ખાવાપીવાની રીત એવી હોવી જોઈએ જે આપણી પ્રકૃતિ સાથે, આપણી જીવનશૈલી સાથે બરાબર મેળ ખાય. અમેરિકનોની જેમ ઠંડાં પીણાં ગટગટાવવાથી કે વેફર અને પોપકોર્ન ખાવાથી આપણે કોઈ ફાયદો કરી લેવાના નથી. ફાસ્ટ ફૂડને જન્ક ફૂડ તરીકે ઓળખવામાં આવે છે એ અમસ્તા તો નહીં. એનાથી આઘા રહેવામાં સમજદારી છે. ખાવું તો સમજીને એટલું યાદ રાખવા જેવું છે. શા માટે એ પણ સમજવા જેવું છે.
આ લખનારના પિતા હમણાં એકવાર જમતાં જમતાં કહે, આપણા પેલા સગા નહીં, એમના દીકરાનાં લગ્નમાં પૂરા એક મહિના સુધી રોજ જમણવાર થઈ હતી. મને બરાબર યાદ છે 1964માં… એક મહિના સુધી લગ્નની જમણવાર!? ખર્ચાનું જવા દો, એક મહિના સુધી એ જમાનામાં લોકો લગ્નનાં ભોજન આરોગી શકતા હતા એ કમાલ નથી? આપણાી હાલત એવી છે કે એક-બે વખત લગ્નનું ખાઈએ ત્યાં પત્યું. આપણી હોજરી જવાબ આપી દે. એ પણ અલગ વાત કે હવે લગ્નની જમણવાર એકવાર ગોઠવતા સામાન્ય માણસનાં છોતરાં નીકળી જાય છે. એવામાં આખો મહિનો ગામજમણ તો ઠીક સગાંજમણ હોય તો પણ ભારે પડી રહે.
ભારતીયો ખાવાપીવામાં ભલભલાને ખસિયાણા પાડી દે એવા શૂરા હતા. એમ તો, આજે પણ છે. ઢગલાબંધ મસાલા સાથેના ભારતીય ભોજનમાં વળી પાછા ગૃહિણીના પ્રેમનો સ્પર્શ ઉમેરાય. આપણે ત્યાં જમવું એ અવસરથી ઓછી બાબત નથી. હવે તો આપણું રસોડું હવે ભારતીય ભોજન સાથે વિદેશી વાનગીઓથી મઘમઘે છે. મસાલા પણ ક્યાં ક્યાંથી આવી ગયા. સમય ખરેખર બદલાઈ ગયો છે.
વિશ્વભરમાં લોકો ખાણીપીણીની બાબતમાં એકમેકની ખાસિયતોને અપનાવી છે. એવામાં ઇટિંગ હેબિટ્સ અથવા તો ખાણીપીણીની રીતમાં ધરમૂળથી ફેરફાર થઈ રહ્યા છે. ઘણા હવે વગર બહાને અઠવાડિયે બે વખત ઇટિંગ આઉટ કરે છે. ઇટિંગ આઉટમાં સ્વાભાવિક છે કે ઘરમાં રોજિંદી વાગનીઓથી અલગ ભોજન આરોગવામાં આવે. પંજાબી, સાઉથ ઇન્ડિયન વાનગીઓ પહેલેથી હતી. હવે વૈવિધ્યની કોઈ લિમિટ નથી. વાંધો એ કે આપણા ખોરાકમાંથી વાતાવરણ, પ્રકૃતિ, આપણા શારીરિક બંધારણને અનુરૂપ, આપણા જીવનને યોગ્ય એવી રીતે ભોજન કરવાની જે સહજ ગોઠવણ હતી એની બાદબાકી થઈ ગઈ છે. વિશ્વમાં ભલે ખાવાપીવાના મામલે ખાસ્સું પરિવર્તન આવ્યુ હોય પણ આપણે ત્યાં જે રીતે ઘેલછા, દેખાદેખીના નામે ભોજનની રીતમાં આમૂલ ફેરફાર થયા છે એ ચિંતાજનક છે.
ફાસ્ટ ફૂડ માણસની સૌથી મોટી ભૂલોમાંની એક હશે. શરીર નામના યંત્રને તંદુરસ્ત રાખવા માટે માણસે ખોરાકની બાબતમાં સૌથી વધુ સજાગતા દર્શાવવાની હોય છે. ફાસ્ટ ફૂડને લીધે એનાથી સાવ ઊંઘી પરિસ્થિતિ વ્યાપક બની ગઈ છે. લોકોના સ્વાસ્થ્ય અને મેદસ્વીપણા વિશે હાલમાં થયેલા એક સર્વેક્ષણના આંકડા તપાસો. એમાં જણાવાયું છે કે આફ્રિકાના અમુક પછાત રાષ્ટ્રને બાદ કરતાં દુનિયાના તમામ દેશમાં માણસો દરરોજ એમના શરીરની સાચી જરૂરિયાત કરતાં વધારે ખોરાક ઝાપટી જાય છે. અથવા ખોટો ખોરાક પણ આરોગતા હશે?
અતિ સર્વત્ર વર્જયતે, આપણામાં કહ્યું છે. ખોરાકના અતિરેકને કારણે દુનિયામાં એવા માણસોની સંખ્યા વધી રહી છે જેમનું વજન જરૂર કરતાં વધારે છે. ગ્રીસમાં, દાખલા તરીકે, સિત્તેર ટકા લોકોનું વજન હોવું જોઈએ એનાકરતાં વધારે છે. ઇજિપ્તની સાંઠ ટકા મહિલાઓનું વજન નિયત પ્રમાણ કરતાં વધુ છે. લોકોની ખાણીપીણીની ટેવ બગાડનારા અમેરિકામાં એકસઠ ટકા પ્રજા જરૂર કરતાં વધારે જાડીપાડી છે.
