વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલાં મન કી બાત રેડિયો કાર્યક્રમમાં ભારતીય યુવાનોમાં જોવા મળતી સ્થૂળતા એટલે કે મેદસ્વીતા પર ચિંતા વ્યક્ત કરી હતી. સાથે તેમણે ભારતીયોને આહારમાં તેલનું પ્રમાણ દસ ટકા ઘટાડવાની હિમાયત કરી હતી. મેદસ્વીતાની સમસ્યા ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ચિંતાજનક રીતે વધી રહી છે. તેનાથી થતી સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવા અને લોકોને સ્થૂળતા ઘટાડવા પ્રોત્સાહિત કરવા દર ચોથી માર્ચે વિશ્વ સ્થૂળતા દિવસ ઉજવવામાં આવે છે.
2022ના લેન્સેટ અભ્યાસ મુજબ ભારતમાં 4.4 કરોડ સ્ત્રીઓ અને 2.6 કરોડ પુરુષો મેદસ્વી હતાં. તાજેતરના અભ્યાસો સૂચવે છે કે જો સ્થૂળતામાં વધારો થવાની વર્તમાન ગતિ ચાલુ રહેશે, તો કેટલાક દાયકાઓમાં ભારતમાં સ્થૂળતા પીડિત લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.
અભ્યાસો દર્શાવે છે કે સ્થૂળતા ફક્ત પશ્ચિમી દેશોની સમસ્યા નથી. ભારતીય વસ્તી, બાળકોથી લઈને વૃદ્ધો સુધી, બધાં તેનો શિકાર બની રહ્યા છે. ધ લેન્સેટમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં ભારતમાં સ્થૂળતાના ભય અંગે આંકડા જાહેર કરવામાં આવ્યા છે. કહેવામાં આવ્યું છે કે આગામી 25 વર્ષોમાં એટલે કે 2050 સુધીમાં, ભારતની લગભગ એક તૃતિઆંશ વસ્તી મેદસ્વી થઈ શકે છે. અર્થ એ કે આગામી બે દાયકામાં 44.9 કરોડ લોકો મેદસ્વી થઈ શકે છે.
અગાઉ રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વે (એનએફએચએસ-પાંચ)એ સૂચવ્યું હતું કે હાલમાં દેશમાં દર ચારમાંથી એક વ્યક્તિ સ્થૂળતાથી પીડાય છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે બાળકોમાં પણ મેદસ્વીતા વધી રહી છે. અગાઉ, લેન્સેટના અન્ય એક અભ્યાસમાં ભારતને વિશ્વના ટોચના ત્રણ મેદસ્વી દેશોમાં સ્થાન આપવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર ભારતની 70% શહેરી વસ્તી મેદસ્વી અથવા વધુ વજનવાળા વર્ગમાં આવે છે. એે કારણે દેશ સ્થૂળતાના વધતા સંકટનો સામનો કરી રહ્યો છે.
અમેરિકા અને ચીન પછી ભારત સ્થૂળતાથી સૌથી વધુ પ્રભાવિત 10 દેશોમાં ત્રીજા ક્રમે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં ત્રણ કરોડથી વધુ પુખ્ત વયના લોકો કાં વધારે વજનવાળા છે અથવા મેદસ્વી છે. અભ્યાસો દર્શાવે છે કે સ્થૂળતા વધારતાં ઘણાં પરિબળો હોઈ શકે છે. જીવનશૈલી અને આહારની અનિયમિતતાઓ ઉપરાંત જે લોકો શારીરિક રીતે ઓછા સક્રિય હોય તેમને સ્થૂળતાનું જોખમ વધારે હોય છે. ટેકનોલોજી પર આપણી વધતી જતી નિર્ભરતાને કારણે વજન વધવાનું જોખમ વધ્યું છે.
સ્ક્રીન ટાઇમ, એટલે કે મોબાઇલ, લેપટોપ, ટીવી જેવાં ઉપકરણો સાથે પસાર કરેલો સમય શારીરિક રીતે નિષ્ક્રિય બનાવી રહ્યો છે. આવી સ્થિતિમાં શારીરિક પ્રવૃત્તિ અને કસરતનો અભાવ જેવી સમસ્યા વધી રહી છે, જે સ્થૂળતાનું જોખમ વધારે છે.
પોષણશાસ્ત્રીઓ કહે છે કે વજન નિયંત્રિત કરવા આહારમાં વિવિધ ફળો, શાકભાજી, આખા અનાજ, પ્રોટીન અને સ્વસ્થ ચરબીનો સમાવેશ કરો. પુષ્કળ પાણી પીઓ, ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે દિવસભર હાઇડ્રેટેડ રહો. અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ મધ્યમથી તીવ્ર કસરત કરો. પેકેજ્ડ ખોરાકનું સેવન ઓછું કરો. અને છેલ્લે, સ્ટ્રેસ એટલે માનસિક તણાવથી બચો.