(નોંધઃ આ શ્રેણીમાં આપણી પોતાની, મીઠી ગમતીલી ગુજરાતી ભાષા વિશે, એના ટેક્નોલોજી સાથેના સંબંધ વિશે, એના લીધે સર્જાયેલી શક્યતાઓ અને સમસ્યાઓ વિશેની ચર્ચાથી લખાણ શરૂ થયું છે. એમાં આપણી ભાષાને સ્પર્શતા અન્ય મુદ્દા પણ આવશે. આશા છે તમને લેખમાળા વાંચીને ચર્ચામાં સંકળાવાનું મન થશે. એ માટે વધુ કશું નહીં બસ, કોમેન્ટ સેક્શનમાં તમારા પ્રતિભાવ જરૂર લખશો)

બીજી નોંધઃ પહેલાંના બે ભાગમાં આપણે ટેક્નોલોજીએ ગુજરાતીને પહોંચાડેલી જફા વિશે ચર્ચા કરી. ઉપરાંત એ વાત કરી કે અંગ્રેજી ભાષાએ કેવી રીતે પોતાને સમય સાથે સતત અપડેટ કરી. એ બે ભાગ વાંચવાના રહી ગયા હોય તો આ રહી લિન્ક્સ, ક્લિક કરશો કે પહોંચી જશો.

પહેલો લેખ વાંચવા અહીં ક્લિક કરો. 

બીજો લેખ વાંચવા અહીં ક્લિક કરો. 

ચોથો લેખ વાંચવા અહીં ક્લિક કરો.

પાંચમો લેખ વાંચવા અહીં ક્લિક કરો.

હવે વાત કરીએ આગળ…

પ્રશ્ન થશે, આ વર્ડપ્રેસ શું છે?

વેબસાઇટ બનાવવા માટે એ અતિસરળ અને ઝડપી પ્લેટફોર્મ છે. મનગમતી ડિઝાઇનથી લઈને અનેકાનેક સાધનો (ટૂલ્સ) એમાં મળે છે. જેઓ કોમ્પ્યુટિંગ ઓછું કે નામમાત્રનું જાણતા હોય તેઓ પણ જરાક બુદ્ધિ ચલાવીને વર્ડપ્રેસથી વેબસાઇટ બનાવી અને ચલાવી શકે છે. www.egujarati.com અને ન્યુઝ પોર્ટલ www.deshwale.com પણ વર્ડપ્રેસથી ચાલતી વેબસાઇટ્સ છે. દુનિયાની 43.6% એટલે લગભગ દર બીજી વેબસાઇટ વર્ડપ્રેસ પર છે. વેબસાઇટના સુગ્રથિત કામ કરવા માટે બીજી એક આવશ્યકતા કોન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (સીએમએસ) છે. દુનિયાની 62% વેબસાઇટ એના માટે વર્ડપ્રેસ પર મદાર રાખે છે. વર્ડપ્રેસ કેવી ગજબ ચીજ છે એ સમજવા માટે આટલી વાત પૂરતી છે. 

તો, વેબસાઇટ તો બની ગઈ. લખાણ પણ મુકાઈ ગયું. પછી સમય હતો એને લાઇવ કરવાનો. મારા કોમ્પ્યુટર પર બધું વ્યવસ્થિત દેખાય એટલે રાજીપો હતોઃ હાશ, માતૃભાષામાં સારું કામ થયું. પણ વેબસાઇટ લાઇવ કરી કે ધરતી રસાતળ થઈ ગઈ. એના પર તમામ લખાણ ????? થઈ ગયું. લાખ ધમપછાડા પછી પણ ????? ટસના મસ ના થાય. એનો તોડ ના મળે તે ના જ મળે. કારણ, યુટીએફ-8 મારી વેબસાઇટ પર નહીં. હવે તો એ પહેલેથી ઇન્સ્ટોલ્ડ હોય એટલે તકલીફ સહન કરવાનો વારો આવતો નથી. પણ એ વખતે માથું ખંજવાળવું પડ્યુંઃ હવે શું કરવું?

મદદ માટે ઇન્ટરનેટ પર ગુજરાતી વેબસાઇટ શોધીને, એમાં મળે એ ઇમેઇલ પર સંપર્ક સાધવા માંડયો. ત્યારે ફેસબુક ક્વોરા, રેડિટ્ટ, ફ્લિપબોર્ડ, લિન્ક્ડઇન, ફીડલી વગેરે, આજના જેવું ખાસ નહીં. મદદના સ્ત્રોત ઓછા હતા. છેવટે અમેરિકાથી ચાલતી એક ગુજરાતી વેબસાઇટ (હવે અસ્તિત્વમાં નથી) શોધી કાઢી. એના સર્જકનો ઇમેઇલ પર સંપર્ક સાધ્યો. જવાબ આવ્યો, “યુટીએફ-8 ઇન્સ્ટોલ કરો તો કામ થઈ જશે.” આઈટીમાં એક મિત્ર મનીષ સંઘરાજકા છે. ઘાટકોપરનો છે. એની સાથે પણ સમસ્યા વહેંચી. પેલા અમેરિકન ગુજરાતીએ સૂચવેલું નિવારણ પણ વહેંચ્યું. ખાસ્સી કસરત કરી ત્યારે વેબસાઇટ પાટે ચડી. ?????ના છેવટે વાંચવાયોગ્ય અક્ષરો અને શબ્દો થયા. એમાં બેએક મહિના ગયા હતા એવું મને આજે ધ્યાન છે. 

