
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ મંગળવારે મધ્ય પ્રદેશના રાયસેનમાં 26 રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોની 152 શહેરી સ્થાનિક સંસ્થાઓમાં રાષ્ટ્રીય ભૂ-અવકાશી જ્ઞાન આધારિત ભૂમિ સર્વેક્ષણ શહેરી રહેઠાણ (નકશા)નું ઉદ્ઘાટન કરશે. કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયના ભૂમિ સંસાધન વિભાગે આ પાઇલોટ કાર્યક્રમ શરૂ કર્યો છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને સંદેશાવ્યવહાર રાજ્ય પ્રધાન ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવ, મધ્ય પ્રદેશના મહેસૂલ પ્રધાન કરણ સિંહ વર્મા, પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ પ્રધાન પ્રહલાદ સિંહ પટેલ, મત્સ્યઉદ્યોગ અને માછીમાર કલ્યાણ રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) અને મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લાના પ્રભારી નારાયણ સિંહ પવાર, સાંચીના ધારાસભ્ય પ્રભુરામ ચૌધરી, ભારત સરકારના ભૂમિ સંસાધન વિભાગના સચિવ મનોજ જોશી અને ભારત સરકાર અને મધ્ય પ્રદેશ રાજ્ય સરકારના અન્ય અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે ડ્રોન ઉડાવવામાં આવશે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવશે, નકશા પર વિડિયો અને ફ્લાયરનું લોન્ચિંગ, ડબલ્યુડીસી યાત્રાને લીલી ઝંડી, ડબલ્યુડીસી વિડિયોનું સ્ક્રીનિંગ અને વોટરશેડ એન્થમ વગાડીને ઉજવણી કરવામાં આવશે.
નકશાનો ઉદ્દેશ્ય શહેરી વિસ્તારોમાં જમીનના રેકોર્ડ બનાવવા અને અપડેટ કરવાનો છે. એનાથી જમીનમાલિકીના સચોટ અને વિશ્વસનીય દસ્તાવેજીકરણની ખાતરી કરી શકાશે. આ પહેલ નાગરિકોને સશક્ત બનાવશે, જીવનની સરળતામાં સુધારો કરશે, શહેરી આયોજન વધારશે અને જમીન સંબંધિત વિવાદો ઘટાડશે. મિલકત રેકોર્ડ વહીવટ માટે આઈટી આધારિત સિસ્ટમ પારદર્શિતા, કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપશે અને સતત વિકાસને સમર્થન આપશે.
સર્વે ઓફ ઇન્ડિયા નકશાના ટેકનિકલ ભાગીદાર છે, જે હવાઈ સર્વેક્ષણ કરવા અને તૃતીય પક્ષ વિક્રેતાઓ મારફત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સરકારોને ઓર્થોરેક્ટિફાઇડ ઇમેજ પૂરી પાડવા જવાબદાર છે. એન્ડ ટુ એન્ડ વેબ-જીઆઈએસ પ્લેટફોર્મ મધ્ય પ્રદેશ રાજ્ય ઇલેક્ટ્રોનિક વિકાસ નિગમ (એમપીએસઆડીસી) વિકસાવશે. સંગ્રહ સુવિધાઓ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર સર્વિસીસ ઇન્ક (આનઆઈસીએસઆઈ) પૂરી પાડશે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ સરકારો ઓર્થોરેક્ટિફાઇડ ઇમેજનો ઉપયોગ કરીને ક્ષેત્ર સર્વેક્ષણ અને ગ્રાઉન્ડ ટ્રુથિંગ કરવાનું સુનિશ્ચિત કરશે, જે આખરે શહેરી અને અર્ધશહેરી જમીન રેકોર્ડના અંતિમ પ્રકાશન તરફ દોરી જશે.
નકશા પાઇલોટનો ખર્ચ આશરે ₹194 કરોડ થવાની ધારણા છે, જે માટે સંપૂર્ણપણે ભારત સરકાર ભંડોળ પૂરું પાડશે.