વડા પ્રધાન નરેન્દ્ર મોદી 21 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમમાં પ્રથમ સૉલ લીડરશિપ કોન્ક્લેવનું ઉદઘાટન કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે. ભુતાનના વડા પ્રધાન દશો શેરિંગ તોબગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
21-22 ફેબ્રુઆરીએ આયોજિત બે દિવસીય સૉલ લીડરશિપ કોન્ક્લેવ એક અગત્યના મંચ તરીકે કામ કરશે. એમાં રાજકારણ, રમતગમત, કળા અને મીડિયા, આધ્યાત્મિક વિશ્વ, જાહેર નીતિ, વ્યવસાય અને સામાજિક જેવાં ક્ષેત્રોના નેતાઓ તેમની પ્રેરણાદાયી જીવન યાત્રાઓ વહેંચશે. તેઓ નેતૃત્વ સાથે સંબંધિત પાસાં પર ચર્ચા કરશે. કોન્ક્લેવ સહયોગ અને વૈચારિક નેતૃત્વની ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપશે. એના થકી યુવાનોને પ્રેરિત થવા સાથે નિષ્ફળતાઓ અને સફળતાઓ બેઉમાંથી શીખવાની તક મળશે.
સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશિપ ગુજરાતની એક નેતૃત્વ સંસ્થા છે જે અધિકૃત નેતાઓને જાહેર હિતને આગળ વધારવા માટે સક્ષમ બનાવે છે. તેનો ઉદ્દેશ ઔપચારિક તાલીમ થકી ભારતમાં રાજકીય નેતૃત્વના ફલકને વિસ્તૃત કરવાનો છે. માત્ર રાજકીય વંશમાંથી જ નહીં, પરંતુ લાયકાત, પ્રતિબદ્ધતા અને જાહેર સેવા પ્રત્યેની ધગશથી બહાર આવેલા લોકોને સામેલ કરવાનો છે. સૉલ વિશ્વમાં નેતૃત્વના જટિલ પડકારોને પાર પાડવા માટે જરૂરી આંતરદૃષ્ટિ, કુશળતા અને કુશળતા લાવે છે.