
અલકા પ્રજ્ઞેશ ગોર
સમોસું માત્ર નાસ્તો નહીં, સ્વાદિષ્ટ ભાવના પણ છે. આપણા દેશમાં લગભગ બધે, રસ્તાના ખૂણેથી લઈ રજવાડી રેસ્ટોરાં સુધી, સમોસાં મળે છે. જોકે સમોસાં આખી દુનિયામાં પણ પ્રેમથી ખવાય છે. નરમ કે કરકરિયાં, તીખાં કે ગળ્યાં, એમ જાતજાતાનાં સ્વાદિષ્ટ સમોસાંની સુવાસ સૌ કોઈને લલચાવતી હોય છે. પણ આ સમોસાંનો ઇતિહાસ શું છે?

સમોસાનો ઉદ્ભવ મધ્ય એશિયા અથવા મધ્ય-પૂર્વમાં થયો હોવાનું માનવામાં આવે છે. તેરમી-ચૌદમી સદીમાં પર્શિયન અને તુર્કી વેપારીઓ થકી આ વાનગી આપણા દેશમાં આવી હતી. એ પછી, સમયના પ્રવાહમાં, એને આપણા સ્વાદમાં ઢાળવામાં આવ્યાં. જોકે આજના સમોસાંને, ખાસ કરીને આપણે ત્યાં બનતાં, સમોસાંને આપણે મેક ઇન ઇન્ડિયા સમોસાં કહીશું તો એ બિલકુલ અસ્થાને નહીં ગણાય.
અરબી ભાષામાં આ નાસ્તાને ‘સંબોસાગ’ તરીકે ઓળખવામાં આવતો હતો. આપણે ત્યાં એનું નામ સમોસાં તરીકે લોકપ્રિય થયું. મોગલ શાસકોના સમયમાં સમોસાં રાજવી ભોજનમાં સ્થાન ધરાવતાં હતાં. આજે તે દેશભરમાં કરોડોના મનપસંદ નાસ્તા કે વાનગી તરીકે જાણીતાં છે.

સવાલ એ થાય કે આ સમોસાં વળી આટલાં ઝાઝાં લોકપ્રિય કેમ? એ સૌને ખાવાં કેમ ગમે છે. ઘણાં કારણો છે. એક તો એ મોંમાં પાણી લાવી દે એવાં ચટાકેદાર હોય છે. બની ફટાફટ જાય છે, બસ એકવાર માવો તૈયાર અને તળો અને ખાવ. સમોસાં શાકાહારી અને માંસાહારી બેઉ પ્રકારનાં મળે એટલે કોઈ માણસ એવું ના હોઈ શકે જેના માટે એનો એક અથવા બીજો વિકલ્પ ના મળે. અને હા, સમોસાં મસાલેદાર, તીખાં અને ગળ્યાં પણ હોય એટલે જેમને સ્વાદનું વૈવિધ્ય જોઈએ છે એમને એની ચોઇસ મળી રહે છે. સમોસાં રોજિંદા ખાનપાન માટે અને વિશેષ પ્રસંગો માટે બને. બેઉના પ્રકાર અલગ હોઈ શકે. અને સમાન પણ. ટૂંકમાં, સમોસાં બારેમાસ.
જાણો છો સમોસાં કેટલાં પ્રકારનાં હોય છે?

