આજુબાજુના લોકો દાણા નાખીને ચબૂતરાનો ઉપયોગ કરે છે. ચબૂતરાની બાજુના ચોકમાં મુરલીધરનું મંદિર આવેલું છે

દરિયાપુર વિસ્તારમાં ક્યારેક વાડી ગામ હતું. આજે શહેરનો ભાગ બનેલા આ ગામની વસતિ વચ્ચે ચબૂતરો આવેલો છે. આ ચબૂતરો સિમેન્ટ અને કોંક્રીટનો બનેલો છે. શ્રી લક્ષ્મીનારાયણ સત્સંગ મંડળે સંવત ૨૦૩૪ના મહા સુદ પાંચમના દિવસે આ ચબૂતરો જનતાના લાભાર્થે ખુલ્લો મૂક્યો હતો.
ચબૂતરાની નીચેના ભાગમાં લોખંડની નાની રેલિંગ બનાવેલી છે. રેલિંગની વચ્ચોવચ સિમેન્ટના થાંભલા ઉપર આઠ પાયા પર આ ચબુતરો છે. સાવ સાદા બાંધકામવાળા ચબૂતરાની ઉપરના ભાગમાં પથ્થરનો મોટો ગુંબજ છે. આ ચબૂતરાના વિસ્તારનું નિરીક્ષણ કરતાં થોડી બાબતો ઊડીને આંખે વળગે છે. સૌથી પહેલી બાબત તેનું સુદૃઢ અને મજબૂત બાંધકામ છે. કાળની થપાટ ખાવા સક્ષમ રહે તેવી તેની રચના છે. અર્થાત્ તેના નિર્માતાઓએ સેવાકાર્ય પ્રદીર્ઘ સમય સુધી ચાલ્યા કરે તેવો ભાવ રાખ્યો હશે. બીજી બાબત એટલે આસપાસ સર્જાયેલી ગીચતા અને ગંદકી. ચબૂતરાની નીચે પડેલો સામાન, લગોલગ ઊભું થઈ ગયેલું બાંધકામ વગેરેથી એના પ્રત્યેની નિષ્કાળજી તરત જણાઈ આવે છે.
આજુબાજુના લોકો દાણા નાખીને ચબૂતરામાં પંખીઓની સેવા કરે છે. ચબૂતરાની બાજુના ચોકમાં મુરલીધરનું મંદિર આવેલું છે. મંદિરના પૂજારી રસિકભાઈ સવાર-સાંજ આરતી અને પૂજા કરે છે.
આસપાસના લોકો પણ ઉત્સવોમાં મંદિર પર ભેગા થઈને આરતી અને ઉત્સવ કરે છે. ઉત્સવોમાં મંદિરનો શણગાર પણ કરવામાં આવે છે. વાડી ગામથી કાલુપુર જવાના રોડ પર શ્રી સરબુદાસજીનું મંદિર આવેલું છે. યોગ્ય પગલાં ભરીને આ ચબૂતરાને ખૂબ જ સાર્થક અને સુંદર સ્થળમાં ફેરવી શકાય છે.
ચકલી રે તમે ચણજો ચણ,
ગાજો રે ગોવિંદના ગુણ
ચકલી રે તમે ચણજો ચણ,
ગાજો રે ગોવિંદના ગુણ
ગોવિંદ ગોવિંદ ભજીએ રે,
હરિનામ ના વિસરીએ
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.


