મુંબઈ મેટ્રો ત્રણ એટલે એક્વા લાઇન માટે પરિસ્થિતિ બહુ પોરસાવા જેવી નથી. આંકડાઓ જણાવે છે કે એના પહેલા ફેઝમાં ટ્રેનો ખાલી દોડી રહી છે. મુંબઈના પરિવહનમાં ક્રાંતિ લાવવાની જેની પાસે અપેક્ષા હતી એવી આ ભૂગર્ભ કોરિડારવાળી લાઇનમાં પ્રવાસીઓની સંખ્યા નગણ્ય નોંધાઈ રહી છે. હાલમાં આરેથી બીકેસી વચ્ચે કાર્યરત પ્રથમ પટ્ટામાં પ્રતિ ટ્રેન માંડ 46 મુસાફરો સવારી માણી રહયા છે. એને કારણે એના આર્થિક વાજબીપણા સામે પ્રશ્નો ઊભા થયા છે. જોકે અધિકારીઓ માને છે કે માર્ચ 2025 સુધીમાં આખી લાઇન કાર્યરત થશે પછી સ્થિત બદલાશે. ફેઝ ટુએ શરૂ થયા પછી લાઇનની ટ્રેન બીકેસીથી આચાર્ય અત્રે ચોક વચ્ચે દેડશે.
મુંબઈની પ્રથમ સંપૂર્ણ ભૂગર્ભ મેટ્રો માટે ખાસ્સા સમયથી શહેરમાં ઉત્સાહ પ્રવર્તતો હતો. છતાં, એના પ્રથમ ફેઝમાં એ યાત્રીઓને આકર્ષિત કરવામાં નિષ્ફળ રહી છે. આ મોળા પ્રતિસાદ માટે કેટલાંક કારણો જણાવવામાં આવી રહ્યાં છે.
સૌપ્રથમ તેની મર્યાદિત પહોંચ મોટી ખામી છે. લાઇનનાં 27 સ્ટેશનમાંથી હાલમાં ફક્ત છ કાર્યરત છે. લાંબા અંતરના પ્રવાસીઓ માટે તેથી એ ખાસ ઉપયોગી નથી. તેની ઉપયોગિતા મર્યાદિત રહી છે. બીજું, એનાં સ્ટેશન્સ સુધી પહોંચવા કરવી પડતી દડમજલ એને બિનોપયોગી લાઇન બનાવે છે. એક્વા લાઇનના મેટ્રો સ્ટેશને પહોંચવા માટે મુંબઈગરા માટે ઓટો, બસ અથવા ટેક્સી શોધવી એ પડકાર છે. એવી સ્થિતિમાં તેઓ આ નવતર સેવાનો ઉપયોગ કરવાથી અળગા રહે છે. મુંબઈના લોકલ ટ્રેન નેટવર્કથી વિપરીત આ સ્થિતિ છે. લોકલનું નેટવર્ક ઓટો અને બેસ્ટની બસો સાથે સુગ્રથિત રીતે સંકળાયેલું છે. મેટ્રો 3 માટે એ એક સમસ્યા છે.

અસુવિધાઓમાં ઉમેરો બે ટ્રેન વચ્ચેનો સમયગાળો પણ છે. હાલમાં આ રૂટ પર પંદર મિનિટે એક ટ્રેન દોડે છે. મુંબઈમાં માણસ મિનિટ મિનિટની દોડધામમાં હોય છે. એમના માટે ટ્રેનની રાહ જોવામાં આટલો સમય ખર્ચી નાખવો પોસાય એવી બાબત નથી. કામકાજના કલાકોમાં, એટલે પીક આવર્સમાં, લોકલ ટ્રેન જ અમેને પોસાય જે દર ત્રણ-ચાર મિનિટે દોડે છે.
લાઇનના ટિકિટના ભાવ પણ અવરોધ છે. બેસ્ટ બસો અને લોકલ ટ્રેનની તુલનામાં મેટ્રો લાઇન ત્રણ પ્રવાસીઓને મોંધી લાગે છે. ટૂંકા અંતર માટે ઘણા યાત્રીઓને રિક્શા અથવા શેર ટેક્સી પણ પોસાય છે. કારણ એમાં તેઓ ઘરથી ગંતવ્યસ્થાન સુધી સોંઘામાં પહોંચી શકે છે.
આ લાઇની પહોંચ પણ ચિંતાનો મુદ્દો છે. મેટ્રો લાઇન ત્રણ સ્ટેશન્સ આસપાસની ઘણી મૂળભૂત સુવિધાઓ હજુ નિર્માણાધીન જ છે. યાત્રીઓ માટે એ સમસ્યા છે. સ્કાયવોક, પાર્કિંગ સ્થળો અને ચાલવા માટેના વ્યવસ્થિત રસ્તાના પણ આ લાઇનનાં સ્ટેન્સ બહાર હજી ઠેકાણાં નથી.
