ઘટાદાર પીપળાના ઝાડ નીચે આવેલા આ લોખંડના ચબૂતરાનું નિર્માણ દસ વર્ષ પહેલાં પાસે રહેતા હિતેશભાઈ મોદીએ કરાવ્યું હતું

અહીંના જૂના ચબૂતરાની સામે આવેલો લોખંડનો આ નવો ચબૂતરો સારી સ્થિતિમાં તો છે જ. બીજી રાહતની બાબત એ છે કે આસપાસના લોકો ચબૂતરાની સારી દેખરેખ પણ રાખે છે. પ્રતિદિન એ પારેવાંઓ જ નહીં પણ રમતિયાળ ખિસકોલીઓનું પણ મનગમતું સ્થાન છે.
ઘટાદાર પીપળાના વૃક્ષ નીચે આવેલા આ લોખંડના ચબૂતરાનું નિર્માણ દસ વર્ષ પહેલાં પાસે જ રહેતા હિતેશભાઈ મોદીએ કરાવ્યું હતું. હાલમાં હિતેશભાઈ અને પોળના રહેવાસીઓ હળીમળીને ચબૂતરાની સરસ સારસંભાળ રાખી રહ્યા છે.
તેમણે જારની કાયમી વ્યવસ્થા માટે ચબૂતરા નજીક એક જારનો ડબ્બો રાખ્યો છે. આ ડબ્બામાં ચણા અને બાજરીનો સંગ્રહ કરાય છે. રોજ લગભગ ૫૦૦ ગ્રામ જારનો વપરાશ ચણ નાખવા માટે છે. કબૂતર, ચકલીઓ વગેરે અહીં સારી એવી સંખ્યામાં આવે છે અને ચણ આરોગે છે. અન્ય ઉપરાંત ખિસકોલી પણ અહીં રમતી રહે છે.
અહીં બિલાડીનો ડર હોવાથી સ્થાનિકોએ પીપળના ઝાડ પર રહેલી ખિસકોલીની અવરજવર માટે વાંસના લાકડાથી સુંદર સેતુ તૈયાર કર્યો છે. ઝાડ અને ચબૂતરાને જોડતા આ પુલથી ખિસકોલીની ચપળ આવનજાવન આંખો માટે મજાનું દૃશ્ય સર્જે છે.
ચબૂતરાના નિર્માણ પછી સતત તકેદારી રાખનારા હિતેશભાઈ તેની સાફસફાઈનો પણ ખાસ ખ્યાલ રાખે છે. ચબૂતરાને નુકસાન ના થાય તે માટે ભરવાયોગ્ય દરેક પગલાં તેઓ લે છે. આ ચબૂતરો એક સેવાભાવીને કારણે, નવતર પ્રકારનો અને અન્ય કેટલાય ચબૂતરાઓની તુલનામાં સામાન્ય લાગતો હોવા છતાં, સમાજ માટે પ્રેરણાસ્થાન છે. જેઓ પંખીઓનાં જીવનનું સન્માન કરે છે, જીવમાત્રની સેવા કરે છે તેવા માનવીને ચબૂતરાના નિભાવ માટે સમાજનો સાથે મળે તો શું થાય તેની માત્ર કલ્પના કરવી રહી.
ચણ ચણ બગલી ચણાની દાળ,
ઠેકો માર્યો ઠુમકદાર
શેરીએ શેરીએ ઝાંખા દીવા,
આવ રે કાગડા કઢી પીવા
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.


