વિશ્વ રાજનીતિમાં કોઈ સ્થાયી મિત્ર કે શત્રુ નથી, માત્ર હિત છે. આજના યુગમાં દેશો ભાવના પરથી નહીં, પરંતુ શક્તિ, સપ્લાય ચેઇન, ચલણ અને ટેકનોલોજીના નિયંત્રણ પરથી ચાલે છે. યુદ્ધ હવે બંદૂકથી નહીં, પરંતુ સપ્લાય લાઇન, મિનરલ રિઝર્વ, ડેટા કેબલ અને નૌસેન્ય માર્ગોથી જીતાય છે. જે દેશ માર્ગો અને સ્રોતો પર કબજો જમાવે છે, તે જ ભવિષ્યનો નકશો દોરે છે.
ટ્રમ્પની ટેરિફ નીતિ તેનો ઉદાહરણ છે. આ ફક્ત ટ્રેડ ડિફિસિટ ઘટાડવા માટે નથી. તે એક આર્થિક હથિયાર છે, જે લાંબા ગાળે અમેરિકાને સ્ટ્રેટેજિક લાભ આપે છે. આયાત મોંઘી કરીને તે ચીનની સપ્લાય ચેઇન પર દબાણ બનાવે છે અને મેન્યુફેક્ચરિંગને ફરી અમેરિકામાં ખેંચે છે. તેનો ઉદ્દેશ સ્પષ્ટ છે: ચીનની ટેકનોલોજીકલ ગતિ ધીમી કરવી, ડોલરની સત્તા જાળવી રાખવી અને “America First”ની રાજકીય લોકપ્રિયતા વધારવી. ટ્રમ્પની રમત ઝટકા આપવાની છે. તાત્કાલિક તકલીફ, પણ લાંબાગાળે લાભ.
ચીન આ રમત સમજે છે, પણ તે સમયના હથિયારથી લડે છે. સીધી ટકરાવને બદલે તે વચનો આપે છે, શાંતિ રાખે છે અને સમય મેળવવાનું શાસ્ત્ર જાણે છે. તેની લાંબી રમત BRICS, Belt and Road Initiative, અને RCEP જેવી વ્યવસ્થાઓ દ્વારા નવી વૈશ્વિક વ્યવસ્થા બનાવવાની છે, જ્યાં ડોલર નહીં પરંતુ બાઇલેટરલ ચલણ અને ડિજિટલ યુઆનનો પ્રભાવ વધે. ચીનનો સિદ્ધાંત સ્પષ્ટ છે. અમેરિકા ચૂંટણી માટે રમે છે, ચીન સદીઓ માટે.
પુટિનની રાજનીતિ પણ તાત્કાલિક જીત પર નહીં, પરંતુ ઈતિહાસના પુનર્લેખન પર આધારિત છે. રશિયા માટે યુદ્ધ ફક્ત જમીન માટે નથી, પરંતુ ઊર્જા માર્ગો અને વૈશ્વિક વેપારના દિશા માટે છે. તે યુરેશિયન શક્તિઓને BRICS અને SCO દ્વારા જોડીને પશ્ચિમના પ્રભાવને સંતુલિત કરે છે. તેની દ્રષ્ટિ સાદી છે. જે ઊર્જા અને માર્ગોને નિયંત્રિત કરે છે, તે જ વિશ્વને નિયંત્રિત કરે છે.
આ બધાની વચ્ચે ભારત એક અલગ માર્ગે ચાલે છે. ન ઉતાવળે, ન દબાણમાં ભારત ધીરજથી, સમય અને હિત બંનેની ગણતરી કરીને ચાલે છે. અમેરિકાના દબાણ સામે પણ ભારત તરત જ કરાર નથી કરતું, કારણ કે તે પોતાના ઉદ્યોગો ડેરી, ફાર્મા, MSME અને મેન્યુફેક્ચરિંગ ને રક્ષણ આપીને જ વૈશ્વિક વાટાઘાટ કરે છે. PLI અને “આત્મનિર્ભર ભારત”ના માધ્યમથી ભારત હવે માત્ર માર્કેટ નથી, પરંતુ એક સ્વતંત્ર પ્રોડક્શન શક્તિ બની રહ્યું છે. તેની રાજદ્વારી “સ્ટ્રેટેજિક નિષ્પક્ષતા” પર આધારિત છે. કોઈ બ્લોકમાં પૂરેપૂરું જોડાણ નહીં, પરંતુ દરેક પાસેથી ફાયદો ખેંચવાની નીતિ.
ચાબહાર પોર્ટ અને INSTC કરિડોર આ નીતિનું જીવંત ઉદાહરણ છે. આ પ્રોજેક્ટ્સ દ્વારા ભારત પાકિસ્તાનને બાયપાસ કરીને સીધો પ્રવેશ સેન્ટ્રલ એશિયામાં મેળવે છે અને ગ્વાદર પોર્ટને જવાબ આપે છે. ઈરાન અને રશિયા સાથે મળીને તે એક નવી યુરેશિયન ટ્રેડ બેલ્ટ ઊભી કરે છે. સુએઝ કેનાલનો ઝડપી અને સસ્તો વિકલ્પ, જે ભારતને સ્વતંત્ર ટ્રાન્ઝિટ શક્તિ આપે છે.
અમેરિકા પણ જાણે છે કે ઇન્ડો-પેસિફિકનો સંતુલન ભારત વગર શક્ય નથી. QUADના ચક્રમાં ભારત એ મુખ્ય ખૂટી છે. ચીનને રોકવાની, ઇન્ડિયન ઓશનમાં પ્રભાવ જમાવવાની અને ASEAN સાથેનો કનેક્શન મજબૂત કરવાની. ભારત ફક્ત એક ભાગીદાર નથી રહ્યું, તે હવે પિવોટ નેશન છે, જેના વિના કોઈપણ એશિયન સ્ટ્રેટેજી અધૂરી છે.
આજની સૌથી મોટી રેસ ગોળીબારની નથી, પરંતુ કાબૂની છે. કોણ વેપાર માર્ગો ચલાવે છે, કોણ ઊર્જા સપ્લાય નિયંત્રિત કરે છે, કોણ રેર અર્થ મિનરલ્સ અને AI ઇકોસિસ્ટમ પર કબજો રાખે છે, અને અંતે કોણ ચલણ અને ડેટા પર પ્રભાવ ધરાવે છે. ચીન, રશિયા અને ભારત મળીને એક વૈકલ્પિક ઓર્ડર રચી રહ્યા છે, જ્યારે અમેરિકા અને પશ્ચિમ પોતાનો ડોલર અને ટેક પ્રભાવ બચાવવા જંગમાં છે.
વિશ્વ હવે નવી વ્યવસ્થાની કિનારે છે. અમેરિકા નેતૃત્વ બચાવવા લડી રહ્યું છે, ચીન નવી વ્યવસ્થા બાંધી રહ્યું છે, રશિયા ઇતિહાસ ફરી લખી રહ્યું છે અને ભારત સંતુલિત રીતે ઊંચાઈએ પહોંચી રહ્યું છે. અને આ હકીકત સ્પષ્ટ છે. આજે વિશ્વને ભારતની જરૂર વધારે છે, ભારતને વિશ્વથી ઓછી.
જે રાષ્ટ્ર માર્ગો, સ્રોતો અને ટેકનોલોજી પર કબજો જમાવશે, એ જ આગામી યુગનું શાસન કરશે.

Secretary — InGlobal Business Foundation (IBF)
Director — ReNis Agro International LLP, Ahmedabad, India
Subscribe Deshwale on YouTube


