બબ્બે પૂરમાં નુકસાન ખમનારી આ સંસ્થા ખૂબ અનુસરણીય કામ કરી રહી છે. માંદા, વૃદ્ધ, અશક્ત પશુઓ માટે એ નિરાંતભરી છત્રછાયા છે
નોંધઃ અહીં જણાવેલી માહિતી, પશુઓની સંખ્યા, વાર્ષિક ખર્ચ તથા સંસ્થાની આર્થિક જરૂરિયાતો વગેરે બધું ઓગસ્ટ 2017 મુજબ છે. સંસ્થાની હાલની સ્થિતિ વિશે વાચકે સ્વયં જાણકારી મેળવી લેવી. આ લેખ પ્રસિદ્ધ કરવાનો એકમાત્ર ઉદ્દેશ સંસ્થાનાં તથા સમસ્ત મહાજનનાં સુકૃતથી વાચકોને પરિચિત કરાવવાનો છે.
૬૦ વીઘા જમીન સંસ્થાના પરિસરમાં છે. અહીં ૧૯૮૫માં એની સ્થાપના થઈ હતી. માત્ર દિયોદર નહીં પણ બનાસકાંઠા. જિલ્લા તથા તેની બહારની પાંજરાપોળો અને ગૌશાળાઓના સુખરૂપ સંચાલનની ચિંતા આ સંસ્થાના વડીલ સંચાલક જયંતીભાઈ દોશીને રહે છે. અમારી મુલાકાત વખતે તેમની બે વાતો પલકવારમાં હૈયાને સ્પર્શી જાય છે. એક તો તેઓ પૂર પછી બનાસકાંઠા જિલ્લાની પાંજરાપોળો, ગૌશાળાઓને થયેલા નુકસાનની રજેરજની માહિતી ધરાવતી યાદી અમને આપે છે. જયંતીભાઈ કહે છે, “સેવાના જે કામમાં નીકળ્યો છું એમાં આ યાદી મદદરૂપ થશે.” પછી તેઓ સમસ્ત મહાજનની અનુમોદના કરતાં કહે છે, “અમારા પર સંસ્થા અને ગિરીશભાઈના ચારેય હાથ છે. એમના જીવદયાલક્ષી સહકારને કારણે અમારે ઘણી રાહત રહે છે.”
જયંતીભાઈએ આ પાંજરાપોળનું સંચાલન સંભાળવાની શરૂઆત કરી હતી ત્યારે સ્થિતિ થોડી કપરી હતી. ડોક્ટરે તેમને સલાહ આપતાં જણાવ્યું હતું, “આવશે એમાંનાં મોટાભાગનાં પશુ માંદાં હશે. સાજાં કરવાં હશે તો પૌષ્ટિક આહાર ખવડાવજો અને ખૂબ કાળજી રાખજો.” જયંતીભાઈએ કર્મચારીઓ, ટ્રસ્ટીઓ અને સાથીઓની મદદથી બિલકુલ એવું કર્યું. સારાં ફળ એમ આવ્યાં છે કે હવે આ પાંજરાપોળમાં પશુઓના અકાળ મૂત્યુંનું પ્રમાણ ઘટ્યું છે.
પૂરમાં અહીં ખાસ્સું નુકસાન થયું છે. પાછળના ભાગમાં બંધાઈ રહેલી કમ્પાઉન્ડ વોલનો હિસ્સો જમીનદોસ્ત થઈ ગયો. બેએક લાખનો સંસ્થાનો માલસામાન નકામો થઈ ગયો. વરસાદના દિવસોમાં અહીં ૩૬ તો એના પછી ૬૨ પશુઓ મૃત્યુ પામ્યાં. કાદવે અહીં ખાસ્સી મુશ્કેલી ઊભી કરી છે. ઘણાં પશુઓ હજી માંદાં છે. પાણી ભરાયાં પછી એના નિકાલ માટે ઘણાં નડતર તોડવા પડ્યાં હતાં. જે ઘાસ વાવ્યું હતું એ બધું વહી ગયું. ખુલ્લામાં પડેલો પચાસેક હજારનો ચારો નકામો થઈ ગયો.
