(નોંધઃ આ શ્રેણીમાં આપણી પોતાની, મીઠી ગમતીલી ગુજરાતી ભાષા વિશે, એના ટેક્નોલોજી સાથેના સંબંધ વિશે, એના લીધે સર્જાયેલી શક્યતાઓ અને સમસ્યાઓ વિશેની ચર્ચાથી લખાણ શરૂ થયું છે. એમાં આપણી ભાષાને સ્પર્શતા અન્ય મુદ્દા પણ આવશે. આશા છે તમને લેખમાળા વાંચીને ચર્ચામાં સંકળાવાનું મન થશે. એ માટે વધુ કશું નહીં બસ, કોમેન્ટ સેક્શનમાં તમારા પ્રતિભાવ જરૂર લખશો)
બીજી નોંધઃ પહેલાંના બે ભાગમાં આપણે ટેક્નોલોજીએ ગુજરાતીને પહોંચાડેલી જફા વિશે ચર્ચા કરી. ઉપરાંત એ વાત કરી કે અંગ્રેજી ભાષાએ કેવી રીતે પોતાને સમય સાથે સતત અપડેટ કરી. એ બે ભાગ વાંચવાના રહી ગયા હોય તો આ રહી લિન્ક્સ, ક્લિક કરશો કે પહોંચી જશો.
પહેલો લેખ વાંચવા અહીં ક્લિક કરો.
બીજો લેખ વાંચવા અહીં ક્લિક કરો.
ચોથો લેખ વાંચવા અહીં ક્લિક કરો.
છઠ્ઠો લેખ વાંચવા અહીં ક્લિક કરો.
હવે વાત કરીએ આગળ…
ગયા અઠવાડિયે વાત કરી હતી યુનિકોડની, ટેક્સ્ટ એનકોડિંગની.
આજે વાત કરીએ એના થકી ઇન્ટરનેટ પર ગુજરાતી ટાઇપિંગ, લખાણને આસાન કરનારાં પ્રારંભિક અને આજે પણ કાર્યરત સોફ્ટવેરની. એમાં બે પ્રમુખ રહ્યાં, આકૃતિ અને શ્રીલિપિ.

ગુજરાતી લખાણને ટેક્નોલોજીનાં માધ્યમોમાં સહેલાઈથી ઉપલબ્ધ કરાવવાનું કામ આ સોફ્ટવેરથી શક્ય થયું હતું. આકૃતિ, શ્રીલિપિ જેવાં સોફ્ટવેરે ટેક્સ્ટ એનકોડિંગથી ગુજરાતી ફોન્ટ્સ સર્જ્યા હતા. પ્રકાશન ઉદ્યોગના લોકોને આ સોફ્ટવેર વિશે જણાવવાની જરૂર નથી. અન્યોને સમજાય તે માટે થોડી વાત કરીએ. ભારતીય ભાષાઓના ‘કોમ્પ્યુટીકરણ’ માટેનાં એ સોફ્ટવેર છે. એના કોડિંગથી કોમ્પ્યુટર પર ભારતીય ભાષાઓ ‘?????’ જેવો કચરો દેખાવાને બદલે વ્યવસ્થિતપણે દેખાવી શરૂ કરી હતી. એમાં પણ મુશ્કેલી હતી જ. પહેલી મુશ્કેલી એ કે એ માટે સોફ્ટવેર અલગથી ખરીદવું પડતું હતું. એને વાપરતા પણ શીખવું પડતું હતું. એમાં ગુજરાતી ટાઇપિંગ આસાન નહોતું. દાખલા તરીકે, “મારું નામ” આ બે શબ્દો કોમપ્યુટર પર લખવા હવે લોકો અંગ્રેજીમાં maaru naam ટાઇપ કરે તો એ ગુજરાતીમાં, “મારું નામ,” ટાઇપ થઈને મળી જાય. આકૃતિ, શ્રીલિપિ જેવાં સોફ્ટવેરમાં મુખ્યત્વે, ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ કીપેડ નામનું ભારતીય કીપેડ વાપરવું પડે. એવું આજે પણ છે. એની સાથે હવે સરળ કીપેડ આવ્યાં છે ખરાં. ડીઓઈ કીપેડમાં, “મારું નામ” ટાઇપ કરવા maaru naamને બદલે, “cejgx vec” ટાઇપ કરવું પડે. આમ જુઓ તો એ વિચિત્ર લાગે પણ એ છે બહુ અસરકારક. એમાં ટાઇપિંગ ઝડપી અને વધુ સારું થાય.

