નીચેના ભાગમાં ગંદકી નથી તેથી ચબૂતરો અન્યથા આંખો માટે અશાતનારૂપ નથી બનતો. ચબૂતરાના ઉપરના ભાગમાં માત્ર આરસીસી સ્ટ્રક્ચરના ટુકડા બચ્યા છે
આશરે પોણી સદી પહેલાં જેનું નિર્માણ ખૂબ આશાપૂર્વક કરવામાં આવ્યું હતું એવો ખાડિયા વિસ્તારનો સુથાર વાડનો ચબૂતરો આજે જુઓ તો એના માટે કયા શબ્દો કહેવા પડે? એક ભાંગ્યોતૂટ્યો સ્તંભ છે આ તો.
કડવું છતાં વરવું સત્ય છે આ. પોળના પંચે બનાવેલા આ ચબૂતરાના અવશેષ સિવાય આજે એના મૂળ બાંધકામની કોઇ નિશાની બચી નથી. એનાથીયે આગળ જતાં દુ:ખ પહોંચાડતી એ વાત પણ જાણવા મળે છે કે પહેલાંનો જે ચબૂતરો અહીં એ તો અત્યારે દેખાતા સ્તંભની પહેલાં જ નામશેષ થઈ ગયો હતો. એ પછી જીવદયાપ્રેમી એવા રહેવાસીઓએ નવો ચબૂતરો બનાવ્યો હતો. એ ચબૂતરો એટલે જ અત્યારે દેખાતો, આરસીસીનો સ્તંભ જે બિલકુલ નિષ્ક્રિય છે.
તેમ છતાં આ ચબૂતરામાં ચણ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. નીચેના ભાગમાં ગંદકી નથી તેથી ચબૂતરો અન્યથા આંખો માટે અશાતનારૂપ નથી બનતો. ચબૂતરાના ઉપરના ભાગમાં માત્ર આરસીસી સ્ટ્રક્ચરના ટુકડા બચ્યા છે. તેની માથેનો મુખ્ય ભાગ વગેરે કશું જ હયાત નથી.
એક જ વિકલ્પ છે. મૂળ ચબૂતરાના સ્થાને અહીં નવા ચબૂતરાનું નિર્માણ કરવામાં આવે. તેની ઉપર મુખ્ય ભાગ બનાવીને ચણ-પાણી માટે જરૂરી બધી વ્યવસ્થા કરવામાં આવે. જીવદયાના કાર્ય માટે, પક્ષીઓની સેવા માટે આપણે આટલું કરીએ એ અપેક્ષિત છે.
આવો પારેવાં, આવોને ચકલાં, ચોકમાં દાણા નાખ્યા છે,
આવો પોપટજી, મેનાને લાવજો, ચોકમાં દાણા નાખ્યા છે,
આવોને કાબરબાઈ, કલબલ ન કરશો, ચોકમાં દાણા નાખ્યા છે,
બંટી જો બાજરો, ચોખા ને બાવટો, ચોકમાં દાણા નાખ્યા છે,
ધોળી છે જાર ને, ઘઉં છે રાતડા, ચોકમાં દાણા નાખ્યા છે,
નિરાંતે ખાજો, નિરાંતે ખૂંદજો, ચોકમાં દાણા નાખ્યા છે,
બિલ્લી નહીં આવે, કુતો નહિ આવે, ચોકમાં દાણા નાખ્યા છે,
ચણ ચણ ચણજો, ને ચીં ચીં કરજો, ચોકમાં દાણા નાખ્યા છે
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.