બાપા, સમય હરણફાળ ભરતી ટેક્નોલોજીનો છે. સ્માર્ટફોન, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા… જીવનનાં અભિન્ન અંગ છે. કે એ જ હવે જીવન છે? દિવસની શરૂઆત થઈ કે ટેક્નોલોજી શરૂ. રાત્રે સૂઈએ ત્યાં સુધી ટેક્નોલોજી માથે સવાર. કેટલીવાર મોબાઇલ હાથમાં લીધો, કોને ખબર. સવારની પહોરમાં ભગવાનનું નામ જપાતું . પણ સવાર પડી, હજી આંખ ખૂલી ત્યાં ફોનદર્શન થાય જ થાય. જોવું તો પડેને કે રાતથી હમણાં સુધીનું ચિત્ર. ખબર તો પડે કયાં સગલા-સગલીએ મેસેજ કર્યા.


આપણામાંથી મોટાભાગનાને આ આદત હશે. સમાચાર ઠીક, એ સોશિયલ પ્લેટફોર્મ્સ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, વોટ્સએપ… આપણી જિંદગીમાં એવા પેસી ગયાં છે કે… જવા દો. સમય મળ્યે કે નહીં મળ્યે પણ આપણે એમની તરફ વળીએ છે. એના વગર જીવવું મુશ્કેલ લાગે છે. એકવાર પ્રેયસી કે પત્ની કે પતિ સાથે બે ઘડી ના બોલો તો ચાલે પણ જો ફોન અને સોશિયલ મીડિયા વગર? હોતું હશે? એમાં તો દુનિયા લુંટાઈ જાય. ઘણાંને તો ભઈસા’બ એવું વળગણ કે શૌચાલયમાંય પણ ફોન ભેગો. ત્યાં કુદરતી વિધિ કરતા કરતા પણ લાઇક્સ અને ઇમોજીને વળગવું છે. હદ છે ખરેખર…
ક્યારેય વિચાર્યું છે કે આ બધાંની આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર કેવી અસર પડી રહી છે?
સોશિયલ મીડિયા એ આપણા જીવનમાં એવી રીતે ઘુસી ગયું છે કે આપણે એના વગર રહેવાની કલ્પના પણ કરી શકતા નથી. પરંતુ, શું આપણે જાણીએ છીએ કે આપણે જે સતત સ્ક્રોલ કરીએ છીએ તેમાંથી મોટાભાગની માહિતી આપણા માટે ઉપયોગી નથી? ફેસબુક પરની પોસ્ટ્સ, ઇન્સ્ટાગ્રામ પરની સ્ટોરીઝ અને ટ્વિટર પરની ટ્રેન્ડ્સ એ આપણા મગજને સતત વ્યસ્ત રાખે છે. આપણે બીજાઓની જિંદગી જોઈને એવું લાગે છે કે બધાની જિંદગી આદર્શ છે, જ્યારે આપણી જિંદગીમાં કંઈક ખોટું છે. જ્યારે આપણે બીજાઓની જિંદગી જોઈએ છીએ, ત્યારે આપણે એમની જિંદગીની ફક્ત ચમકતી છબી જોઈએ છીએ. એમની મુશ્કેલીઓ, સંઘર્ષ અને પરેશાનીઓ આપણે જોઈ શકતા નથી. આથી, આપણે એવું માની લઈએ છીએ કે બધાની જિંદગી આપણા કરતા વધુ સારી છે, જે આપણા આત્મવિશ્વાસને ઘટાડે છે અને આપણને હતાશ બનાવે છે. આ ભ્રમ આપણા મન પર ગહન અસર કરે છે અને આપણે તણાવ, ચિંતા અને હતાશા જેવી સમસ્યાઓથી ઘેરાઈ જઈએ છીએ. સતત સોશિયલ મીડિયા ઉપયોગ કરવાથી આપણું માનસિક સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે. સ્ટડીઝ દર્શાવે છે કે સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ ડિપ્રેશન, એંઝાયટી અને નિંદ્રાની સમસ્યાઓને જન્મ આપે છે.

