સુપરસ્ટાર, સુપર ડિરેક્ટર સાથે સુપર પ્રોડ્યુસર છતાં સિકંદર સાધારણ સ્તરથી ઉપર ઊઠી શકી નથી. ખર્ચાળ હોવા છતાં ફિલ્મ અનેક મોરચે કંગાળ અને કંટાળાજનક છે
સુપરસ્ટારડમ અને સુપર અનુભવ પછી કલાકાર કેમ ના સમજી શકે કે એક સારી ફિલ્મ કેવી રીતે બની શકે? સલમાન ખાન કારકિર્દીના એ મુકામે છે જ્યાં એ જેના પર હાથ મૂકે એ સોનું બની શકે. છતાં, અને એ. આર. મુરુગાદોસ જેવા કાબેલ દિગ્દર્શકના હાથમાં સુકાન છતાં, કેવી રીતે સિકંદર જેવી ફિલ્મ બની શકે? સાજિદ નડિયાદવાલા નિર્માતા તરીકે ઓછા બાહોશ નથી. છતાં, એમના નિર્માણમાં કેવી રીતે આવી ફિલ્મ બની જાય?

2017માં આવેલી સફળ એક થા ટાઇગર પછી, સિકંદર, સલમાનની વધુ એક સામાન્ય ફિલ્મ છે. મૂળ સમસ્યા કથા-પટકથા (મુરગાદોસની) છે. રાજકોટના રાજવી પરિવારના વારસ સંજય રાજકોટ (સલમાન ખાન)ને શહેરીજનો ભગવાનની જેમ પૂજે છે. એ રાજાસા’બ પણ કહેવાય છે અને સિકંદર પણ. પત્ની સાંઈશ્રી (રશ્મિકા મંદાના) સાથે એનું જીવન મજાનું છે. એક વિમાનપ્રવાસમાં સંજય, અર્જુન (પ્રતીક બબ્બર)ની ધોલાઈ કરે છે. કારણ ફ્લાઇટમાં મોનિકા (નેહા ઐયર) નામની ભૂતપૂર્વ બ્લ્યુ ફિલ્મની અભિનેત્રી સાથે અર્જુન અણછાજતી હરકત કરે છે. એ કિસ્સાને લીધે મહારાષ્ટ્રનો મિનિસ્ટર, પ્રધાન (સત્યરાજ), દીકરા અર્જુનની પીટાઈ માટે સંજયને જેર કરવા ભુરાયો થાય છે.
આગળ, પ્રધાન પ્રેરિત ખાણમાં થતા બ્લાસ્ટમાં ઘાયલ થઈને ગર્ભવતી સાંઈશ્રી અવસાન પામે છે. એની ઇચ્છા મુજબ એના શરીરનાં અંગ, હૃદય, આંખો અને ફેંફસાંનું દાન કરાય છે. એનાથી મુંબઈમાં ત્રણ વ્યક્તિને નવજીવન મળે છે. એ છે ધારાવીનો નાનકો છોકરો કમરુદ્દીન (અયાન ખાન), યુવતી નિશા (અંજની ધવન) અને ગૃહિણી વૈદેહી (કાજલ અગ્રવાલ). સંજય મૃત પત્નીનાં અંગો મેળવનારી વ્યક્તિઓને મળીને દિલાસો ઝંખતો મુંબઈ આવે છે. વળી એનો પનારો પ્રધાન સાથે પડે છે. એમાં સંજય વાંહે પડેલો અર્જુન અકસ્માતે મૃત્યુ પામે છે. હવે પ્રધાન સાંઈશ્રીનાં અંગો મેળવનારી ત્રિપુટીને મારીને દીકરાની મોતનો બદલો લેવા છટપટે છે. આ ખેંચતાણમાં કોણ સવાયું એ દર્શાવતાં કથા ક્યાં પહોંચે છે અને ક્યાં અટકે છે, એ છે સિકંદરનો સાર.

