દક્ષિણની ફિલ્મોના દેશભરમાં વધેલા પ્રભાવ વચ્ચે જાટ ફિલ્મનું આગમન સાનંદાશ્ચર્ય કરાવે છે. આ કદાચ પહેલી આવી ફિલ્મ છે જેમાં સર્જકે દક્ષિણ ભારતીય ફિલ્મેકિંગની સ્ટાઇલને ઉત્તર ભારતીય સુપરસ્ટારને કેન્દ્રવર્તી ભૂમિકા આપી છે. વળી ખલનાયક પણ બોલિવુડનો સિતારો છે. વાર્તા પણ એવી રીતે ગૂંથી છે કે એમાં ભારતના કોઈ પણ ખૂણે વસતા દર્શકને મોજ પડે. તેલુગુ સહિતની દક્ષિણ ભારતીય ફિલ્મો (બોડીગાર્ડ, ક્રેક, વીરા સિમ્હા રેડ્ડી વગેરે)ના દિગ્દર્શક ગોપીચંદ મલીનેની જાટ સાથે બોલિવુડમાં પદાર્પણ કરી રહ્યા છે. તો, શું છે ફિલ્મની વાર્તા અને કેવીક છે એ?

કથા શરૂ થાય છે 15-16 વરસ પહેલાંના શ્રીલંકામાં. એલટીટીઈ જેવા સંગઠન જેટીએફનો કમાન્ડર મુત્તુવેલ દેશની સેનાના ચુંગાલથી છટકીને ભારતમાં પ્રવેશે છે. લાંચ આપીને એ ભારતીય નાગરિકત્વ મેળવીને રણતુંગા (રણદીપ હુડા) તરીકે સ્થાયી થાય છે. આંધ્ર પ્રદેશના દરિયાઈ વિસ્તારમાં રણતુંગા જોતજોતામાં પોતાના આતંકથી વિશાળ સામ્રાજ્ય ઊભું કરે છે. શું પોલીસ કે શું પ્રધાન, સૌ એની શેહમાં છે, એની તળે દબાયેલા છે. એની અટક કરવા સાહસિક લેડી ઇન્સ્પેક્ટર વિજયા લક્ષ્મી (સંયમી ખેર) એની મહિલા સાથી પોલીસ કર્મચારીએ સાથે રણતુંગાના ઘેર જાય છે. પેલાની પત્ની ભારતી (રેજિના કાસાન્ડ્રા) અને ગુંડાઓ તમામ મહિલા પોલીસ અધિકારીઓને કેદ કરવા સાથે એમના પર અદમ્ય અત્યાચર કરે છે.
બીજી તરફ દક્ષિણ ભારતથી એક વિશેષ ટ્રેન અયોધ્યા જઈ રહી છે. એમાં એક રામભક્ત જાટ (સની દેઓલ) છે. ટ્રેન વચમાં ખોટકાતાં એ ટ્રેક નજીકના ઢાબે નાસ્તો કરવા પહોંચે છે. એ ઇડલી ખાતો હોય છે ત્યાં સ્થાનિક ગુંડાઓની ટોળી આવી ટપકે છે. ગુંડાઓના નિષ્ફિકર સરદારનો ધક્કો જાટની પ્લેટને લાગે છે. પ્લેટ પડી જાય છે. જાટ ગુંડાને સૉરી બોલ કહે છે. પેલો ગાંઠતો નથી એટલે એની અને એના તમામ સાથીઓની બરાબર ધોલાઈ થાય છે. ગુંડા કહે છે કે તેં મને માર્યો એ મારા ભાઈ રામા રેડ્ડી (અજય ઘોષ)ને ખબર પડશે તો તું કામથી ગયો. જાટ કહે છે, “અચ્છા, તો સૉરી તું નહીં, તારો ભાઈ કહેશે?”