દેશી સોફ્ટવેર અને કીપેડથી કોમ્પ્યુટર પર ભારતીય ભાષા લખવી-વાંચવી બે-પાંચ ટકા સુલભ થવા માંડી એ હતો 1990ના દાયકાનો મધ્યકાળ. ફણ એની માટે સોફ્ટવેર અનિવાર્ય હતું. જેમની પાસે એ ના હોય એમને આપણું ટાઇપ કરેલું લખાણ મોકલીએ તો એની પાસે પણ સોફ્ટવેર હોવું અનિવાર્ય હતું. જેમની પાસે સોફ્ટવેર ના હોય એમને આપણું લખાણ પીડીએફ ફોરમેટમાં મોકલી શકાતું. અથવા તસવીર તરીકે મોકલી શકાતું હતું. મેળવનારી વ્યક્તિ એ લખાણ વાંચી કે જોઈ શકે પણ સુધારી ના શકે એ ત્યારે મર્યાદા હતી. લખાણમાં સુધારા, કાપકૂપ, ઉમેરો એ મેળવનારી વ્યક્તિ સોફ્ટવેર વિના કરી શકતી નહીં.

છતાં, આકૃતિ, શ્રીલિપિ જેવાં સોફ્ટવેરે બે કામ કર્યાં, એક તો પ્રકાશન ઉદ્યોગમાં કોમ્પ્યુટરનો ઉપયોગ શક્ય બનાવ્યો. બીજું, જેની પાસે સોફ્ટવેર હોય એના પૂરતું દેશી ભાષામાં એમણએ કામ ઘણું સરળ કરી આપ્યું. તો પણ, ભારતીય ભાષામાં લખવા-વાંચવાને ત્યારે આજના જેવો સહેલો, ઝડપી ટુ-વે ટ્રાફિક લગભગ શક્ય નહોતો. હું કોઈકને ગુજરાતીમાં ઇમેઇલ કરું પણ સામી વ્યક્તિ એ વાંચી શકે એનો આધાર એની પાસે ગુજરાતી ભાષાના અક્ષરો ઉકલી શકે, દેખાડી શકે, એવું કોઈક (મોટાભાગે તો જે મારી પાસે હોય એ) સોફ્ટવેર છે કે નહીં એના પર રહેતો. બાકી એને તો બસ ‘?????’ દેખાય, પછી કેમ છો લખ્યું હોય કે કમાલ છે લખ્યું હોય.
યુનિકોડે એ પછી જીવન આસાન કર્યું. એની થોડી વાત કરીએ.
યુનિકોડનો પ્રવાસ લાંબો રહ્યો છે. એની શરૂઆત આમ તો 1991માં થઈ હતી. ત્યારે એની વર્ઝન વન (પ્રથમ આવૃત્તિ) આવી હતી. પછી સુધારા થતા રહ્યા. એક 1993માં અને બીજો 1996માં, જ્યારે યુનિકોડ 2.0 આવ્યું જેની સાથે યુટીએફ-8નું આગમન થયું હતું. 2000ના દાયકા સુધીમાં યુનિકોડમાં ખાસ્સાં કામ થયાં. એ દાયકામાં ઇન્ટરનેટનો ખરા અર્થમાં રાફડો ફાટ્યો. તેથી, ઇન્ટરનેટને ખરેખર વૈશ્વિક સાધન બનાવવા માટે યુનિકોડને પાટે ચડાવવા સિવાય વિકલ્પ નહોતો. એટલે ઇજનેરો જાગ્યા અને ખંતે કામે વળગ્યા. છેવટે 2010ના દાયકામાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજીની તમામ માંધાતા કંપનીઓએ પોતપોતાનાં લપરાંવેડાં મૂકીને યુનિકોડ-8ને આલિંગન આપવું પડ્યું. વિન્ડોઝ, મેક, લિનક્સ, એન્ડ્રોઇડ, આઈઓએસ… આવું જે કાંઈ ખબર છે એ તમામે યુનિકોડ-8 વિવિધ ભાષાઓના લખાણ માટે એમની પ્રાથમિક સિસ્ટમ તરીકે અપનાવી લીધી.