સતત ફોન ચલાવવાથી આંખો પર દબાણ પડે છે, જેનાથી આંખોમાં થાક, ડ્રાયનેસ અને ધુંધળાશ જેવી સમસ્યાઓ થાય છે. વધુમાં, ફોનનો વધુ પડતો ઉપયોગ આપણી શારીરિક પ્રવૃત્તિઓને ઘટાડે છે, જેનાથી મોટેભાગે આપણે સ્થૂળતા અને અન્ય શારીરિક સમસ્યાઓથી પીડાઈએ છીએ. તમે જેટલા તમારા ફોન પર આદી બનશો, તેટલા તમે ડિપ્રેશન અને એંઝાયટીની શિકાર બનશો, અને તેટલા જ તમે કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અને રાત્રે ઊંઘવામાં અસમર્થ બનશો. એક સર્વે અનુસાર 2024 સુધીમાં, વિશ્વભરમાં લગભગ 4.88 અબજ સ્માર્ટફોન વપરાશકર્તાઓ છે, જે વિશ્વની કુલ વસ્તીના લગભગ 60.42% છે. વિશ્વભરમાં ઉપયોગમાં લેવાતા સ્માર્ટફોનની સંખ્યા લગભગ 7.21 અબજ છે. ચીન 974.6 મિલિયન વપરાશકર્તાઓ સાથે વૈશ્વિક સ્માર્ટફોન માલિકીમાં અગ્રણી છે.
એમાંય સોશિયલ મીડિયા પર છવાયેલા રહેવાની કવાયત પણ બહુ લાંબી છે, કયાંક ફરવા જાવ તો આજની યુવા પેઢી ફોટો પોતાના સંભારણા માટે નહીં, પરંતુ પોતાની સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટેની બેન્ક ઊભી કરવા જ જાણે ઠકાઠક ફોટો ખેંચે છે. અલગ અલગ અંદાજે, જયાં સારી જગ્યા મળે ત્યાં મંડી પડે ફોટો ખેંચવા અને રીલ બનાવવા. હાલ જ દિલ્હી જવાનું થયું ત્યારે સપરિવાર ફ્રેબુઆરીમાં જ ખુલતા રાષ્ટ્રપતિભવનના મુઘલ ગાર્ડનમાં જવાનું થયું. અહીં આવ્યા બાગ ઘણાના મુખે સાંભળ્વા મળ્યું કે, અરે યાર અહીં તો હજી મોટાભાગના સેકશન ઓપનિંગ સૂન છે. ફેરો ફોગટ ગયો. ફોટો ખેંચવા હતા યાર. ચહેરા પર ફૂલો ન જોવો મળ્યા અને વસવસો નહોતો. પણ ફોટો કાઢી ન શકયા એનો હતો. એમાંય સોશિયલ મીડિયા પર વળી ટેગ કર્યું હતું કે આઈ એમ એટ મુઘલ ગાર્ડન, રાષ્ટ્રપતિભવન. લો થઈ ગઈ. હવે પેલા આર્ટિફિશયલ ફ્રેન્ડની સામે પચકો થઈ ગયો. વાત હતી સારા ફોટો કાઢી લોકોને દેખાડો કરવાની. વાહવાહી અને લાઇક મેળવવાની. આ તો થઈ એક વાત પણ આજે આવું દરેક જગ્યાએ જોવા મળે છે, ફરવા જાવ ત્યાં શું ફરવા જેવું છે એના કરતા કયાં ફોટો સારા આવશે એ મહત્વનું બની ગયું છે. કમ ટુ ધ પોઇન્ટ વાત કરીએ આ લતથી નિજાત કેવી રીતે પામવી, વાત કરીએ એના વિશે. આ માટે કરો સોશિયલ મીડિયી ડિટોક્સ. હવે એમ વિચાર આવશે કે આ સોશિયલ મીડિયા ડિટોક્સ એટલે વળી શું તો જાણીએ કે આ ડિટોક્સ છે સોશિયલ મીડિયાની લાગેલી લતથી છૂટકારો પામવાનો. અને થોડો સમય દૂર રહેવું, તે આજના સમયમાં કેટલું જરૂરી છે તે આ લેખમાં જોઈશું.

દિવસમાં થોડા સમય માટે પણ ફોનથી દૂર રહીને આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને સુધારી શકીએ છીએ. સોશિયલ મીડિયા ડિટોક્સ કરવાથી આપણે આપણી જાતને વધુ સમજી શકીએ છીએ અને આપણી જિંદગીમાં શું મહત્વનું છે તે જાણી શકીએ છીએ.
સોશિયલ મીડિયા વપરાશકર્તા ડેટા
ફેસબુક: ઓક્ટોબર 2024 સુધીમાં, ફેસબુકનો ભારતમાં સૌથી મોટો માર્કેટ શેર હતો, જે લગભગ 64% હતો. 2019થી તે ભારતમાં ટોચનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રહ્યું છે.
વ્હોટ્સએપ: વ્હોટ્સએપના ભારતમાં 50 કરોડથી વધુ વપરાશકર્તાઓ છે.
યુટ્યુબ: યુટ્યુબ ભારતમાં ટોચનું વિડિયો કન્ટેન્ટ પ્લેટફોર્મ છે. 2010માં ઇન્ડિયન પ્રીમિયર લીગ યુટ્યુબ પર સ્ટ્રીમ થવાની શરૂઆત થયા પછી તેની લોકપ્રિયતા વધી છે.
ઇન્સ્ટાગ્રામ: ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં પણ ભારતીયો આગળ છે. કોવિડ-19ના સમયગાળામાં આ પ્લેટફોર્મ પર રીલ બનાવી પૈસા કમાનારા અને ઇન્ફ્લયુએન્જર સેલિબ્રિટી બની બેઠેલાઓનો પણ રાફડો ફાટયો છે. કન્ટેન્ટ ક્રિએટરો માટે આ ભારતમાં બીજું સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે.

