
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ બુધવારે મધ્ય પ્રદેશનાં છતરપુરના ગઢામાં શ્રી બાગેશ્વર જનસેવા સમિતિ આયોજિત સમૂહલગ્ન સમારંભમાં હાજરી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આજે જ્યારે દેશ મહિલા વિકાસથી મહિલા સંચાલિત વિકાસ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે આપણે સૌએ આપણી દીકરીઓ અને બહેનોને મજબૂત અને સક્ષમ બનાવવામાં યોગદાન આપવું જોઈએ.

તેમણે લોકોને મહિલાઓના શિક્ષણ, આરોગ્ય અને સલામતી પર ધ્યાન આપવા વિનંતી કરી હતી. મુર્મુએ કહ્યું હતું કે આપણા નાના પ્રયત્નો તેમને સશક્ત બનાવશે. તેમણે મહિલાઓને તેમના શિક્ષણ અને આત્મનિર્ભરતા માટે સતત પ્રયત્નો કરવાની સલાહ પણ આપી હતી.
રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણી પરંપરામાં સદીઓથી સંતોએ લોકોને માર્ગ દેખાડ્યો છે. તેઓએ સમકાલીન સમાજમાં પ્રચલિત સામાજિક અનિષ્ટો સામે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેઓએ જાતિ, લિંગ વગેરેના આધારે ભેદભાવ સામે પણ અવાજ ઉઠાવ્યો છે. પછી તે ગુરુ નાનક હોય, સંત રવિદાસ હોય, સંત કબીરદાસ હોય, મીરાંબાઈ હોય, સંત તુકારામ હોય… તમામે તેમના ઉપદેશો થકી લોકોને સાચા રસ્તે ચાલવા માટે પ્રેરિત કર્યા છે. ભારતીય સમાજમાં તેમના યોગદાનથી તેમને સન્માનજનક સ્થાન મળ્યું છે. તેમણે કહ્યું હતું કે સમકાલીન આધ્યાત્મિક નેતાઓ આત્મનિર્ભર, સંવાદી અને પર્યાવરણને અનુકૂળ ભારતના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.