આપણી સરકારે આ દરમિયાન ભારતીય ભાષાઓમાં કોમ્પ્યુટિંગ આસાન કરવા મહેનત કરી હતી. 1990માં સરકારે ડીઓઈ કીપેડ (એની આગળ વાત કરીશું) સાથે ઇનસ્ક્રિપ્ટ કીબોર્ડ દરેક ભારતીય ભાષામાં બનાવ્યું હતું. પછી ઇંગ્લિશ ફોનેટિક્સ (એની પણ વાત આવશે), એટલે અંગ્રેજીમાં namaste ટાઇપ કરો કે આપોઆપ નમસ્તે જાય એવું કીબોર્ડ તૈયાર કર્યું હતું. પછી આઈલિપ, ગ્રાફિક્સ એન્ડ ઇન્ટેલિનજ્સ-બેઝ્ડ સ્ક્રિપ્ટ ટેક્નોલોજી (જિસ્ટ), ઇન્ડિયન સ્ક્રિપ્ટ મેનેજર (આઈએસએમ), ભારતીય ઓપનઓફિસ, સ્વરચક્ર કીબોર્ડ… 2000ના દાયકામાં યુનિકોડ સ્ટાન્ડર્ડ એડોપ્શન… અનેક કામ કર્યાં. આપણે હાલમાં જે ગૂગલ ઇન્ડિક કીબોર્ડ વાપરીએ છીએ એના સર્જનમાં પણ સરકારનું યોગદાન રહ્યું છે. મશીન લર્નિગ માટે તૈયાર થયેલી સિસ્ટમ, નેશનલ લેન્ગ્વેજ પ્રોસેસિંગમાં ફાળો નોંધાવ્યો છે.
રિવાઇન્ડ કરીને ભૂતકાળમાં જઈએ તો, યુનિકોડ પહેલાં અનેક વિઘ્નો હતાં. ભારતીય ભાષાનું લખાણ એક તો સોફ્ટવેર વિના લખવું અઘરું હતું. જો લખ્યું તો બીજે કશેક યથાવત્ મોકલીને પછી પણ ત્યાં બરાબર વાપરી શકાતું નહોતું. જ્યાં સુધી મોકલનાર અને મેળવનારનાં કોમ્પ્યુટર્સમાં ભાષાના અક્ષરો ઉકેલવા એકસમાન સોફ્ટવેર કે સાધન ના હોય ત્યાં સુધી બધું નકામું હતું. લખાણ પહોંચે તો પણ છેવટે,સપોર્ટ સિસ્ટમ વિના એનું ????? થઈ જાય.

2003થી માઇક્રોસોફ્ટે એની ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ એક્સપીને યુનિકોડ-8 સક્ષમ બનાવી. સર્વત્ર દેશી ભાષાોના ઉપયોગ માટે એ પણ પૂરતું નહોતું. એમાં મુશ્કેલી એની એ. બેઉ કોમ્પ્યુટર કે સિસ્ટમમાં બધી વાતે તાલમેળ પડે તો વાત બનતી. અન્યથા, એક ચીની અને એક કાઠિયાવાડી મળે અને પોતપોતાની ડિંગ હાંકે, બહુ વાતો કરી એવો પોરસ કરે અને ખરેખર તો બેમાંથી કોઈ સમ ખાવા પૂરતી એકબીજાની કોઈ વાત સમજ્યા હોય, એવો જ તાલ રહેતો. 2008માં ભારત સરકારની તમામ સત્તાવાર વેબસાઇટ પર યુનિકોડની પધરામણી થઈ હતી. એ વેબસાઇટ્સ માટે એ ફરજિયાત કોડિંગ સિસ્ટમ થઈ હતી. એનાં બે વરસ પછી, એટલે લગભગ 2010થી સ્થિતિ પાટે ચડી. એનું જ પરિણામ કે હવે નાનું બચ્ચું પણ કોમ્પ્યુટર તો ઠીક, મોબાઇલમાં પણ માતૃભાષામાં લખી અને વાંચી શકે છે. આવડતી હોય તો.
