નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે સંસદમાં નવું આવકવેરા વિધેયક (ઇન્કમ ટેક્સ બિલ) રજૂ કર્યું હતું. 2025ના બજેટમાં સીતારમણે નવી વેરા વ્યવસ્થાને અપનાવનાર મધ્યમ વર્ગ માટે રાહતો જાહેર કરી છે. હવેથી વાર્ષિક રૂ. 12 લાખની આવક ધરાવતી વ્યક્તિએ લગભગ કોઈ વેરો ચૂકવવાનો આવશે નહીં, એવું સીતારમણે અંદાજપત્રના વક્તવ્યમાં જણાવ્યું હતું. તે વખતે નાણાપ્રધાને એ પણ જણાવ્યું હતું કે નવું ઇન્કમ ટેક્સ બિલ પણ સંસદમાં રજૂ કરવામાં આવશે. ગુરુવારે એ પણ રજૂ કરવામાં આવ્યું હતુું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જૂના બિનજરૂરી કાયદાઓને દૂર કરવા અને તેમના સ્થાને સંક્ષિપ્ત અને સમજવામાં સરળ એવી કાનૂની જોગવાઈઓની હિમાયત સતત કરી છે. કેન્દ્ર સરકારની આ વિચારસરણી નવા આવકવેરા બિલમાં સ્પષ્ટ દેખાય છે. એમાં સામાન્ય કરદાતાઓ સરળતાથી સમજી શકે તેવા શબ્દોનો ઉપયોગ કરીને આવકવેરા કાયદા સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
નવા આવક વેરા બિલમાં ભાષાની સરળતા સાથે કદ પણ ઘટાડવામાં આવ્યું છે. જેમ કે નવા બિલમાં કુલ 2,59,676 શબ્દો છે. જૂના ઇન્કમ ટેક્સ એક્ટ, 1961માંના 5,12,535 શબ્દો કરતા એ લગભગ 50% ઓછા છે. એ જ રીતે પ્રકરણો 47થી ઘટાડીને 23 કરવામાં આવ્યાં છે.
નવા બિલમાં ‘ટેક્સ યર’ શબ્દો વાપરવાની વાત છે. એટલે કે અત્યાર સુધી જે ‘એસેસમેન્ટ યર’ અને ‘પ્રિવિયસ યર’ જેવા શબ્દપ્રયોગથી ટેક્સપેયરને ટેક્સ જમા કરતા અને રિટર્ન ફાઇલ કરતી વખતે મતિભ્રમ થાય છે, એ પણ ઓછી થશે. ટેક્સ યર એટલે જે વરસમં ટેક્સ ભરવાનું હોય એ.
બીજી મહત્ત્વની બાબત એ કે હવે આવકની સ્ક્રુટિની આઇર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)થી થશે. આ પદ્ધતિ અમલમાં આવતાં કરચોરી અટકશે. વ્યક્તિ ખોટા આંકડા આપીને આવકની માહિતી છુપાવવાની કોશિશ કરશે તો તે પકડાઈ જશે. એ માટે દંડની જોગવાઈ નવા બિલમાં છે. કરચોરી માટે દંડની માત્ર વધારવાનો પણ પ્રસ્તાવ છે. જોકે રિટર્ન ફાઇલ કરવામાં વિલંબ પર દંડ નથી જે હાલમાં રૂ. 5,000 છે.
ટૂંકમાં, નવા આવકવેરા બિલમાં કરદાતાઓનો બોજ ઘટાડવા સાથે સમજવામાં સરળતા કરી આપવામાં આવી છે. નવી અને જૂની બેઉ વેરા પદ્ધતિ હાલમાં અમલમાં છે. આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે પણ અમલ થયો નથી. તેને હાલ સિલેક્ટ કમિટીને મોકલવામાં આવ્યું છે. આવતા વરસે એ અમલી બનશે.