મુસાફરીના વર્તમાન આંકડા: તાજેતરના અહેવાલો આ લાઇનના બહુ ઓછા આંકડાઓ પર પ્રકાશ પાડે છે. દરેક મેટ્રો ટ્રેન પ્રતિ સફરમાં સરેરાશ ફક્ત 46 મુસાફરોનું વહન કરે છે. રોજિંદા પ્રવાસીઓની સંખ્યા ખાસ્સી નીચી છે. લોકો હજી આવજા માટે જૂના અને જાણીતા વિકલ્પોનો ઉપયોગ કરવો યોગ્ય ગણી રહ્યા છે. મરોલ નાકા અને બાન્દરા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસા) જેવાં સ્ટેશન્સ વચ્ચે જ્યાં ખાસ્સો ટ્રાફિક થવાની અપેક્ષા હતી ત્યાં પ્રવાસીઓની ઓછી સંખ્યાએ સૌને ચકિત કરી નાખ્યા છે.
એક્વા લાઇનના ફેઝ વનના આ સંઘર્ષ વચ્ચે અધિકારીઓ આશાવાદી છે કે રૂટનો બીજો ભાગ શરૂ થયે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઉમેરો થશે.
એક્વા લાઇનનો ફેઝ ટુએ આવતા મહિને શરૂ થવાની અપેક્ષા છે. ત્યારે પ્રવાસીઓની સંખ્યા વધશે કે કેમ? મેટ્રોના અધિકારીઓનું મંતવ્ય છે કે માર્ચમાં લાઇન વરલીના આચાર્ય અત્રે ચોક સુધી દોડતી થાય કે નાટ્યાત્મક ફેરફાર જોવા મળશે. એમની એવી અપેક્ષા સાવ અસ્થાને પણ નથી.

મુંબઈ મેટ્રો લાઇન ત્રણના નવા ભાગને લીધે રૂટનો પનો વિસ્તરશે. એના લીધે લાઇન છેક દક્ષિણ મુંબઈ સુધીના વિસ્તારોને એકતાંતણે બાંધી દેશે. એ સાથે એ વેપારી મથક બીકેસીને દક્ષિણ મુંબઈ સાથે કનેક્ટ કરી દેશે. કામકાજે જનારા લોકો માટે આ કનેક્ટિવિટી મહત્ત્વની સાબિત થઈ શકે છે. વધુ સ્ટેશન્સનો અર્થ પણ કે પ્રવાસીઓને વિકલ્પો વધુ મળશે.
ઉપરાંત, પ્રવાસીઓને મેટ્રોની આ લાઇનના સ્ટેશને પહોંચવામાં અનુકૂળતા રહે તે માટે બસ, રિક્શા જેવાં વાહનોની ફ્રિકવન્સી પણ વધશે. એથી, લાઇનના મેટ્રો સ્ટેશને પહોંચવું હમણાં જેટલું અઘરું નહીં રહે. સમગ્ર રૂટ કાર્યાન્વિત થવા સાથે મેટ્રોની આ લાઇનમાં ટ્રેનની સંખ્યા વધવા સાથે બે ટ્રેન વચ્ચેનો સમયગાળો ઘટશે. ત્યારે દર પાંચ મિનિટે એક ટ્રેન દોડતી હશે એવો અંદાજ છે.
સરવાળે, 27 સ્ટેશન્સ અને સાડાતેંત્રીસ કિલોમીટરનો માર્ગ એક્વા લાઇનને ખરા અર્થમાં એ હેતુ બર લાવવા માટે સક્ષમ બનાવી શકે છે જેના માટે એનું આશાસ્પદ નિર્માણ થયું છે. ઉત્તર અને દક્ષિણ મુંબઈ વચ્ચે એ જીવાદોરીનું કામ કરી શકે છે. આરે, સીપ્ઝ, બાન્દરા-કુર્લા કોમ્પ્લેક્સ અને વરલી વચ્ચે મેટ્રોમાં પચાસેક મિનિટમાં પ્રવાસ કરી શકાય એ વાતમાં દમ છે જ. કારણ હમણાં બાય રોડ આ પ્રવાસ દોઢ-બે કલાકનો સમય લે છે.
મુંબઈ મેટ્રો એક્વા લાઇનની સફળતા મુંબઈના માર્ગો પર વાહનોની સંખ્યા ઘટાડવામાં ફાળો નોંધાવી શકે છે. જોવાનું એ રહે છે કે ધીમી શરૂઆત છતાં આ લાઇન શહેરના પરિવહન નેટવર્કમાં અગત્યની કડી ક્યારે અને કેવીક રીતે પુરવાર થાય છે.