એક ભયંકર વરસાદ, પછી પૂર અને ૬૦૦ મૂંગા જીવનાં મૃત્યુ! પડકારોની યાદી જ્યાં ઓછી નથી હોતી એવા પાંજરાપોળરૂપી સેવાધામમાં આવું થાય ત્યારે કઠણ કાળજાં પણ કંપી ઊઠે! આ પાંજરાપોળને જરૂર છે સમાજના અસાધારણ સાથની…
નોંધઃ અહીં જણાવેલી માહિતી, પશુઓની સંખ્યા, વાર્ષિક ખર્ચ તથા સંસ્થાની આર્થિક જરૂરિયાતો વગેરે બધું ઓગસ્ટ 2017 મુજબ છે. સંસ્થાની હાલની સ્થિતિ વિશે વાચકે સ્વયં જાણકારી મેળવી લેવી. આ લેખ પ્રસિદ્ધ કરવાનો એકમાત્ર ઉદ્દેશ સંસ્થાનાં તથા સમસ્ત મહાજનનાં સુકૃતથી વાચકોને પરિચિત કરાવવાનો છે.
ત્રણ સાંધો ત્યાં તેર તૂટે એ કહેવત ખરેખર કોઈકની અવર્ણનીય અવદશાને સજાઈ હશે. સેવાભાવી સાધર્મિકોના સમર્પણથી ચાલતી આ પાંજરાપોળે આ કહેવત સાર્થક કરતાં વરવી પરિસ્થિતિ વચ્ચે સેવાકાર્ય કમાલ આગળ ધપાવ્યે રાખ્યું છે. જોકે એ ખરેખર ઇચ્છનીય છે કે હવે આ પાંજરાપોળના પડકારોનો સમાજ થકી, શ્રેષ્ઠીઓના પરોપકાર થકી, કાયમી અંત આવે.
૧,૮૦૦ અબોલ જીવોનો આશ્રયસ્થાન સમી આ પાંજરાપોળ ચારસો એકરમાં પથરાયેલી છે. ૨૦૧૭ના વરવા પૂરે પાંજરાપોળનાં બે-પાંચ નહીં, છસો પશુઓનો જીવ લીધો. અતિવૃષ્ટિમાં સપડાયેલાં, નિ:સહાય એ પશુઓના જીવનના છેલ્લા થોડા કલાકો કમકમાટીભર્યા રહ્યા હશે એની કલ્પના પણ કરવી અઘરી છે. કેવો રહ્યો હશે પશુઓનો કલ્પાંત, એમનું ભાંભરવું…
ચીનુભાઈ દોશીને પાંજરાપોળોની સેવાનો ચાલીસ વરસનો બહોળો અનુભવ છે. છતાં, અપર્યાપ્ત ભંડોળ, સાધનો, વચ્ચે કોઈ વ્યક્તિ સંસ્થાને ઉત્તમ રીતે ચલાવી શકે નહીં. અતિવૃષ્ટિના એ દુઃખદ દિવસોની વાત કરતાં તેઓ જણાવે છે, “અઠવાડિયાથી વધુ લાગલગાટ વરસાદ પડ્યા પછી મામલો કોઈના કાબૂમાં રહે તેમ નહોતું. ચારેકોર કાદવ-કીચડ એટલે જે નાનાં પશુઓ, ખાસ કરીને પાડા-પાડી, ફસાયાં અને કશું થઈ શક્યું નહીં. વળી પાંજરાપોળમાં બધું મળીને ૧,૮૦૦ પશુઓમાં ગોધનથી માંડી પાડા-પાડી, બકરી, નીલગાય, સસલાં, મીર એમ અનેક જીવો સામેલ છે. હમણાં વરવી સ્થિતિ અને બસોથી વધુ પશુઓ માંદાં છે.”
ખરેખર, સંચાલકોની જીવદયા ભાવના જો અડીખમ ના હોય તો આ પાંજરાપોળ ચાલી શકે નહીં. ઓછામાં પૂરું, પાણીની આ પાંજરાપોળમાં સખત ખેંચ છે. એક કાર્યકર્તાના જણાવ્યા પ્રમાણે અહીં, ચાલીસેક પરિવારો પાંજરાપોળમાં રહે છે, જેમાંના મોટા ભાગના કર્મચારીઓના છે. સંસ્થામાં પાણીની પાકી વ્યવસ્થા નથી. આજે પણ રોજ ટેન્કરથી અહીં પાણી મગાવવું પડે છે.
શેડની વાત તો કરી જ. એવી જ રીતે જમીનમાં પાકા ખરંચાનો અહીં અભાવ છે. એકવાર જો ખરંચો થઈ જાય તો અનેક અગવડોનો નિકાલ આવી જાય.
