સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ચબૂતરાના જિર્ણોદ્ધારની ઇચ્છા હોવા છતાં તેની હેરિટેજ વેલ્યુને કારણે કાર્ય ઉઠાવવામાં તેઓ ખચકાટ અનુભવી રહ્યા છે
આ પોળના ચબૂતરાનું નિર્માણ ૪૧૦ વરસ પહેલાં કરવામાં આવ્યું હતું. પોળમાં એટલું જ જૂનું ભગવાન જગવલ્લભ પાર્શ્વનાથ દેરાસર છે. તેનું નિર્માણ તત્કાલીન નગરશેઠ ખુશાલચંદે કરાવ્યું હતું. એ જમાનામાં આ દેરાસર બાંધવાનો ખર્ચ રૂપિયા ૭૫,૦૦૦ થયો હતો.

આ પોળનો વહીવટ ૬૨ સભ્યો અને એક ટ્રસ્ટના બનેલા પંચના હસ્તક છે. ૧૯૫૨માં રજિસ્ટર્ડ થયેલા આ પંચની માલિકી પોળના દેરાસર ઉપરાંત શાંતિનાથ જૈન દેરાસર ટ્રસ્ટની પણ છે. ક્યારેક આ પોળમાં સિત્તેર જેટલા પરિવાર વસતા હતા. આજે દસેક ઘર છે, જેમાંની છ જૈનોનાં છે.
નિશા પોળના ચબૂતરાનો ઢાંચો લાકડાંનો છે જેના પર લીલો રંગ છે. ઉપર સરસ મજાનું છાપરું છે. ચબૂતરાના જિર્ણ ઓટલાની આસપાસ આરસપહાણ પણ પડ્યો રહે છે. ચબૂતરાનું પ્લેટફોર્મ દેશી પથ્થરનું બનેલું છે. એક જમાનામાં ચબૂતરાનો વ્યાપ વ્યવસ્થિત ગોળાકાર હતો જ્યારે આજે ઘણોખરો ભાગ અદૃશ્ય થઈ ગયો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ચબૂતરાના જિર્ણોદ્ધારની ઇચ્છા હોવા છતાં તેની હેરિટેજ વેલ્યુને કારણે કાર્ય ઉઠાવવામાં તેઓ ખચકાટ અનુભવી રહ્યા છે.
જગવલ્લભ દેરાસર અમદાવાદમાં અનેરું સ્થાન ધરાવે છે. અહીંની ભગવાન જગવલ્લભ પાર્શ્વનાથની છ ફૂટ ઊંચી મૂર્તિને ચમત્કારિક માનવામાં આવે છે. જાહોજલાલીના યુગમાં આ મૂર્તિનાં દર્શન કરવા માટે એક સોનામહોર આપવી પડતી હતી. હાલમાં આ દેરાસરનો ભવ્ય જિર્ણોદ્ધાર થઈ રહ્યો છે. દેરાસરમાં આ ઉપરાંત એક ગર્ભગૃહમાં મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની સહસ્ત્રફણાવાળી કાર્યોત્સર્ગસ્થ તો બીજા ગર્ભગૃહમાં ચિંતામણિ પાર્શ્વનાથની શ્યામલી પ્રતિમા પરિકરમાં પદમાસન સ્થિત છે. ભોંયરામાં પ્રથમ જૈન તીર્થંકર ભગવાન આદિનાથની પદમાસનસ્થ મૂર્તિ છે, જે સાત ફૂટની છે.
પંચના રેકોર્ડની સો વરસ જૂની મિનિટ્સ બુકમાં પણ આ ચબૂતરાનો ઉલ્લેખ છે. અમદાવાદની પોળોમાં આવેલા આ ભવ્ય ચબૂતરાઓમાં એક જમાનામાં આ ચબૂતરાનું માનભર્યું ચોક્કસ રહ્યું હશે તેવું તેના પર નજર નાખતા ફલિત થયા વિના રહેતું નથી.
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.