જે થોડીઘણી જગ્યા ચબૂતરાની બાજુમાં ખુલ્લી છે તેમાં પણ વાંસ ખડકી દેવામાં આવ્યા છે. પક્ષીઓ આવા ચબૂતરા તરફ આકર્ષાય તોય કેવી રીતે?
મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી,
મને પાનખરની બીક ના બતાવો…
કવિ અનિલ જોશીની આ પંક્તિ અમર છે એ હૃદયને ઝંકૃત કરી દેનારી પણ. પ્રકૃતિ, માનવીની જેમ આ પંક્તિની સચોટ ઉપયોગ કરવા જેવી અવદશા ધરાવતા ચબૂતરાને જોવો હોય તો સબેરા મંઝિલના ચબૂતરાને જોઈ લેવો.

બાંધકામની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ, શહેરના ઇતિહાસના હિસ્સા સમાન, જમાલપુર વિસ્તારના આ ચબૂતરાનું જાણે સ્થાનિકો માટે અસ્તિત્વ જ નથી! મુસ્લિમ રહેવાસીઓની બહુમાળી ઇમારતો વચ્ચે આવેલો આ ચબૂતરો સો વરસથી વધારે જૂનો છે. સંસ્કૃતિ અને જીવનશૈલીના દ્રષ્ટિકોણથી વિચારતાં ખ્યાલ આવી જાય છે કે ક્યારેક અહીંયા હિંદુ પરિવારોની બહોળી વસતિ હશે. પૂછપરછ કરતાં જાણવા મળે છે કે આ વિસ્તારમાં પહેલાં કુંભાર અને ખત્રી પરિવારો વસતા હતા. એ સમયે અહીં કોઈકનું અવસાન થાય તો અંતિમયાત્રા પહેલાંની વિધિ પણ આ ચબૂતરા નજીક થતી હતી.
નહીં નહીં તોય પચાસ વરસ થઈ ગયાં આ ચબૂતરાને નિવૃત્તિ મળ્યાને અથવા પરાણે આપી દીધાને. ચબૂતરાની બંને તરફ ભીંતો છે. તેનો ઓટલો ઉકરડો બન્યો છે અને બહારની ફૂટપાથ બની છે અતિક્રમણનો અડ્ડો. વળી જે થોડીઘણી જગ્યા ચબૂતરાની બાજુમાં ખુલ્લી છે તેમાં પણ વાંસ ખડકી દેવામાં આવ્યા છે. પક્ષીઓ આવા ચબૂતરા તરફ આકર્ષાય તોય કેવી રીતે?
મારા આંગણામાં પોપટ મીઠું બોલે, સીતા રામ, સીતા રામ ધીમું બોલે!
ગળે કાળો છે કાંઠલો ને લીલો લીલો રંગ, એની વાંકી ચાંચલડીનો લાલ લાલ રંગ!
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.


