારીરિક કે માનસિક યાતનાઓ ઉપવાસ-આકરી બાધા વગેરે દ્વારા પોતે જ ભોગવી લો તો શું થાય? બહારથી અણધારી આવતી મુશ્કેલીઓ અડધી થઈ જાય. એટલે કે બે કિલો જેટલી જ આવે. આમ, હાથે કરીને લીધેલી બાધા કે વહોરી લીધેલી મુશ્કેલીઓ તમને અચાનક આવી પડતી મુશ્કેલીઓથી બચાવી શકે. તમારે ૪૦૦ રૂપિયા ઇલેક્ટ્રિક બિલ ભરવાનું હોય તો બે ભાઈ મળીને ૨૦૦-૨૦૦ રૂપિયા કાઢો કે ચેક તમારા નામનો આપો કે તમારા ભાઈના નામનો આપો. ઇલેક્ટ્રિક કંપની એ બધું જોતી નથી. એના ખાતામાં તમારા બિલ નંબર સામે ૪૦૦ રૂપિયા જમા થાય એટલે ભયો ભયો. બસ, આ જ રીતે કુદરતની બેન્કમાં તમારા ખાતામાં કર્મો અને તેનાં ફળો જમા થયાં કરતાં હોય છે. તમે બે કિલો જેટલું કષ્ટ હાથે કરીને વેઠી લો તો એટલાં કર્મો કપાયાં વિના રહેતાં નથી. તમે ત્રણ કિલો કષ્ટ વેઠો તો બહારથી આવતી મુશ્કેલીઓ એક કિલો થઈ જશે અને તમે પૂરેપૂરા ચાર કિલો જેટલાં કષ્ટ જાતે જ ભોગવી લો, તો બહારથી અચાનક આવી પડતી મુશ્કેલીઓ નહિવત્ થઈ જશે. પસંદગી તમારા હાથમાં છે. સરળ હપ્તે હસતે મુખે મુશ્કેલીઓ વેઠવી છે કે ઓચિંતી આફતોની રાહ જોવી છે?
દરેક બૌદ્ધિકોના મનમાં આ વાત ન બેસે તો વાંધો નહીં. કમસે કમ જે લોકો ઉપવાસ, અપરિગ્રહ, બાધાઓ, સંકલ્પો વગેરે શ્રદ્ધાપૂર્વક કરે છે તેમનો વિરોધ કરવાનો કે તેમની મશ્કરી કરવાનું તો ટાળવું જ જોઈએ, કારણ કે હાથે કરીને ઉપાધિ વહોરવી એ વીરપુરુષો જ કરી શકે. બુદ્ધિશાળી નહીં, પણ શ્રદ્ધાળુઓ જ આ કાર્ય કરી શકે. આ સાબિતીનું વિજ્ઞાન નથી, પરંતુ એનાથીય ચડતો અનુભૂતિનો ધર્મ છે. સાબિતી તોડી-મરોડી શકાય. ખરીદી કે વેચી શકાય, જ્યારે અનુભૂતિ તો સાબિતીથી કેટલાંય ડગલાં આગળ અને સ્વયં અનુભવાતી ચીજ છે. મહાવીરના કાનમાં ધગધગતું સીસુ રેડાયું હે ત્યારે કે બુદ્ધને મારવા ગાંડો હાથી છોડાયો હોય ત્યારે કે રામને વનવાસ મળ્યો હોય ત્યારે જે સહનશક્તિ અને ધૈર્ચની જરૂર હોય છે તે આવા વીરપુરૂષમાં જ હોય છે. આવા વીરપુરુષોના આદેશના પગલે લોકો ઉપવાસ, એકટાણાં, વ્રત-તહેવારો ઊજવે કે આત્માને કષ્ટ આપે કે આકરી બાધા-માનતાઓ માને તો તેમને બિરદાવવા જોઈએ. કોઈ ચીજ ન મળતી હોય અને તેનો ઉપભોગ તમે ન કરી શકો તે સહજ વાત છે, પરંતુ પૂરતા પ્રમાણમાં એ ચીજ ઉપલબ્ધ હોય છતાંય તમે તેનો ઉપયોગ ન કરો એ ખરો ત્યાગે છે.