અને એમ કરતાં કરતાં જાટ રેડ્ડી સુધી, એના પછીના માથા સુધી અને છેવટે રણતુંગા સુધી પહોંચે છે. એની હડફેટે આવતા દરેકને એ અપરંપાર મેથીપાક ચખાડીને પોતાની તાકાતનો અને નિયતનો પરચો આપે છે. પેલા રાવણ સરીખા રણતુંગાની અમાપ તાકાતનું કારણ શું છે? એણે શા માટે પોતાના વિસ્તારનાં ચાલીસ ગામના લોકોને રંજાડીને ઘરવિહોણા કર્યા છે? શા માટે એ આડેધડ હત્યાઓ કરે છે? અને આ જાટ છે કોણ?
જાટ ફિલ્મ આ અને આવા ઘણા પ્રશ્નોનો જવાબ છે. અનરાધાર એક્શન અને સની દેઓલને છાજે એવા દમદાર સંવાદોથી ભારોભાર છે જાટ. ઇન્ટરવલ સુધી એ સડસડાટ દોડે છે. વાર્તાનો પથારો એક દિવસનો જ છે. ફ્લેશબેક્સથી દર્શક સમક્ષ વિવિધ પળ ઉખડતાં રહે છે. ઇન્ટરવલ પછીની થોડી મિનિટો એ માટે ખર્ચાય છે ત્યારે ફિલ્મ થોડી મોળી પડે છે. પછી એક દ્રશ્ય પોલીસ સ્ટેશનનું આવે છે. એની સાથે વળી રફ્તાર તેજ થાય છે જે ક્લાઇમેક્સ સુધી અટકતી નથી.
મગજનો સદુપયોગ કે દુરુપયોગ કર્યા વિના, માત્ર મોજ માટે ફિલ્મ જોવા જનારને જાટ ઓળઘોળ કરવાની તાકાત ધરાવે છે. બિલકુલ એમ જ રીતે સાઉથની અનેક ફિલ્મો કરાવે છે. ફિલ્મનું ફ્રેમિંગ, સ્ટાઇલ, સ્ક્રીનપ્લે વગેરે પુષ્પા-ફાઇડ લાગે છે. ઉર્વશી રાઉતેલાવાળું આઇટમ સોન્ગ, સૉરી બોલ, પણ પુષ્પા ફ્રેન્ચાઇઝની યાદ અપાવનારું છે. દ્રશ્યોની ગૂંથણી પણ એવી છે કે દર્શક વિચાર કરવા જાય કે તર્કવિતર્ક કરવા ધારે ત્યાં નવું થાય અને બસ…

ટેક્નિકલી પણ ફિલ્મ અસલ સાઉથિયા મસાલો છે. સિનેમેટોગ્રાફી (રિશી પંજાબી) અને એડિટિંગ નવીન નૂલી, જેઓએ પુષ્પા-ટુ પણ એડિટ કરી હતી) આવી ફિલ્મના મિજાજને સાંગોપાંગ જીવનારી છે. સંવાદો (સાંઈ માધવ બુરા અને સૌરભ ગુપ્તા) તાળીઓ પડે અને સીટીઓ વાગે વત્તા, જોશ હાઈ રહે એ ટાઇપના છે. “યે ઢાઈ કિલો કે હાથ કી તાકત પૂરે નોર્થ ને દેખી હૈ, અબ સાઉથ કી બારી હૈ…” એવા મતલબનો સની પાજીનો સંવાદ હોય કે એવી બીજી લાઇન્સ, એક્શન અને દેઓલના ચાહકોને ફિલ્મ બરાબર છપ્પનભોગ પીરસે છે. અનલ અરાસુની એક્શન સની દેઓલ માટે એકદમ પરફેક્ટ છે. હાલની ફિલ્મોમાં મારધાડને ગ્લોરિફાઈ કરવાનો જબ્બર દોર છે. એને ધ્યાનમાં રાખીને પણ જાટમાં મારધાડ-કાપનો અતિરેક છે. કેટલાં ધડથી માથાં અલગ થયાં એ જાટમાં ગણવા બેસતા નહીં બાકી વારો નીકળી જશે.