હશે. આજની વાત ખરેખર જુદી છે. આજે આપણે આસાનીથી મનગમતી ભાષાને ઓનલાઇન ખેડી શકીએ છીએ. ઇન્ટરનેટ, મોબાઇલ પર હવે ભારતીય ભાષાઓ અનેકગણી વપરાય છે. અંગ્રેજીનું આધિપત્ય જતું રહ્યું છે. તો પણ, ખર્વ-નિખર્વની અસ્ક્યામતો ધરાવતી કંપનીઓએ આપણી ભાષાઓને ચોખ્ખા, રણકતા રૂપમાં લોકો સુધી પહોંચાડવા જે કાંઈ કરવું જોઈએ એટલું નથી કર્યું. કહો કે એમનાથી નથી થઈ શક્યું.  એટલે કીબોર્ડમાં જ આપણી ભાષાની અશુદ્ધિ શરૂ થઈ જાય. આજે પણ ગુજરાતી ટાઇપિંગની મૂળભૂત ગોઠવણમાં અમુક ખાસ રીતે શબ્દ ટાઇપ કરવો, અમુક ઓછા વપરાતા અક્ષર ટાઇપ કરવા, આસાન નથી. એના લીધે મર્યાદાઓ થઈ છે. આપણા વ્યાકરણનાં પણ પૂરતાં ઠેકાણાં નથી. એમાં ખોટું ચાલી નહીં દોડી જાય છે. વ્યાકરણ સુધારવા ઉપલબ્ધ ટૂલ્સ અપર્યાપ્ત અને કાચાંપાકાં છે. એવી સ્થિતિમાં જેવી પણ ગુજરાતી કે દેશી ભાષાઓ લખાય એવી ચલાવી લેવાય છે. ચલાવી લેવી પણ પડે છે. પછી એ ભાષા, એવું લખાણ, એવું ભાષાંતર સહિત બધે ચાલ્યા કરે છે. 

અંગ્રેજીમાં એક સ્પેલિંગ ખોટો લખો તો માઇક્રોસોફ્ટ ઓફિસ વરસોથી સુધારવાની સલાહ આપતું રહ્યું છે. માઇક્રોસોફ્ટ કેમ, એ માટે કોમ્પ્યુટિંગમાં અગણિત વિકલ્પો છે. સ્પેલચેકરની અંગ્રેજીમાં પહેલેથી ખોટ નહોતી. એઆઆઈ તો આખેઆખા લખાણને સાવ નવુંનકોર કરી આપે છે. સ્પેલિંગ જવા દો, વ્યાકરણની પણ ચિંતા (ચિંતામાં અનુસ્વાર બરાબર ના દેખાય તો એનું કારણ ફોન્ટની ખામી છે) નહીં. માઇક્રોસોફ્ટ ઓફિસ, ગૂગલ કે ચૅટજીપીટીના ગ્રામરથી ધરવ ના થાય તો વાંધો નહીં. ગ્રામરલી ટ્રાય કરો, ક્વિલબોટ ટ્રાય કરો… ઘણું બધું છે.

આપણી પાસે ગુજરાતીમાં શું છે? ખાસ કશું નહીં. ગુજરાતીમાં હજી પાણી અને પાણિ, હૃદય અને હ્રદયનો (ભલે એક શબ્દ સાચો અને બીજો ખોટો ટાઇપ થયો હોય) ફરક સમજાવી શકે એવું દમદાર ટૂલ કશું નથી. જેને સ્પેલચેકર કહીએ એ, ભાષાની સચોટતા માટેનું અગત્યનું અને સચોટ કામ કરતું સાધન પણ નથી. આઈટીની ખાં કંપનીઓ આજ સુધી આપણી ભાષા માટે એક સારું સ્પેલચેકર બનાવી શકી નથી. આપણે પોતે નથી બનાવ્યું એ મોટી નાલેશી છે. જ્યાં સ્પેલચેકર જ નથી ત્યાં વ્યાકરણની બારીકી અને ખૂબીઓ, ખામીઓ સમજાવીને લખાણ સુધારી આપે એવા સોફ્ટવેરની કે એઆઈ ટૂલની અપેક્ષા શી રાખવી? એઆઈથી અંગ્રેજીની જેમ જબરદસ્ત ગુજરાતી લખી શકાય એવી અપેક્ષા શું રાખવી?