કોઈ રખેને એમ માની લે કે એક ખૂન કરવાનું, પછી એક વર્ષ આકરી તપશ્ચર્યા કરી લેવી એટલે કર્મો ધોવાઈ જાય. જાણીજોઈને ભૂલ કરવાની ને જાણીજોઈને ‘સોરી’ કહેવાનું. વારંવાર આવું કરવાનું. કુદરતના કોમ્પ્યુટરમાં એટલા ઝીણા તાણાવાણા છે કે તે આવો ન્યાય માન્ય રાખતી નથી. હા, આકરી બાધાઓ કે તપશ્ચર્યાથી ભલભલા હિંસક પ્રવૃત્તિના માણસો સંત બની ગયાના દાખલા છે. અવ્વલ નંબરનો વાલિયો લૂંટારો તપશ્ચર્યાથી મહાન સંત વાલ્મિકી નહોતા બન્યા? ખુદ આકરાં વ્રતો કે બાધાઓ કે તપશ્ચર્યા કરીને અનુભૂતિ મેળવી શકાય કે શરીરનું દુઃખ શું છે? મનનું દુઃખ શું છે. આવી વ્યક્તિ પછી બીજાને દુઃખ આપતાં પહેલાં બે ઘડી વિચારતી તો અવશ્ય થઈ જાય.
તમે સત્કર્મ કરતા હોવ તો પણ બાધા કે તપશ્ચર્યા જેવાં કર્મો કરવા જોઈએ?
જી હાં! કરવા જોઈએ. ધારો કે તમારા ખાતામાં એક કિલો પણ દુષ્કર્મ જમા નથી થયાં, પરંતુ સામે ચાર કિલો જેટલી મુશ્કેલીઓ બાધા કે તપશ્ચર્યાના રૂપમાં ભોગવી છે. તો આ ચાર કિલોનું ફળ પુણ્યરૂપે તમારી બેન્કમાં જમા થશે. રામ, મહાવીર કે બુદ્ધ જેવા પુરુષોએ ક્યારેય દુષ્કર્મ કર્યા નથી, છતાંય આકરી તપશ્ચર્યા કરી છે કે વનમાં જઈને આકરાં દુઃખો ભોગવ્યાં છે અને એટલે જ તેઓ પરમપદને પામ્યા અને ભગવાન કહેવાયા.
તમારા ખાતામાં પુણ્યનું પલડું કાયમ ભારે રહેતું હોય તો તમે પણ ભગવાન બની શકો. તમે પણ કોઈના માથા પર હાથ મૂકો તો તેનાં સઘળાં દર્દ ગાયબ થઈ શકે. તમે માત્ર તથાસ્તુ કહો અને સઘળાં કાર્યો થઈ જાય. અદ્વૈતવાદ વિશે ઘણા લોકોની પૃચ્છા આવતી હતી. આજે વાતવાતમાં સમજાવી દઉં કે મનુષ્ય પોતાનાં કર્મો દ્વારા ખુદ ભગવાનમાં સમાઈ જઈ ભગવાન બની શકે છે. પછી કોઈ તેના કાનમાં ધગધગતું સીસું નાંખે તો પણ તેને અસર થતી નથી. સામેથી મદોન્મત હાથી આવતો હોય તો પણ કોઈ અસર થતી નથી. ઝેરી નાગ કરડે તો પણ અસર થતી નથી. મીરાંબાઈની જેમ હળહળતો વિષનો પ્યાલો પીએ તો પણ અમૃત થઈ જાય છે. આ ચમત્કાર નથી, પરંતુ તમારા ખાતામાં એટલું બધું પુણ્ય બોલતું હોય કે પાપીઓ તેને ઓળંગી શકતા નથી. જેમ લોકશાહી દેશમાં સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ વડા પ્રધાન બની શકે છે એ જ રીતે અદ્વૈતવાદ કહે છે તેમ જીવ અને શિવ એક જ છે. ગમે તે વ્યક્તિ પછી તે વિદ્વાન બ્રાહ્મણ હોય કે ગોરા કુંભાર કે પછી નામદેવ દરજી હોય કે શુદ્ર વાલિયો લૂંટારો, તપશ્ચર્યાની આગમાં શુદ્ધ થઈ પરમપદ પામી શકે છે. આમ, વૈદિક ધર્મમાં વિજ્ઞાન તો છે જ, સાચી લોકશાહી પણ છે. તમે પાપકર્મો ન કર્યા હોય, છતાંય નાની-મોટી તપશ્ચર્યાઓ, ત્યાગ, ઉપવાસ, બાધા-આખડીરૂપે શરીર અને મનને તકલીફ આપી હશે તો એળે નહીં જાય. મનુષ્યત્વ કરતાં પણ વધુ મહાન પદ તમે જરૂર પામી શકશો.
જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર મુકેશ પંડ્યાના પુસ્તક ‘ધર્મ ભી કભી વિજ્ઞાન થા, હૈ ઓર રહેગા’માંથી સાભાર. દરેક ગુજરાતીએ વસાવવા જેવું આ પુસ્તક છે. ધર્મ અને વિજ્ઞાનના પ્રગાઢ સંબંધોને સચોટ રીતે ઉજાગર કરતી બાબતોનો એ રસથાળ છે.