સની સાથે ફિલ્મમાં અભિનયની દમદાર જુગલબંધી રણદીપ હુડાએ કરી છે. એમની કરિયરના સર્વોત્તમ પાત્રોમાં રણતુંગાનું પાત્ર સ્થાન પામે છે. રણતુંગાની પત્ની ભારતી તરીકે રેજિના પણ સરસ છે. સીબીઆઈ અધિકારી
મૂર્તિ તરીકે જગપતિ બાબુ, સોમુલુ તરીકે વિનીત કુમાર સિંઘ, રામા રેડ્ડી તરીકે અજય ઘોષ (પુષ્પા-ટુ અને એક મજાની ફિલ્મ નામે મ્યુઝિક શૉપ મૂર્તિ, ફૅમ), સંયમી ખેર, રણતુંગાની મા તરીકે સ્વરૂપા ઘોષ વગેરે પોતપોતાના પાત્રમાં બંધબેસતાં છે. સહકલાકારોમાં રામ્યા ક્રિશ્નન, મકરંદ દેશપાંડે, ઝરીના વહાબ, અને મહેમાન કલાકાર તરીકે મુરલી શર્મા અને ઉપેન્દ્ર લિમયે પણ છે.
ગીત-સંગીત (ગીતો કુમાર, અદ્વિતીય વોજ્જાલા, શ્રુતિ રંજની, કુંદન પાંડે, અમૃત માનનાં અને સંગીત થમન એસ.નું)માં ફિલ્મ મોળી પડે છે. શરૂઆતમાં આવતું ભગવાન રામની સ્તુતિનું, ઓહ રામા શ્રી રામા, ગતિશીલ ગીત જરા ઠીક છે ખરું. એ સિવાય જોકે આઇટમ સોન્ગ બાદ કરતાં બિનજરૂરી ગીતોનો ખાસ મારો નથી એ રાહતની વાત છે.
નિર્માતા પુષ્પા ફૅમ નવીન યેરનેની, યાલામન્ચિલી રવિ શકંર, ટી. જી. વિશ્વા પ્રસાદ અને ઉમેશ કુમાર બંસલ છે. મૈત્રી મૂવી મેકર્સ અને પીપલ ફિલ્મ ફેક્ટરીની જાટની ખરી તાકાત આજકાલ ટ્રેન્ડિંગ કથા અને સ્ટાઇલ, સની અને રણદીપનો દમદાર અભિનય અને સાઉથ-નોર્થના મિજાજનું કડક કોમ્બિનેશન અને ગતિ છે. ઇન શોર્ટ, 153 મિનિટની જાટ દર્શકોને ફિલ્મ રાજી કરીને પાછા ઘેર મોકલે છે.
રેટિંગઃ 3.5 સ્ટાર્સ
જાટ

કલાકારઃ સની દેઓલ, રણદીપ હુડા, સંયમી ખેર, રેજિના કાસાન્ડ્રા, જગપતિ બાબુ, અજય ઘોષ, વિનીત કુમાર સિંઘ, સ્વરૂપા ઘોષ, રામ્યા ક્રિશ્નન, મકરંદ દેશપાંડે, ઝરીના વહાબ, મુરલી શર્મા, ઉપેન્દ્ર લિમયે
બેનર્સઃ મૈત્રી મૂવી મેકર્સ અને પીપલ ફિલ્મ ફેક્ટરી
નિર્માતાઃ નવીન યેરનેની, યાલામન્ચિલી રવિ શકંર, ટી. જી. વિશ્વા પ્રસાદ અને ઉમેશ કુમાર બંસલ
કથાલેખક, દિગ્દર્શકઃ ગોપીચંદ મલીનેની
પટકથાઃ ગોપીચંદ મલીનેની શ્રીનિવાસ ગાવિરેડ્ડી, કુંદન પાંડે
સંવાદઃ સાંઈ માધવ બુરા અને સૌરભ ગુપ્તા
ગીતઃ કુમાર, અદ્વિતીય વોજ્જાલા, શ્રુતિ રંજની, કુંદન પાંડે, અમૃત માન
સંગીતઃ થમન એસ.
એક્શનઃ અનલ અરાસુ
સિનેમેટોગ્રાફીઃ રિશી પંજાબી
એડિટિંગઃ નવીન નૂલી