યુનિકોડ અને ગુજરાતીનો સવાલ છે ત્યાં સુધી આપણી ભાષા કોમ્પ્યુટર માટે સૌપ્રથમ 1993માં ઉપલબ્ધ થઈ શકી હતી. આપણા અક્ષરો અને આંકડા યુનિકોડની યુ+0એ80થી to યુ+0એએફએફ (U+0A80 to U+0AFF) રેન્જમાં આવે છે. એમાં જ શ્રુતિ, લોહિત, નોટો સાન્સ ફોન્ટ્સમાં આપણા તમામ અક્ષરો પાકે છે. ટેક્નિકલ મુદ્દો મૂકીને એટલું સમજી લો કે આપણા અક્ષરો, આંકડા કોમ્પ્યુટરને શૂન્ય અને એકના કોમ્બિનેશન એટલે સંયોગથી આપણી સામે મૂકી આપતા એ કોડ્સ છે.
આપણે આ ચર્ચા અમુક કારણોસર કરી છે. એની વાત છેલ્લે કરીશું. પહેલાં એક કિસ્સો મમળાવીએ.
કિસ્સો 2006 આસપાસનો છે. ઉપર જણાવ્યું જ કે ઇન્ટરનેટ પર ભારતીય સહિતની બિનલેટિન ભાષાઓ માટે યુનિકોડ સિસ્ટમની શરૂઆત 1993માં થઈ. 2003થી માઇક્રોસોફ્ટે એને એની ઓપરેટિંગ સિસ્ટમમાં અપનાવી લીધી. આપણે જેની વાત કરવી છે એ કિસ્સો 2006 આસપાસનો છે. એ સમયે કોમ્પ્યુટર પર દેશી ભાષાનો ઉપયોગ કેવોક અઘરો હતો એનો ખ્યાલ આ કિસ્સો આપે છે.

મને એ સમયે ગુજરાતીમાં બ્લોગ શરૂ કરતાં મોંમાં ફીણ આવી ગયાં હતાં. આજની જેમ આપણી ભાષાઓનું ત્યારે ધડાધડ ટાઇપિંગ (ટંકલેખન?) થવાનો સવાલ નહોતો. ત્યારે ટહુકોડોટકોમ લગભગ નવીનવી આવી હતી. એને જોઈને થયું કે આપણેય ગુજરાતીમાં વેબસાઇટ કરીએ. ભલે પોતે જોઈ-વાંચીને રાજી થશું પણ કરીએ ખરા. એટલે એક ડોમેન લીધું. લખાણ તો ઘણું હતું જ. ઘણું તાજુંમાજું પણ તૈયાર કર્યું. સર્વર (આને, ઇન્ટરનેટ અને ટેક્નોલોજીના સંદર્ભમાં ગુજરાતીમાં શું કહી શકાય?) લીધું અને સાઇટ બનાવી. કારણ ત્યારે બંદાને કોડિંગ આવડતું હતું. વીજેટીઆઈના એક પ્રોફેસર પાસે કોલેજના વેકેશનમાં ડીબેસ થ્રી પ્લસ, લોટસ 1-2-3, કોબોલ વગેરે હું 1998-99માં શીખ્યો હતો. પછી કોમ્પ્યુટરમાં રુચિ કાયમ રહી છે. કદાચ જો રુચિને રૂપિયામાં ફેરવવા કોમ્પ્યુટિંગ, પ્રોગ્રામિંગ, ટેક્નોલોજીને વહાલાં કર્યાં હોત તો પત્રકારત્વમાં આવવાનું થાત નહીં.
તો, ઇગુજરાતીડોટકોમ (www.egujartati.com) ડોમેન પર વર્ડપ્રેસમાં આખી વેબસાઇટ તૈયાર કરી.
(ક્રમશઃ આવતા લેખમાં વાત કરીશું ગુજરાતી ભાષાના અક્ષરોને કોમ્પ્યુટર પર જીવંત કરનારાં અમુક સોફ્ટવેરની. વાંચતા રહેજો. આભાર.)
ભાગ એક વાંચવા અહીં ક્લિક કરો.
ભાગ બે વાંચવા અહીં ક્લિક કરો.
ભાગ ત્રણ વાંચવા અહીં ક્લિક કરો.
ભાગ ચાર વાંચવા અહીં ક્લિક કરો.
ભાગ છ વાંચવા અહીં ક્લિક કરો.