ઉપરાંત અહીં ફેન્સિંગ, કમ્પાઉન્ડ વોલ, હવાડા, ઘાસ કાપવાનું મશીન, પશુ સારવાર માટે એમ્બ્યુલન્સ, સ્ટાફ ક્વાર્ટર્સ જેવી અનેક દુવિધામાં આ પાંજરાપોળમાંથી દૂર કરવી અનિવાર્ય છે. આજ સુધી આ સંસ્થાને વાવ જૈન સંઘ થકી વહેતી દાનની સરવાણીએ ધબકતી રાખી છે. કોઈ સદકાર્ય જોકે સમાજના બહોળા સહકાર વિના વિકસી શકે નહીં. આપણે આ સત્યને સમજીને આપણા હૈયાની ઉદારતાનો પરચો આપવો રહ્યો. રૂપિયા અઢી કરોડથી વધારે ખર્ચ જેના માથે છે એવી આ સંસ્થાને સૌપ્રથમ તો સબળ અને સશક્ત બનાવવાની છે. પછી એના સંચાલકોની ભાવના પ્રમાણે અહીં વધુ પશુઓ સચવાઈ જાય તે માટે પ્રબંધ કરવાનો છે. અને હા, આ વરસની અતિવૃષ્ટિએ જે રીતે ૬૦૦ પશુઓનો જીવ લીધો, એવું ભવિષ્યમાં ફરી ક્યારેય થાય નહીં એ માટે તમામ સાવચેતીભર્યાં પગલાં લેવાનાં છે. આટલું કર્યે આપણે માનવધર્મ નિભાવ્યાનો અને જિનયર્મને અનુસર્યાનો સંતોષ માણી શકીશું.
ઊણપો/જરૂરિયાતો
1. સુરક્ષા કાજે ફેન્સિંગ તેમ જ કમ્પાઉન્ડ વોલ.
2. શેડ અને હવાડાનું નિર્માણ જેથી મૂંગા જીવોને રાહત મળે.
3. પાણી માટે કુંડ તથા સ્ટોરેજની વ્યવસ્થા.
4. ઘાસ કાપવાનું મશીન.
5. પશુ સારવારાર્થે એમ્બ્યુલન્સની વ્યવસ્થા.
6. ઘાસચારાની તંગી ના સર્જાય તેની પાકી ગોઠવણ.
7. સ્ટાફ ક્વાર્ટર્સ, ખરંચો અને પશુ સારવાર કેન્દ્ર.
સંસ્થાસંપર્ક
સરનામું: શ્રી વાવ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ સંચાલિત ખોડાઢોર પાંજરાપોળ, મુકામ પોસ્ટ, તાલુકા વાવ, જિલ્લો બનાસકાંઠા – ૩૮૫૫૭૫, ગુજરાત
સંપર્ક: ચીનુભાઈ આર. દોશી
ટેલિફોન: ૦૯૪૨૯-૨૧૦૦૬, મોબાઇલ: ૯૮૨૦૧ ૯૮૮૬૩
ઇમેઇલ: vavpanjrapol@gmail.com
ચેક/ડ્રાફ્ટ મોકલવાનું નામ: શ્રી વાવ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ – ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા
આવકવેરામાં રાહતની પાત્રતા: હા
કુલ અબોલ જીવો: ૧૮૦૦
વાર્ષિક ખર્ચ: બે કરોડ રૂપિયા
બાંધકામનો ખર્ચ: એક કરોડ રૂપિયા
સંસ્થાને દાન આપવા કે કોઈ પણ રીતે મદદરૂપ થવા ઇચ્છનાર સમસ્ત મહાજનનો સંપર્ક પણ સાધી શકે છે
ઓગસ્ટ 2017માં ગુજરાત-રાજસ્થાનમાં અતિવૃષ્ટિ થઈ. તત્કાળ ધોરણે જીવદયાપ્રેમી સંસ્થા સમસ્ત મહાજન અને એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશભાઈ શાહના પ્રોત્સાહને બેઉ રાજ્યની ગૌશાળાઓ તથા પાંજરાપોળોની સ્થિતિ જાણવા સર્વેક્ષણ થયું. એ કાર્ય માંગરોળ મલ્ટીમીડિયાની ટીમે સંપન્ન કર્યું હતું. લેખક-પત્રકાર સંજય વિ. શાહે સર્વેક્ષણના આધારે, ગૌશાળા-પાંજરાપોળ પુનરુસ્થાન અભિયાન, પુસ્તક લખ્યું હતું. આ લેખ 2017માં પ્રસિદ્ધ એ પુસ્તકનો ભાગ છે.


