“શ્રીમદ્ભગવદ્ગીતા” ગ્રંથના સર્જક શ્રીકૃષ્ણ દ્વારા સરળ અને પૂર્ણ વૈજ્ઞાનિક રીતે અપાયેલું અદ્ભુત જ્ઞાન આજના આધુનિક યુગમાં પણ સૌથી વધુ ઉપયોગી અને માર્ગદર્શક બની રહ્યું છે. શ્રીકૃષ્ણનું નામ આવતા જ તેમની જોડે રહેલી ગાય, મસ્તકે શોભતું મોરપીંછ અને વાંસળી વગાડતા હોય તેવું મનોરમ્ય ચિત્ર માનસપટ પર અંકિત થયા વગર રહેતું નથી. આ ગાય, મો૨પીંછ, વાંસળી અને તેમને પ્યારી તુલસીના જ્ઞાન-વિજ્ઞાન આજના સમયને પણ કેટલા અનુરૂપ છે તે આપણે જોઈશું.
તુલસી અને શ્રીકૃષ્ણ:
વર્ષો પહેલાં મુંબઈમાં આજનું પ્રસિદ્ધ મ્યુઝિયમ મુંબઈના કોલાબા વિસ્તારમાં બંધાતું હતું ત્યારે કેટલાયે મજૂરો અને કારીગરો મચ્છરના કારણે બીમારીનો ભોગ બન્યા હતા. ત્યારે ત્યાંના અંગ્રેજી એન્જિનિયરને કોઈકે તુલસીના અસંખ્ય છોડ ઉગાડવાની સલાહ આપી હતી અને સૌના આશ્ચર્ય વચ્ચે મેલેરિયાનો ઉત્પાત મચાવતા મચ્છરોથી મજૂરોને છુટકારો મળ્યો હતો. શ્રીકૃષ્ણને પ્યારી આવી તુલસી માત્ર મચ્છર જ નહીં ચોમાસામાં સતાવતા શરદી, કફ, ઉધરસ અને તાવને પણ ભગાવી મૂકે છે. તુલસીમાં રહેલું ઉડયનશીલ તેલ વિષમ જવરનાશક અને ક્ષયનાશક છે. તે કૃમિનાશક અને જંતુધ્ન છે. તેથી જ ભગવાનને ધરાવતા ભોજન થાળમાં મુકાતી તુલસી દલનું ભોજન સાથે સેવન કરવાથી આહારમાં રહેલા વિષદ્રવ્યોનો નાશ થાય છે. આમ ખરા અર્થમાં જ તુલસી ખોરાકને શુદ્ધ અને પવિત્ર કરનારી છે. અનેક રોગોને દૂર કરનારી તુલસીનો છોડ આજુબાજુના વાતાવરણને પણ શુદ્ધ રાખે છે. આજે દેશવિદેશથી આવેલ છોડોથી શહેરી લોકો ઘર સજાવે છે પણ વાતવાતમાં ડોક્ટરો પાસે દોડી જતા આ લોકોને ત્યાં તુલસીનો એક છોડ જોવા મળતો નથી.
“જે ઘેર તુલસી ને ગાય તે ઘેર વૈદ્ય નવ જાય”
વાંસળી અને શ્રીકૃષ્ણઃ
શ્રીકૃષ્ણે વાંસળીના મીઠા સૂરથી અનેક ગોપીઓના મન હરી લીધા હતા. આવા મધુર સૂરને રેલાવતી વાંસળીનો અભ્યાસ આરોગ્યને વધારનારો છે. મોં વાટે હવાને ફૂંકીને વગાડતા આ સંગીતના વાદ્યથી ફેફસાઓ બળવાન અને વધુ કાર્યક્ષમ બને છે. આના કારણે લોહીમાં ઓક્સિજન વધુ સારા પ્રમાણમાં ભળી શકે છે અને આ શુદ્ધ થયેલું લોહી શરીરના દરેક અંગોમાં ફરી વળે છે. આમ વાંસળીના મીઠા સૂર ફક્ત મગજને જ નહીં પણ પૂરા શરીરને તાજગી આપે છે અને સ્વસ્થ પણ બનાવે છે. આ સાથે તે ફેફસાંને લગતા દમ જેવા અનેક રોગોને થતા અટકાવે છે. વાંસળી વગાડવાનો નિત્ય અભ્યાસ અને તેના મધુર સૂરો આપણા મન શરીર પર ખૂબ સુંદર અસર કરે છે.
