છત્રપતિ શિવાજી મહારાજનાં રાજ્યાભિષેકને ૩૫૦ વર્ષ પુર્ણ થયાના અવસરે અને પૂણ્યશ્લોક અહલ્યાબાઈ હોળકરની ૩૦૦મી જયંતિ પ્રસંગે નાસિકમાં આગામી સાતથી નવમી માર્ચ દરમિયાન રાજ્યસ્તરીય ક્રીડા મહોત્સવ યોજાશે. જેનું આઠમી માર્ચે મહિલાદિનનાં અવસરે રાજ્યનાં કેબિનેટ મંત્રીઓ મંગલપ્રભાત લોઢા અને ગિરીશ મહાજન ઉદ્ઘાટન કરશે. આ ખેલ મહોત્સવમાં ક્રિકેટ અને વોલીબોલ સહિતની ૧૧ જેટલી આધુનિક રમતો ઉપરાંત લેઝીમ, કબડ્ડી, ખો-ખો, ટગ ઓફ વોર, લગોરી, લંગડી, દોરડા કૂદ, પંજાની લડાઈ જેવી ૧૩ જેટલી પરંપરાગત રમતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજ્યનાં કૌશલ્ય વિકાસ મંત્રી મંગલ પ્રભાત લોઢાની પહેલથી આ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રીડા મહાકૂંભનું ઉદ્ઘાટન આઠમી માર્ચે સવારે નવ કલાકે પંચવટી-નાસિક સ્થિત સ્વ.મીનાતાઈ ઠાકરે વિભાગીય ક્રીડા સંકૂલ ખાતે થશે. વ્યવસાયિક શિક્ષણ અને તાલીમ સંસ્થાનાં નેજા હેઠળ યોજાનારી વિવિધ સ્પર્ધાઓમાં આઈટીઆઈનાં યુવાનો ભાગ લેશે. આધુનિક ખેલોમાં ક્રિકેટ, વોલિબોલ, બેડમિન્ટન, કેરમ, જેવી રમતોનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત ૧૦૦ મીટર દોડ, ૪૦૦ મીટર દોડ, ટગ ઓફ વોર, લગોરી, લંગડી, દોરડા કૂદ, પંજાની લડાઈ, દંડ બેઠક અને કબ્બડ્ડી તથા ખો-ખો જેવી રમતોનો પણ સમાવેશ કરાયો છે.
સ્વ.મીનાતાઈ ઠાકરે વિભાગીય ક્રીડા સંકૂલ, છત્રપતિ સંભાજી રાજે સ્ટેડિયમ, તથા રવિન્દ્ર વિદ્યાલય જેવા વિવિધ ક્રીડા સંકૂલોમાં આ સ્પર્ધાઓ યોજાશે. આશરે ૩૦૦૦ જેટલા ખેલાડીઓને આવરી લેનારા ખેલ મહોત્સવનું સમાપન નવમી માર્ચે સાંજે ચાર વાગ્યે મીનાતાઈ ઠાકરે સંકૂલ ખાતે યોજાશે. આઠમી માર્ચે મહિલા દિન નિમીતે મહિલા ખેલાડીઓ માટેની સ્પર્ધાઓ યોજાશે.યુવાનોમાં આરોગ્ય તથા ખેલ પ્રત્યેનો ઉત્સાહ વધારવા યોજાનારી આ સ્પર્ધાઓમાં ઉપસ્થિત રહેવા સહસંચાલક શ્રી ગાવિતે સર્વ ખેલ પ્રેમીઓને જાહેર આમંત્રણ પાઠવ્યું હતું.