આફતોના ગંજ વચ્ચે હવે સંસ્થાએ પરિસ્થિતિ પૂર્વવત કરવાની છે. રોજનો પચાસેક હજાર રૂપિયાનો ખર્ચ અહીં અમસ્તો પણ આવે છે. એમાં હવે સમારકામ માટે, બધું થાળે પાડવા માટે ખાસ્સો ખર્ચ કરવાનો છે. સંસ્થાની એ વિશેની જરૂરિયાતો ઉપરાંત માંદાં, ઘાયલ પશુઓને લાવવા લઈ જવા માટે થતી તકલીફ નિવારવાની છે. એ માટે જરૂર છે પશુને ઊભું કરવા જોઈતી ઘોડીની.
૨૦૧૫ના પૂરમાં પણ આ સંસ્થાને આમ જ ખાસ્સું નુકસાન પહોંચ્યું હતું. એ વખતે માત્ર સેવાભાવી સંસ્થાઓ મદદે આવી હતી. સરકાર તરફથી કશું મળ્યું નહોતું. ત્યારે અહીં ૨૫૦ પશુઓનાં મોત થયાં હતાં. ચારાનું નુકસાન પણ થયું હતું.
જયંતીભાઈ જણાવે છે, “અમારી સંસ્થા મેઇન રોડથી અંદર અને રોડ લગોલગ જમીન હતી. થોડાં વરસ પહેલાં બાવીસ લાખ રૂપિયામાં લેવડાવી હતી.” એ વખતે ગિરીશભાઈએ જણાવ્યું હતું, “પાંચ લાખ બાનાના તમે આપો, બાકીના પૈસા સમરત મહાજને આપી દીધા.” આજે એ જમીન પણ સંસ્થાની છે અને પશુસેવા માટે બેહદ ઉપયોગી પુરવાર થઈ રહી છે. આ સંસ્થાને મદદરૂપ થવા માટે આપણે સૌએ બનતું બધું કરવું છે આપણી ફરજ છે.
ઊણપો/જરૂરિયાતો
1. ચારાની જરૂરિયાતને પહોંચી વળવા મદદ.
2. કમ્પાઉન્ડ વોલનો જે ભાગ પડી ગયો તેનું નવનિર્માણ.
3. કાદવાનો નિકાલ કરી જમીન સમતળ કરવા માટે જરૂરી સહાય.
4. માંદાં પશુઓને બેઠાં કરવા, ઊભાં કરવા માટે ઘોડી.
5. અત્યારે પૌષ્ટિક આહારની પશુઓને તાતી જરૂર છે એનો ઉકેલ.
સંસ્થાસંપર્ક
સરનામું: શ્રી દિયોદર ખોડાઢોર પાંજરાપોળ, મુકામ પોસ્ટ તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા – ૩૮૫૩૩୦, ગુજરાત
સંપર્ક: જયંતીભાઈ દોશી
મોબાઇલ: ૯૪૨૬૪ ୦૩૭૬૮, ૯૯૨૫૪ ૩૮୦૭૬
ઇમેઇલ: jbdoshi9@gmail.com
ચેક/ડ્રાફ્ટ મોકલવાનું નામ: શ્રી દિયોદર ખોડાઢોર પાંજરાપોળ
આવકવેરામાં મુક્તિની પાત્રતા: હા
કુલ અબોલ જીવો: ૧,૪૦૦
વાર્ષિક ખર્ચ: એક કરોડ ૮૦ લાખ રૂપિયા
બાંધકામનો ખર્ચ: પ૦ લાખ રૂપિયા
સંસ્થાને દાન આપવા કે કોઈ પણ રીતે મદદરૂપ થવા ઇચ્છનાર સમસ્ત મહજાનનો સંપર્ક પણ સાધી શકે છે
ઓગસ્ટ 2017માં ગુજરાત-રાજસ્થાનમાં અતિવૃષ્ટિ થઈ. તત્કાળ ધોરણે જીવદયાપ્રેમી સંસ્થા સમસ્ત મહાજન અને એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશભાઈ શાહના પ્રોત્સાહને બેઉ રાજ્યની ગૌશાળાઓ તથા પાંજરાપોળોની સ્થિતિ જાણવા સર્વેક્ષણ થયું. એ કાર્ય માંગરોળ મલ્ટીમીડિયાની ટીમે સંપન્ન કર્યું હતું. લેખક-પત્રકાર સંજય વિ. શાહે સર્વેક્ષણના આધારે, ગૌશાળા-પાંજરાપોળ પુનરુસ્થાન અભિયાન, પુસ્તક લખ્યું હતું. આ લેખ 2017માં પ્રસિદ્ધ એ પુસ્તકનો ભાગ છે.