સોશિયલ મીડિયા ડિટોક્સ કેવી રીતે કરવો?
સમય નક્કી કરો: દરરોજ થોડા સમય માટે ફોનથી દૂર રહેવાનો નિયમ બનાવો. ઉદાહરણ તરીકે, રાત્રે સૂવાના એક કલાક પહેલા ફોનને એક તરફ રાખીને સૂઈ જાવ. અથવા તો દિવસમાં નક્કી કરો કે આ સમયે આટલાથી આટલા સમય હું ફોનને હાથ નહીં લગાડું. મુશ્કેલ છે. પણ કરશો તો ધીરેધીરે આદત પડશે અને એનાથી તમારા જીવનમાં શું ફેરફાર આવશે એ આપખુદ અનુભવશો.
નોટિફિકેશન બંધ કરો: સોશિયલ મીડિયા એપ્સના નોટિફિકેશન બંધ કરો, જેથી તમારું ધ્યાન સતત ફોન પર ના પડે. જરૂરી ન હોય એ સિવાયના બધા એપ્સના નોટિફિકેશન બંધ કરી દો, જેથી અણછાજતી આવતી નોટિફિકેશન્સ નહીં આવે અને ઘ્યાન પણ નહીં ભટકે.
અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લો: ફોનથી દૂર રહેવાનો સમય આપણે બીજી પ્રવૃત્તિઓમાં વિતાવી શકીએ છીએ, જેમ કે વાચન, યોગા, ચાલવું અથવા પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવો.
બાજનજર રાખો: સોશિયલ મીડિયાનો અતિશય ઉપયોગ અને સતત ઓનલાઇન ના રહો. તમે કયાં કેટલો સમય વીતાવી રહ્યા છો એનો ટ્રેક રાખો. ઉપયોગ કરતી વખતે જાગરૂક રહો કે તમે શા માટે સોશિયલ મીડિયા ઉપયોગ કરી રહ્યા છો, અને એની સાથે કેટલો સમય વિતાવી રહ્યા છો વગેરે…
સોશિયલ મીડિયા એ આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, પરંતુ એનો વધુ પડતો ઉપયોગ આપણા માટે હાનિકારક થઈ શકે છે. સોશિયલ મીડિયા ડિટોક્સ કરવાથી આપણે આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને સુધારી શકીએ છીએ અને આપણી જિંદગીમાં સંતુલન લાવી શકીએ છીએ. તો, ચાલો આજથી જ સોશિયલ મીડિયાથી થોડો દૂર રહીને આપણી જાતને સ્વસ્થ અને સુખી બનાવીએ.

આ પણ અજમાવી જુઓ
- શરૂઆતના થોડા દિવસો માટે, તમે સોશિયલ મીડિયાનો કેટલો ઉપયોગ કરો છો તેના પર નજર રાખો. તમે કેટલા સોશિયલ મીડિયા છો અને તેઓ કેવી રીતે મદદ કરી રહ્યા છે (દા.ત. લિંક્ડઇન) અથવા ફક્ત સ્ક્રોલ કરવા માટેનું પ્લેટફોર્મ (દા.ત. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરે) તેની યાદી બનાવો.
- તમારા ફોનના સેટિંગ્સમાં જાઓ અને તેમના દ્વારા ડિજિટલ વેલ બીઇંગ વિકલ્પ શોધો, તમે જે પણ સોશિયલ મીડિયા એપનો ઉપયોગ કરો છો તેના પર ટાઈમર રાખો. આ તમને ઘણી મદદ કરશે કારણ કે એપ બીજા દિવસ સુધી ફ્રીઝ થઈ જશે જ્યારે તે નિર્ધારિત સમય મર્યાદા કરતાં વધી જશે અને ત્યાં સુધી તમે તે એપ ખોલી શકશો નહીં.
- સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરવાથી તમે જે સમય મેળવ્યો તે સમય દરમિયાન તમે શું કરશો તેની યોજના બનાવો.