મોરપીંછ અને શ્રીકૃષ્ણ:
મોર એ સર્વ વિદ્યાદાતા સરસ્વતી દેવીનું વાહન છે. સર્વવિદ્યાઓમાં પારંગત શ્રીકૃષ્ણનું આ મોર સૌથી વધુ પ્રિય પક્ષી છે. તેમણે મોરના પીંછાઓને પણ પોતાના મુગટમાં અનન્ય સ્થાન આપ્યું હતું. મોરનો સહવાસ કે મોરપિંછ મગજની ગ્રાહ્ય શક્તિને વધારનારા છે. મગજની શાંત અને એકાગ્રતા વધારનાર છે. તેથી ધ્યાન અથવા જપ કરતી વખતે આસન નીચે મોરપીંછ મૂકવાનું તંત્ર શાસ્ત્રોમાં જણાવ્યું છે. પુસ્તકની સાથે રાખવાથી આનો લાભ વિદ્યાર્થીઓ લઈ શકે છે. મો૨ સાપનો સખત દુશ્મન છે તેથી મોર કે મોરના પીંછા જે સ્થાને હોય ત્યાં સાપ આવતા નથી. યંત્ર અને મંત્રના લેખનમાં પણ મોરપીંછ ઉપયોગમાં લેવાય છે. માનસિક અને શારીરિક સ્થિતિને ખલેલ પાડતી નકારાત્મક ઊર્જાને દૂર કરવામાં અને હકારાત્મક ઉર્જાને આકર્ષવામાં મોરપીંછ અગત્યનો ભાગ ભજવે છે. તેથી કોઈ તંત્રક્રિયા કે નજર ચોટ ઉતારવા માટે જાણકાર લોકો મોરપીંછના ગુચ્છાને માથાથી પગ સુધી પૂરા શરીરે ફેરવે છે. તંત્ર શાસ્ત્રોમાં મો૨ અને મોરપીંછના અનેક પ્રયોગો દર્શાવેલા છે. આ ઉપરાંત મોરપીંછની ભસ્મ ઔષધિ તરીકે ખૂબ ઉપયોગી છે. આમ શ્રીકૃષ્ણને પ્રિય મોરપીંછ આરોગ્ય અને ખાસ કરી વિદ્યાપ્રાપ્તિ માટે ખૂબ જ ઉપયોગી છે.
મલખાંબ અને શ્રીકૃષ્ણ:
કુસ્તીને ભારતીય પરંપરા મુજબ મલખાંબ નામે ઓળખવામાં આવે છે. શ્રીકૃષ્ણને મલખાંબના અગ્રણી અને કુશલ યુદ્ધવીર માનવામાં આવે છે. કિશોર વયે જ શ્રીકૃષ્ણ આ યુદ્ધકળામાં નિષ્ણાત થઈ ગયા હશે તેથી તેઓ કંસ, ચાણૂર, મુષ્ટી જેવા શક્તિશાળી મલ્લોને મારી શક્યા હતા.
જર્મનીના સંશોધકો જણાવે છે કે મલખાંબથી ઓછા સમયમાં વધુમાં વધુ કસરત મળે છે. વિશિષ્ટ પ્રકારનો મસાજ શરીરને મળી રહે છે. શરીરની આંતરિક યંત્રણા સુધરી પ્રત્યેક કોષ જાગૃત બને છે. આટલું જ નહીં શારીરિક સમૃદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ વ્યક્તિ પોતાનો બૌદ્ધિક માનસિક અને આધ્યાત્મિક વિકાસ કરી શકે છે. આજે મોંઘાદાટ સાધનો અને દવાઓ વડે કસરત કરવાનો વાયરો વાયો છે છતાંય સંપૂર્ણ પરિણામ યોગ્ય રીતે મેળવી શકાતું નથી ત્યારે મલખાંબ કસરત કરી તમે શ્રીકૃષ્ણ જેવી ચપળતા, સાહસિકતા અને સ્થિતિસ્થાપકતા મેળવવાનો પ્રયત્ન કરશો તો જન્માષ્ટમીની ઉજવણી સાર્થક ગણાશે.