શુદ્ધ વ્યાકરણ, સ્પેલચેકર, વાક્યરચના સમજતાં અને સમજાવતાં સોફ્ટવેર આપણી ભાષામાં બને એ દિલ્હી બહુત દૂર હૈ. આપણને એની દરકાર નથી તો વિદેશી કંપનીઓને શું કામ હોવી જોઈએ? સોમાંથી નવ્વાણુ ભારતીયો માતૃભાષા ખોટી લખતા (હવે તો બોલતા પણ) હોય ત્યારે વિદેશી કંપની કહેશે, “ખાડામાં નાખો આ લોકોને… એમની ભાષા જેમ ચાલે છે એમ ચાલવા દો. આપણો ધંધો થાય છેને, બસ.”

છેલ્લે એક વાત. આપણે આ ચર્ચા કેમ કરી? ગુજરાતી ભાષાની વાતમાં ટેક્નોલોજી, કીબોર્ડ, યુનિકોડનું શું કામ?

કામ છે. બહુ કામ છે. આંગળી અને નખ જેવું કામ છે અને એવો સંબંધ છે. ભાષાની કલ્પના અને એનો ઉદ્ધાર ટેક્નોલોજી વિના થઈ શકે એ દિવસો પરવારી ગયા છે. આપણે એ મામલે પહેલેથી ધીમા રહ્યા છીએ એ સમજાય એ માટે આ આકી વાત કરી છે. આપણે આજે પણ એ મામલે ઉદાસીન છીએ એની ખબર પડે એટલે આ વાત લખી છે. યુનિકોડ અને ઇન્ટરનેટ અને ફાઇવ-જી આવ્યા સુધીની દુનિયાની વાત અલગ હતી. આજની વાત અલગ છે. આપણને ભાષા અને ટેક્નોલોજીના પ્રગાઢ, અનિવાર્ય સાયુજ્યનું ગાંભીર્ય સમજાવું જોઈએ. 

1990ના, 2000ના દાયકામાં જે નથી થયું એ 2020ના દાયકામાં થઈ શકે છે. પહેલાં કરતાં ક્યાંય વધુ ગતિ સાથે થઈ શકે છે. આપણે ધારીએ તો ટેક્નોલોજીના મોરચે ગુજરાતી ભાષા માટે ઘણું કરી શકીએ એમ છીએ. એ પણ સોંઘામાં. 

આપણે, આ પહેલાંના ભાગમાં જણાવ્યું હતું એમ, શબ્દકોશ સર્જી શકીએ છીએ. 

આપણે સ્પેલચેકર બનાવી શકીએ છીએ. 

આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ગુણવત્તાસભર લખાણ, વિચારનો ખોરાક પીરસીને એના ટૂલ્સને સુધારી શકીએ છીએ. 

આપણે ગ્રામરલી જેવા લેખન સહાયક ટૂલ્સ બનાવી શકીએ છીએ. 

આ અને આવું બધું કરીને આપણે ઓછી ગુણવત્તાની ડિજિટલ ગુજરાતીને રોગચાળાની જેમ પ્રસરતી રોકી શકીએ છીએ. 

એમ કરીને આપણે ગુજરાતી ભાષાનું, એના સાહિત્યનું, લણાણનું સારું ભવિષ્ય સુનિશ્ચિત કરી શકીએ છીએ. 

આજની છેલ્લી વાત. ભાષાનું ઠીકઠીક જ્ઞાન હોય તો એક કામ કરજો. પચાસ-પંચોતેર વરસ પહેલાં છપાયેલાં, સસ્તું સાહિત્ય કે એવી સંસ્થાનાં, ગુજરાતી પુસ્તકોને આજનાં પુસ્તકો સાથે સરખાવજો. એવી જ રીતે, ગુજરાતી અખબાર-સામયિકના જૂના અને નવા લેખોને પણ સરખાવી જોજો. આપણી ભાષાનું લેખન સમય સાથે સુધરવાને બદલે કથળતું ગયું છે એનો ખ્યાલ આવશે. એના માટે લેખકો, પત્રકારો કે પ્રકાશકો જવાબદાર નથી. એ પણ છેવટે સમાજનો ભાગ છે. એના માટે જવાબદાર છ-સાત કરોડ ગુજરાતીઓ છીએ. ભાષાને શું વળગે ભૂર જે રણમાં જીતે એ શૂર, એ અખાની વાતનું આપણે અક્ષરશઃ પાલન કર્યું છે. એટલે જ, આપણે અનેક રણમેદાનમાં વિજયપતાકા લહેરાવી પણ ભાષાના મેદાનમાં… 

(ક્રમશઃ આના પછીની વાત હશે અંગ્રેજીકરણના અતિરેકની આડઅસરની. આશા છે આનંદભેર તમે આ લેખમાળા વાંચી રહ્યા છો. અને હા, લેખ વાંચીને અંતે તમારો પ્રતિભાવ લખવાનું નહીં ભૂલશો. આભાર.)

ભાગ એક વાંચવા અહીં ક્લિક કરો. 

ભાગ બે વાંચવા અહીં ક્લિક કરો. 

ભાગ ત્રણ વાંચવા અહીં ક્લિક કરો. 

ભાગ પાંચ વાંચવા અહીં ક્લિક કરો.

Editor in Chief. CMD, Mangrol Multimedia Ltd.

Leave A Reply

Exit mobile version