માણસની ખાવાપીવાની શૈલી બદલાવા ઉપરાંત એના શારીરિક શ્રમ ઘટ્યાં છે. આ બે મુદ્દાઓએ ભેગા મળીને લોકોના સ્વાસ્થ્ય સામે પ્રશ્નાર્થચિહ્ન મૂકી દીધું છે. ભારતમાં એવા કેટલાય લોકો કાયમ હતા જે જેઓ જમવા બેસે તો ત્રીસ-પાંત્રીસ રોટલી સહેજે ઝાપટી જાય. આપણા વડીલોની ખોરાક આરોગવાની અને પચાવવાની ક્ષમતા આપણા કરતાં સારી હતી એને છે. એનું કારણ સાદું છે. પહેલાંના માણસો ટેસથી ખાતા અને ખોરાક હજમ થાય એ માટે અથાક મહેનત કરી જાણતા આજના લોકોની લાઇફસ્ટાઇલમાંથી ચાલવું, દોડવું, પરસેવાથી નીતરી જવાય એવું કામ અદૃશ્ય થઈ ગયાં છે. શરીર મહેનત ના કરે તો એને મળતા ખોરાકની ચરબી બનાવ્યા સિવાય એની પાસે કામ શું બચવાનું?
ફાસ્ટ ફૂડ કલ્ચર આ દુનિયાને પશ્ચિમની દેન છે. ફાસ્ટ ફૂડના પાપે માણસો ચબરચબર ખાતા અને ગટકગટક પીતા થઈ ગયા છે. ચોકલેટ્સથી માંડીને નાસ્તા સુધી અને વેફરથી માંડીને હોટ ડોગ સુધીની વાનગીઓ હાલતાચાલતા ખરીદી અને ખાઈ શકાય છે. પડીકાંઓનો હવે પાર નથી. માણસો શરીરની ઇચ્છાને જાણ્યા કે સમજ્યા વિના ખા ખા કરે છે. પરિણામે, શરીર પણ છેવટે પ્રમાણભાન ખોઈ બેસે છે. ફાસ્ટ ફૂડથી થતા જાતજાતનાં પ્રત્યક્ષ કે પરોક્ષ નુકસાન વિશે એના દેશી અને મલ્ટીનેશનલ ઉત્પાદકો પણ આપણને અંધારામાં રાખે છે. અમેરિકામાં જ્યોર્જ બુશે એના સમયમાં ફાસ્ટ ફૂડ કંપનીઓને એમનાં ઉત્પાદનોના સ્વાસ્થ્ય સંબંધિત દાવાઓમાં મોટાં બણગાં ફૂંકવાને વધુ મોકળું મેદાન આપી દીધું હતું. એનાથી વિપરીત યુરોપિયન યુનિયને ફાસ્ટ ફૂડના ઉત્પાદકોની સાન ઠેકાણે લાવવા એ સમયે ખરડો બનાવ્યો હતો. એ ખરડો મંજૂર થઈ જાત 2005ની સાલથી જ ફાસ્ટ ફૂડ ઉત્પાદકો માટે યુરોપમાં ખોટા દાવા કરીને પોતાનો માલ લોકોને પધરાવવો અશક્ય થઈ જવાનો હતો.
જોકે, આપણે ભારતીયો ખોરાકની બાબતમાં સજાગ પણ છીએ. એટલે જ વિદેશી ફૂડ વચ્ચે પણ ઉપમા, બટાટા પૌંઆથી લઈને અનેક દેશી ફાસ્ટ ફૂડ લોકપ્રિય છે. નાસ્તાના નામે આરોગાતા આપણા ફ્રેશ ફૂડની તોલે વિદેશી ફાસ્ટ ફૂડ આવી શકે નહીં.
હવે પ્રોસેસ્ડ ફૂડ, પેકેજ્ડ ફૂડ્સની બજાર આપણે ત્યાં કૂદકે ને ભૂસ્કે, રાક્ષસની જેમ વધી રહી છે. એ ચિંતાનો વિષય છે. વિશ્વના પ્રોસેસ્ડ ફૂડના વેપારમાં ભારતનું સ્થાન છ્ઠ્ઠું છે. દૂધથી ઘઉં અને અન્ય અમુક અનાજ વગેરેમાં ભારત વિશ્વમાં પહેલા સ્થાને છે, ફળ અને શાકભાજીના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા સ્થાને છે.
ફાસ્ટ ફૂડ ખાવાની આદત જેમને પડી રહી છે એમના માટે એક વાત. જીભના ચટાકા ગમે એવા પ્રબળ હોય પણ હકીકત એ છે કે માણસે સૌથી પહેલાં સ્વાસ્થ્ય ખાતર ખાવાનું છે. સુસ્વાસ્થ્ય માટે હવા, પાણી અને ખોરાકથી મોટો સાથી કોઈ નથી. હવા પર હજી આપણો કાબૂ શક્ય નથી. પાણી બાબતે આપણે ઠીકઠીક સચેત છીએ. ખોરાક બાબતે બધું સમજવા છતાં સ્વાદ સામે લાચાર થઈ જઈએ છીએ. આવી ભૂલ કરવા કરતાં શરીરને હૃષ્ટપુષ્ટ રાખવાનો વિચાર કરીએ તો?