ગાય એટલે તારણહાર:
ધરતીકંપ, પ્રદૂષણ, દુકાળ, પૂર-હોનારતો, પેટ્રોલ ડીઝલનો ભાવવધારો વગેરે વિશે અનેક લોકો પોતપોતાની રીતે ચિંતા વ્યક્ત કરે છે અને છેલ્લે સમગ્ર દોષનો ટોપલો સરકાર પર ઢોળી દઈ છૂટા પડે છે. પણ જો કહેવામાં આવે કે ગાયની સેવા અને સંવર્ધન કરવા માત્રથી ઉપરોક્ત સમસ્યામાંથી મોટાભાગની સમસ્યાઓ ઉકેલાઈ જાય તો આ વાત માનવામાં આવે છે ખરી? નહીં ને. છતાં આ વાત સત્ય છે. દિલ્હી ખાતેના ફિઝિક્સ અને એસ્ટ્રોફિઝિક્સના પ્રખ્યાત પ્રોફેસર ડો. એમ. એમ. બજાજે એક પરિષદમાં જણાવ્યું હતું કે ગાયોની નિર્દયી કતલથી તે વખતે ઉત્પન્ન થતાં ભાંભરવાના અવાજથી ઇન્ફ્રા સોનિક કિરણો પૃથ્વી પર પ્રચંડ દબાણ ઉત્પન્ન કરે તેટલા પ્રબળ હોય છે તેના કારણે ધરતીકંપ થવાની ખૂબ જ શક્યતા વધી જાય છે. લંડનમાં પ્રકાશિત થયેલ પુસ્તક “ધ ન્યુ ટ્રેઝરી ઓફ સાયન્સ” (સંપાદક – સી. પી. સ્નો)માં જણાવ્યું છે કે પૃથ્વી પર ચારેકોર હવાનું દબાણ હોય છે. જેને એટમોસ્ફિયરિક પ્રેશર કહેવાય છે. અવાજના મોજાં જ્યારે આ હવામાંથી પસાર થાય ત્યારે એની તાકાત પ્રમાણે પૃથ્વી પરના હવાના દબાણમાં વધારો-ઘટાડો નોંધાય છે જે અનેક કુદરતી આફતો માટે નિમિત્ત બને છે.
નિર્દયી રીતે જ્યારે ગાયના ગળા પર કરવત ફરતી હોય ત્યારે એમાંથી નીકળતી ચીસોના મોજાંથી પૃથ્વી ત્રસ્ત બને છે અને અનેક કુદરતી આફતોના પ્રકોપ થવાની શક્યતા વધી જાય છે. વેદ-ઉપનિષદોમાં ગાયોની હત્યાને મહાપાપ કેમ કહ્યું હશે તે હવે સમજાય છે.
ગાય અને આરોગ્ય:
આરોગ્યની પ્રાપ્તિ માટે એક ઔષધીરૂપે ગાયના દૂધ, દહીં, ઘી, છાણ અને મૂત્ર અકસીર છે. ચોમાસામાં ભેંસનું દૂધ પચવામાં ભારે હોય છે. જ્યારે ગાયનું દૂધ સહેલાઈથી પચી જાય છે. ભેંસની સરખામણીએ ગાય વધુ સ્ફુર્તિવાળી અને ચપળ હોય છે. “અન્ન એવા ઓડકાર”’ને ન્યાયે ગાયના દૂધથી સ્ફૂર્તિ આવે છે જ્યારે ભેંસના દૂધથી જડતાપણું અને શિથિલતા શરીરમાં આવે છે. ગાયનું ઘી આયુર્વેદમાં અકસીર ઔષધી તરીકે છૂટથી વપરાય છે. શરીર જ નહીં વાતાવરણની શુદ્ધિ માટે પણ ગાયનું ઘી ઉત્તમ છે. યજ્ઞમાં જ્યારે ચોખાની જોડે ગાયનું ઘી મિશ્ર કરી આહુતિ આપવામાં આવે છે ત્યારે એસીટીલીન નામનો વાયુ ઉત્પન્ન થાય છે જે પ્રદૂષિત વાયુને પોતાની તરફ ખેંચી શુદ્ધ બનાવે છે. આની સાથે બીજા ચાર વાયુ ઇથીલીન ઓક્સાઇડ, પ્રોપીલીન ઓક્સાઇડ, ફોર્મલ ડીહાઇડ અને બીટા-પ્રોપિયો લેરયેન ઉત્પન્ન થાય છે જે તન અને મનની વ્યાધિઓને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે.
