આસપાસ થઈ જતી ગંદકી વગેરેથી પણ ચબૂતરાને મુક્ત કરવો રહ્યો. સ્વચ્છતા હોય ત્યાં ભગવાનનો વાસ હોય એ આપણે કેવી રીતે ભૂલી શકીએ?
શહેરના અનેક વિસ્તારો કાળક્રમે રહેણાંકમાંથી વ્યવસાયિક કેન્દ્રોમાં ફેરવાઈ ગયાં છે. ઘણા વિસ્તારો આવા સંક્રાંતિકાળમાંથી અત્યારે પણ પસાર થઈ રહ્યા છે. તેવો જ એક વિસ્તાર છે પાદશાહની પોળ. રિલીફ રોડના કાલુપુર વિસ્તારમાં આવેલી આ પોળમાં બબ્બે સદીથી એક ચબૂતરો પક્ષીઓ માટે આશીર્વાદરૂપ બન્યો છે.
અત્યારે અહીં જે ચબૂતરો ઊભો છે તેનો જિર્ણોદ્ધાર ચારેક દાયકા પહેલાં કરવામાં આવ્યો હતો. ધ્યાનથી નિરખતા એવો ખ્યાલ જોકે આવે છે કે ચબૂતરાના ઓટલાનો ભાગ મૂળ સ્થાપત્યનો છે પણ ઉપલો ભાગ કદાચ જિર્ણોદ્ધાર વખતે બનાવવામાં આવ્યો હશે. જે હોય તે, સ્થાનિક જૈન સંઘે ઉમળકાભેર યોગદાન આપીને ધમધમતા રાખેલા આ ચબૂતરામાં ચણ-પાણી નિયમિત ઉપલબ્ધ કરાવવામાં આવે છે, એ પણ પાકી વ્યવસ્થા અનુસાર, એ આનંદની વાત છે.
મિશ્ર વસતિ ધરાવતી આ પોળમાં સવાચારસો વરસ જૂનું શ્રી આદેશ્વર ભગવાનનું દેરાસર પણ છે. દેરાસરના ઉપક્રમે જ ચબૂતરાની સગવડો સાચવવામાં આવે છે. પાસે રહેતા એક સદ્ગૃહસ્થ દૈનિક ૫૦૦ ગ્રામ ચણ તથા પાણીનો પ્રબંધ થતો રહે તેની કાળજી રાખે છે.
ચિંતાનો વિષય અહીં થઈ રહેલું વેપારીકરણ છે. ઇતિહાસ એવું સૂચવે છે કે જ્યાં વેપારીકરણ બેહદ વધી જાય ત્યાં આવા જીવદયાનાં સ્થાનકોની ઉપેક્ષા થવાની શક્યતાઓ વધી જાય છે. તેથી જ, આ ચબૂતરાનું ભવિષ્ય ઉજળું રહે તે માટે યથાયોગ્ય પગલાં અત્યારથી લેવાં રહ્યાં. તેવી જ રીતે આસપાસ થઈ જતી ગંદકી વગેરેથી પણ ચબૂતરાને મુક્ત કરવો રહ્યો. સ્વચ્છતા હોય ત્યાં ભગવાનનો વાસ હોય એ આપણે કેવી રીતે ભૂલી શકીએ?
પોપટની નહીં નહીં તોય ૬૦૦ જાત છે! ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના ભૂરા પોપટ સૌથી શ્રેષ્ઠ નકલબાજ અને વાચાળ છે. પોપટનાં બીજાં નામ શુક્ર, કીર, તોતા, સૂડો વગેરે છે.
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.