સમોસાના 50 કરતાં પણ વધુ પ્રકારો તો ચોક્કસ છે. ભલું પૂછવું એનાથી વધુ પ્રકાર પણ હોય. આપણે ત્યાં શાકાહારી અને માંસાહારી બેઉ સમોસાં મળે છે. શાકાહાર તરફ વધુ ઢળેલા આપણા દેશમાં બેશક શાકાહારી સમોસાં વધુ લોકપ્રિય છે. વિદેશમાં અનેક દેશમાં માંસાહારી સમોસાં અનેક પ્રકારનાં મળે છે. વાત કરીએ આપણા પરંપરાગત અને સૌથી લોકપ્રિય સમોસાંની.
- આલુ સમોસાં: મસાલેદાર બટેટાં અને લીલા વટાણાના મિશ્રણવાળાં આ સમોસાં દેશભરમાં સૌથી લોકપ્રિય છે.
- મટર સમોસાં: મુખ્યત્વે લીલાં વટાણાના માવાથી ભરાયેલાં સમોસાં ઉત્તર ભારતમાં સૌથી વધુ પ્રખ્યાત છે.
- પંજાબી સમોસાં: મોટાં, મસાલેદાર હોવું એ આ સમોસાંની ખાસિયત છે. સૌથી પ્રચલિત સમોસાંનો એ એક પ્રકાર છે.
- બંગાળી સિંગારા: નાનકડાં, વધુ કરકરાં અને શિંગદાણા કે કોબીના મસાલાથી એ બને છે.
- હૈદરાબાદી લુખમી: ચોરસ આકારવાળાં અને કિમા એટલે માંસ ભરેલાં સમોસાં.
- રાજસ્થાની પ્યાજ સમોસા: તીખી ડુંગળીના મસાલા એની મુખ્ય સામગ્રી છે.
- ગોવાનીઝ ચમુસા: પોર્ટુગીઝ પ્રભાવવાળાં અને માછલી કે મટન ભરેલાં સમોસાં.
- ગુજરાતી લીલવા કચોરીનાં સમોસાંઃ એને આપણે ભલે સમોસાં ઓછું કહેતા હોઈએ પણ એ સમોસાંનો એક પ્રકાર ગણી શકાય. લીલી તુવેરનો માવો એની મુખ્ય સામગ્રી છે.
- ફ્યુઝન સમોસાં: બદલાતી ખાણીપીણી સાથે ચલણમાં આવેલાં સમોસાં. એમાં પનીર ભરપૂર હોય છે.
- ચોકલેટ સમોસાં: હા, આવાં સમોસાં પણ મળે છે બજારમાં. એને વધુ પસંદ કરે છે બાળકો.
- પિઝા સમોસાં: ચીઝ, ટમેટાં, સૉસ અને ઇટાલિયન ઓસડિયાં એટલે હર્બ્સ એમાં હોય છે.
- ચાઇનીઝ સમોસાં: નૂડલ્સ, સોયા સૉસ અને શાકપાનથી એ ભરેલાં હોય છે.
- બટર ચિકન સમોસાં: ઉત્તર ભારતનાં પ્રસિદ્ધ બટર અને ચિકન એની મુખ્ય સામગ્રી છે.

3. સમોસાં કયા કયા દેશોમાં મળે?
આગળ જણાવ્યું એમ, સમોસાં પર ભારતનો ઇજારો નથી. ઇન ફેક્ટ, એ આપણે ત્યાં વિદેશથી આવ્યાં હતાં. એટલે સ્વાભાવિક છે કે એની પહોંચ વૈશ્વિક છે. વળી ભારતીયો ગ્લોબલ પ્રજા એટલે સમોસાં એવા ઘણા દેશોમાં પહોંચ્યાં છે જ્યાં એ પહેલાં નહોતાં મળતાં.
વિશ્વભરમાં સમોસાનાં નામ:
- મધ્યપૂર્વ: સંબુસેક, જે હોય છે મટન કે ચીઝ ભરેલાં સમોસાં.
- આફ્રિકા: સંબુસા, જે કેન્યા અને સોમાલિયામાં પ્રખ્યાત છે.

- બ્રિટન અને અમેરિકા: ભારતીય રેસ્ટોરાંમાં ત્યાં ખાસ્સાં ખવાય છે. એમાં વલી ત્યાં શોપ્સમાં ફ્રોઝન સમોસાં પણ મળે છે.
- પોર્ટુગલ અને બ્રાઝિલ: ત્યાંનાં સમોસાં ઓળખાય છે ચમુસા તરીકે, એનો સ્વાદ આપણા ગોવાનાં સમોસાં જેવો હોય છે.
- કેનેડા અને ઓસ્ટ્રેલિયા: ભારતીય સુપરમાર્કેટ અને ફાસ્ટ ફૂડ રેસ્ટોરાંમાં મળતાં સમોસાં અમેરિકન જેવી તરેહનાં હોય છે.

વાત કરીએ સમોસાંના ભાવની. એ દરેક દેશમાં અલગ અલગ છે. ભારતમાં સમોસાં શેરીએ શેરીએ, રેસ્ટોરાંમાં, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ પર અને અન્યત્ર મળે છે. દરેક જગ્યાએ ભાવ અલગ અલગ હોય છે. રસ્તા પર ખાવ તો સમોસું રૂપિયા દસમાં પણ મળે. રેસ્ટોરાંમાં એનો ભાવ રૂ. 30-80 કે એનાથી વધુ પણ હોય. મોંઘી રેસ્ટોરાંમાં ભાવ રૂપિયા દોઢસો અને પાંચસો પણ હોઈ શકે છે.
વિદેશમાં સમોસાં એનાથી પણ મોંઘાં મળે છે. અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, દુબઈ, સિંગાપોર જેવા દેશોમાં સમોસાંનો ભાવ રૂપિયા સોથી રૂપિયા ચારસો વચ્ચે ગમે તે હોઈ શકે છે. મલેશિયા જેવા દેશમાં એ થોડા સસ્તાં મળે છે.

તો, સમોસાંની રોચક દુનિયા છે આ. એમાં લટાર મારીને મોંમાં પાણી આવ્યું હોય તો પહોંચી જાવ આસપાસના કોઇક સ્ટોલ પર કે રેસ્ટોરાંએ અને માણો સ્વાદ.