ગાયનું ગોબર:
કેટલાક ગૌહત્યાની તરફેણ કરનારા લોકો કહે છે કે દૂધ આપતી ન હોય એવી ગાયોની કતલ કરવામાં વાંધો ન હોય તે લોકોને જણાવવાનું કે ગાય જીવન પર્યંત છાણ-મૂત્રના રૂપમાં આપણને ઉપયોગી ઔષધી, બળતણ અને ખાતર આપે છે. ગાયના છાણ જેવું ઉત્તમ ખાતર બીજું મળવું મુશ્કેલ છે. ઈટાલીના ડો. બિગ્રેડ જણાવે છે કે ગાયના તાજા છાણની વાસ માત્રથી તાવ અને મલેરિયાના રોગાણુઓ દૂર ભાગે છે. સૂર્યના પ્રખર કિરણો પૃથ્વી પર પડતાં હોય ત્યારે કેટલાંક હાનિકારક કિરણો પણ શરીર પર પડતાં હોય છે. રશિયાના વૈજ્ઞાનિકોના મતાનુસાર ગાયના છાણથી લીપીને બનાવેલ ઘરની છત-દીવાલ કે ફર્સ આવા હાનિકારક કિરણોને પ્રવેશતાં રોકે છે. ગાયના છાણને સુકાવીને બનાવવામાં આવતાં ટુકડાઓને બાળવાથી ઉત્પન્ન થતો વાયુ ઔષધી તત્ત્વથી ભરપૂર હોય છે જે રોગના જંતુઓનો નાશ કરી શકે છે.
ગાયનું ગોબર બળતણ તરીકે વાપરી દુનિયાની વધતી જતી ઊર્જાની માંગને પહોંચી વળાય તેમ છે. જયપુરથી થોડે દૂર આવેલા ગૌસેવા સંઘના આશ્રમમાં ગોબર સ્નાન કરાવી અનેક વ્યાધિઓ પર રામબાણ ઇલાજ કરવામાં આવે છે એટલું જ નહીં વધેલા ગોબરના કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાના પ્લાન્ટ પણ કાર્યરત છે. છાણની માફક ગૌમૂત્રમાંથી પણ વીજળી ઉત્પન્ન કરી શકાય છે. છારોડી ગુરુકુળમાં યોજાયેલ આયુર્વેદના પ્રદર્શનમાં ગુરુકુળના એક સ્વામીએ ગાયના મૂત્રથી ઘડિયાળ ચલાવી બતાવી હતી. ગૌમૂત્રનું સેવન અને માલિશ કરવાથી મનુષ્ય લાંબા સમય સુધી નિરોગી રહી શકે છે.
અર્થતંત્ર અને ગાય:
ગાય બળદને જન્મ આપે છે. ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં બળદ આજે પણ સૌથી સોંઘું, પ્રદૂષણરહિત ઉપયોગી સાધન છે. માત્ર ખેતીવાડી જ નહીં, માલ-સામાનની હેરફેરમાં વપરાતા બળદગાડાં હજુ પણ ગામડાંમાં એટલા જ ઉપયોગી છે. મોંઘા ભાત આપીને તમે પેટ્રોલ-ડિઝલની સાથે પ્રદૂષણ ફ્રીમાં ખરીદો છો. ત્યારે બળદથી થતી ખેતી ટ્રેક્ટરની જેમ ધુમાડો કાઢવાને બદલે ઉપયોગી ખાતર પણ ભેટમાં આપે છે.
સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એગ્રિકલ્ચર એન્જિનિયરિંગ, ભોપાલ ખાતેના ભૂતપૂર્વ ડાયરેક્ટરના સંશોધન અનુસાર જમીનમાં ટ્રેક્ટર દ્વારા ખેતી કરવાને બદલે બળદ-હળથી ખેતી થાય તો પૂરા ભારત દેશનું વર્ષે ૧.૨૦ કરોડ ટન ડિઝલ બચાવી શકાય છે. જેનાથી ૧૬,૫૦૦ કરોડ રૂપિયા જેટલું હુંડિયામણ બચી શકે છે. દેશના કુલ ટ્રેક્ટરોના ૨૫ ટકા ટ્રેક્ટરો પંજાબના ખેડૂતો પાસે છે. જોકે બળદને બદલે ટ્રેક્ટર વાપરવાથી પંજાબના ખેડૂતો સુખી નથી. લુધિયાણા કૃષિ યુનિવર્સિટીના એક અભ્યાસ પ્રમાણે પંજાબમાં ખેડૂતોની આત્મહત્યા વધવાનું એક કારણ ટ્રેક્ટરો પણ છે. ઘણાય નાના ખેડૂતો ટ્રેક્ટર લોન પર લઈ પછી હપ્તાઓ ભરી નથી શકતા અને આત્મહત્યા કરવા પ્રેરાય છે. ખેતીવાડી અને ટ્રાન્સપોર્ટેશન માટે બળદોનો ઉપયોગ થાય તો પેટ્રોલ અને ડિઝલના ખર્ચા તો બચે છે ઉપરાંત બળતણ તરીકે છાણના ઉપયોગથી ૫૦ લાખ ટન જેટલા બળતણના લાકડા વર્ષે દહાડે બચાવી શકાય છે. આમ ગાય બળદને મારીને કમાણી કરવા કરતાં જીવાડવામાં વધુ ફાયદો છે. વર્ષે દહાડે કરોડો રૂપિયાનું ડિઝલ હવામાં બળે ત્યારે વાયુ પ્રદુષણ પણ થાય છે, જે કેન્સર, હાર્ટએટેક જેવી ગંભીર બીમારીઓને નોતરી શકે છે.
ગાય અને સમૃદ્ધિ:
એક જમાનામાં દૂધ ઘીની નદીઓ વહેતી હતી તેવા ભારતમાં આજે બેફામ રીતે ગાયોની કતલ થઈ રહી છે. તો આજે આપણા દેશની હાલત શું છે તે આપણે જાણીએ છીએ કે ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી સામાન્ય માણસની સુખ શાંતિ છીનવાઈ ગઈ છે. બીજું આતંકવાદથી દેશ ચારેકોરથી ઘેરાઈ ગયો છે અને ધરતીકંપ કે પૂર જેવા કુદરતી પ્રકોપનો વારંવાર લોકોને સામનો કરવો પડે છે. તો બીજી બાજુ જે દેશમાં ગાયની સેવા અને સંપૂર્ણ સંવર્ધન થાય છે એ ડેન્માર્કની સ્થિતિ કેવી છે તે જાણવા જેવી છે. યુનેસ્કો, સી. આઈ. એ. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સંદર્ભ સાથે એક મોજણી કરવામાં આવી જેમાં દુનિયાના ૧૭૮ દેશોમાંથી સૌથી વધુ સુખી દેશ કોણ છે તેનો સર્વે કરવામાં આવ્યો. આ સર્વેક્ષણમાં આરોગ્ય, સુખ-સંતોષ જેવા મુદ્દાઓ મુખ્ય લેવામાં આવ્યા હતા. આમાં સૌ પ્રથમ સ્થાન ડેન્માર્કને મળ્યું છે. જ્યારે ગાય સાથે અવળચંડાઈ કરતું ભારત ૧૨૫માં સ્થાને આવ્યું છે. ધર્મની ખાતર જ નહીં પણ આપણા સુખ-શાંતિ ખાતર પણ ગાયની હાય લેવા જેવી નથી! ગાય દૂઝણી હોય કે વસૂકી ગયેલી, નર હોય કે માદા, સર્વ રૂપમાં પૂજનીય છે.
જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર મુકેશ પંડ્યાના પુસ્તક ‘ધર્મ ભી કભી વિજ્ઞાન થા, હૈ ઓર રહેગા’માંથી સાભાર. દરેક ગુજરાતીએ વસાવવા જેવું આ પુસ્તક છે. ધર્મ અને વિજ્ઞાનના પ્રગાઢ સંબંધોને સચોટ રીતે ઉજાગર કરતી બાબતોનો એ રસથાળ છે.


