રામકૃષ્ણ આશ્રમમાં ૧૧મી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય યુવા સંમેલનનું આયોજન: પર્વતારોહક પદ્મશ્રી અરુણિમા સિંહા, યુવા પ્રતિક શરદ સાગર, નેતૃત્વ તાલીમકાર ડૉ. આર. બાલસુબ્રમણ્યમ, લોકપ્રિય લેખક ડૉ. રાધાકૃષ્ણન પિલ્લઈના વક્તવ્યો
શિકાગો વિશ્વ ધર્મસભામાં સ્વામી વિવેકાનંદે આપેલ ઐતિહાસિક ભાષણની ૧૩૨મી જયંતી નિમિત્તે યોજાયેલા સંમેલનનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે
શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદે શિકાગોની વિશ્વ ધર્મસભામાં આપેલ ઐતિહાસિક ભાષણની ૧૩૨મી જયંતી નિમિત્તે ગુરુવાર, તા. ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સવારે ૮:૩૦થી સાંજે ૫:૩૦ દરમિયાન આશ્રમના વિવેક હોલમાં રાષ્ટ્રીય યુવા સંમેલન યોજાશે, જેમાં પ્રેરણાદાયી વક્તવ્યો, ઑડિયો-વિઝ્યુઅલ, પ્રશ્નોત્તરી સત્ર વગેરેનો સમાવેશ થશે.
ઉલ્લેખનીય છે કે ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ શિકાગોની વિશ્વ ધર્મસભામાં ‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ’ આ સંબોધન સાથે સ્વામી વિવેકાનંદે પોતાનું ભાષણ પ્રારંભ કર્યું અને વિશાળ હૉલમાં ઉપસ્થિત લગભગ ચાર હજાર શ્રોતાઓએ ઉત્સાહથી પોતાના સ્થાન પર ઊભા થઈને લગભગ બે મિનિટ સુધી તાળીઓના ગડગડાટથી સ્વામીજીને વધાવી લીધા. વ્યાખ્યાનની સાર્વભૌમિકતા, ગાંભીર્યપૂર્ણ વિચારની મૌલિકતા અને ઉદાત્ત માનસિક ભાવનાએ સંપૂર્ણ મહાસભાને વશીભૂત કરી લીધી અને વિશ્વના ઇતિહાસમાં એક સોનેરી પાનું ઉમેરાયું.
આ અંગે વધુ વિગતો આપતાં આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું હતું કે, આ ગૌરવશાળી દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલા આ સંમેલનનું ઉદ્ઘાટન યુવા બાબતો તથા રમત-ગમત વિભાગના કેન્દ્રીય માનનીય મંત્રી મનસુખભાઈ માંડવિયા તથા અન્ય મહાનુભાવોના વરદ હસ્તે થશે. સંમેલનમાં સુપ્રસિદ્ધ પ્રેરણાત્મક વક્તા તથા વિશ્વમાં સૌપ્રથમ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર દિવ્યાંગ મહિલા પર્વતારોહક પદ્મશ્રી અરુણિમા સિંહા, યુવા પ્રતિક, સુપ્રસિદ્ધ ઉદ્યોગસાહસિક તથા ડેક્ષ્ટીરીટી ગ્લોબલના સ્થાપક શરદ સાગર, ભારત સરકારના ક્ષમતા નિર્માણ આયોગના સભ્ય તથા નેતૃત્વ તાલીમકાર ડૉ. આર. બાલસુબ્રમણ્યમ, લોકપ્રિય લેખક અને ચાણક્ય આંતરરાષ્ટ્રીય નેતૃત્વ અભ્યાસ સંસ્થાના સંસ્થાપક ડૉ. રાધાકૃષ્ણન પિલ્લઈ, તથા રામકૃષ્ણ આશ્રમના સંન્યાસીઓ યુવા ભાઈ-બહેનોને માર્ગદર્શન આપશે.
આ સંમેલનમાં ઉપસ્થિત રહેવા ઇચ્છુક ૧૬થી ૩૦ વર્ષના યુવા ભાઈ-બહેનોએ આશ્રમની વેબસાઇટ www.rkmrajkot.org મુલાકાત લઈ નોંધણી કરવાની રહેશે અથવા વૉટ્સએપ નંબર ૯૩૨૮૮ ૫૯૭૧૯ ઉપર સંપર્ક કરવો.