ઘણી ફિલ્મો અસંખ્ય પ્રશ્નો ઊભા કરીને પણ, અસ્વાભાવિક કથાપ્રવાહ સાથે સાંગોપાંગ ચાલી જતી હોય છે. ફિલ્મોમાં લાર્જર ધેન લાઇફ બાબતો માફ હોય છે. સિકંદરમાં જોકે મગજ બહાર મૂકીને ગયા પછી પણ બાઘા થઈ જવાય છે. મગજ નહીં ચલાવવાનો રોમાંચક, ફાયદો થતો નથી એનો વસવસો પણ થાય છે. મુંબઈ અને હૈદરાબાદમાં શૂટ થયેલી ફિલ્મની મુશ્કેલી ઘણી છે. પહેલી છે કથા-પટકથા. દેશનું પચીસ ટકા સોનું જેની પાસે છે એવા સંજયની ઘણી હરકતો આવા ધનપતિના પાત્ર સાથે મેળ ખાતી નથી. ગજિનીમાં મુરગાદોસે આમિર ખાનને ધનકુબેર સંજયનું પાત્ર આપ્યું હતું. એ ફિલ્મની પટકથા દમદાર હતી. એમાંનો સંજય જે કરતો હતો એ, લાર્જર ધેન લાઇફ છતાં, સ્વીકાર્ય થયું હતું.
સિકંદર રાજકોટ-મુંબઈ ટ્રેનમાં આવજા શાનો કરે છે? એ પણ જનરલ ડબ્બામાં? એનો એક સંવાદ સાંભળીને વૈદેહીના સસરાનું હૃદય પરિવર્તન, જે એ પહેલાં થતું જ નહોતું, શાને થઈ જાય છે? મિનિસ્ટર પ્રધાન એવો કેવો કે એને ખબર જ નથી કે સંજય રાજકોટ રેંજીપેંજી નથી? જ્યારે કે ફિલ્મના જ એક દ્રશ્યમાં ઇન્ટરનેટ પર જઈને આખું મુંબઈ એ જાણી લે છે કે હૂ ઇઝ હી? અને એ પહેલાં, દિવસોના દિવસો આ સંજય, આમ આદમીની જેમ મુંબઈ ઘમરોળે છતાં, કોઈ કેમ એને ઓળખી શકતું નથી? એ શાને કાળી-પીળી ટેક્સીમાં ફરફર કરે છે? પ્રશ્નોનો રીતસર વરસાદ છે. એમાં ભીંજાઈને તરબોળ નથી થવાતું. હા, સિકંદરથી ફઠાફટ કટ ઓફ્ફ જરૂર થઈ જવાય છે. એનીવે.
ટેક્નિકલી પણ કોઈ ખાસ વાત અહીં બનતી નથી. સિનેમેટોગ્રાફી, એડિટિંગ, ઇવન એક્શન સિક્વન્સ પણ ગ્રેટ નથી. બેશક, સ્લો મોશન, ટ્રિક્સ અને સલમાન માટેના દર્શકોના અહોભાવને કારણે એક્શન સિક્વન્સીસ પાસેબલ થઈ જાય છે. સંગીત નબળું છે. પ્રીતમે સર્જેલાં ગીતો બિનજરૂરી છે. દસ-પંદર વરસ પહેલાં આવું થાત તો માફ હતું. હવે ક્યા દર્શકો આ રીતે ગીતોનો વઘાર માણી શકે છે? સંવાદો (રજત અરોરા, હુસેન દલાલ, અબ્બાસ દલાલ)માં ભલીવાર નથી. ફિલ્મ પત્યે મોઢે ચઢી જાય એવો એક સંવાદ લેખકત્રિપુટી લખી શકી નથી. 135 મિનિટ સુધી વહેવા છતાં, દમદાર થવાના પ્રયાસ છતાં, સિકંદર છેવટે એટલું જ કહે છેઃ સલમાન ખાનના ચાહક હોવ તો તમારું સ્વાગત છે કારણ તમે જેમ છે એમ ભાઈની ફિલ્મને આવકારી લેશો.

અભિનયના મોરચે અહો ખિન્નતા છે. સલમાનની જાદુઈ પ્રેઝન્સ એક વાત છે. એમાંથી છલકાતો પાત્રોચિત નશો, ખુમાર બીજી વાત છે. સિકંદરમાં સંજય તરીકે એ ખુમાર, એ નશો સલમાન સર્જી શક્યો નથી. રશ્મિકાની હાજરી માત્ર એના વર્તમાન સ્ટારડમને લીધે વર્તાય છે. અન્યથા, આ પાત્ર કોઈ ટોપ સ્ટારનું નથી. શરમન જોશી, કાજલ અગ્રવાલ, પ્રતીક બબ્બર, સંજય કપૂર જેવાં કલાકારોએ પણ શાને જે તે પાત્ર સ્વીકાર્યું હશે એ સમજાય એવી વાત નથી. માત્ર બાળકલાકાર અયાન ખાન અને ટેક્સી ડ્રાઇવર તરીકે જતીન સરના કંઈક અંશે ધ્યાન ખેંચે છે.
અત્યંત ખર્ચાળ અને સલમાન જેવા દેશના એક સૌથી લોકપ્રિય સુપરસ્ટારની હાજરી છતાં, સિકંદર, ઇન શોર્ટ, નબળું મુકદ્દર ધરાવે છે. એ ફરી અંદેશો આપે છે કે સલમાને લોકપ્રિયતા અને ખાસ તો, દર્શકોના ભરોસાને જીવી જવા હવે પડદે એવાં પાત્રો જીવવા કે જીરવવાની જરૂર નથી જે હતોત્સાહ કરે. શાહરુખે બબ્બે ફિલ્મોથી પોતાની સ્ક્રીન પ્રેઝન્સ સફળતાપૂર્વક રિઇન્વેન્ટ કરી છે. આમિરે એક મોટી નિષ્ફળતા પછી રીતસર બ્રેક લઈ લીધો છે. અક્ષય પણ સંક્રમણકાળમાંથી પસાર થઈ રહ્યો છે. એવામાં સલમાને સાત-આઠ વરસના સફળ ફિલ્મના દુકાળ પછી સિકંદર ટાઇપ્સ વિષયોથી અલગ વિશ્વ ખેડવું પડશે એ નક્કી છે. કારણ દર્શકો ઇચ્છે છે કે ખાન ત્રિપુટી, અક્ષય જેવા બેન્કેબલ સિતારા હજી લાંબી ઇનિંગ્સ ખેલે.
સિકંદર થિયેટરમાં નહીં જોશો તો ફાયદો એ થશે કે મનમાં રમતી સલમાનની સુપર ઇમેજ અકબંધ રહેશે. જોશો તો ધરવ એ થશે કે ગમેતેમ તોય સલમાનની ફિલ્મને થિયેટરમાં જોવાનું મિસ નહીં કર્યું. ચોઇસ તમારી છે. કરી લો.
રેટિંગઃ બે સ્ટાર્સ
સિકંદર
બેનર્સઃ નડિયાદવાલા ગ્રાન્ડસન અને સલમાન ખાન ફિલ્મ્સ
નિર્માતાઃ સાજિદ નડિયાવાલા
દિગ્દર્શકઃ એ. આર. મુરગાદોસ
કલાકારઃ સલમાન ખાન, રશ્મિકા મંદાના, શરમન જોશી, પ્રતીક બબ્બર, કાજલ અગ્રવાલ, સંજય કપૂર, સત્યરાજ, અયાન ખાન, જતીન સરના, ધન્યા બાલકૃષ્ણ

