Sunday, January 19

ગુજરાતી રંગભૂમિ, હિન્દી ફિલ્મો અને ટેલિવિઝનના જાણીતા કલાકાર ટિકુ તલસાણિયાની તબિયત હવે એકદમ સારી છે. મળતી જાણકારી અનુસાર તેઓને બે-ત્રણ દિવસમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ આપી દેવામં આવશે. 

શુક્રવારે રાતે ટિકુભાઈની તબિયત એકાએક લથડી હતી. મુંબઈના ઉપનગર અંધેરીમાં તેઓ ગુજરાતી ફિલ્મ, ‘મોમ તને નહીં સમજાય’ના પ્રીમિયરમાં હતા ત્યારે એમને એકાએક તકલીફ ઉપડી હતી. તેઓને તરત પાસેની કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એમને હાર્ટ એટેક નહીં પણ બ્રેઇન એન્યુરિયમ નામે ઓળખાતો બ્રેઇન સ્ટ્રોક આવ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું. 

એ સમયે એમની સાથે અમેના મિત્રો હતા. એમાનાં એક અનેે, ટિકુભાઈની આગામી ગુજરાતી ફિલ્મના દિગ્દર્શક ધર્મેશ મહેતાએ જણાવ્યું હતું કે બે-ત્રણ દિવસના ઓબ્ઝર્વેશન પછી ટિકુભાઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવશે. આજે સવારે જ ટિકુભાઈએ પોતે ફોન કરીને ધર્મેશ મહેતાને એ વિશે જણાવ્યું હતું. 

ટિકુભાઈની દીકરી અને અભિનેત્રી શિખા તલસાણિયાએ પણ પિતાના સ્વાસ્થ્ય વિશે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને લોકોને તાજી સ્થિતિનો ખ્યાલ આપ્યો હતો. પોતાની ઇંગ્લિશ પોસ્ટમાં શિખાએ લખ્યું હતું, “તમારા સૌની પ્રાર્થનાઓ અને કાળજી બદલ આભાર. અમારા સૌ માટે આ લાગણીશીલ સમય હતો પણ અમને એ જણાવતાં ખુશી થાય છે કે પપ્પા હવે પહેલાંથી બહેતર છે અને ઝડપભેર સાજા થઈ રહ્યા છે. અમે કોકિલાબહેન અંબાણી હોસ્પિટલના ડોક્ટર્સ અને કર્મચારીઓના આભારી છીએ (જેમણે એમની સારવાર કરી) અને એમના ચાહકોના પણ આભારી છીએ જેઓએ (આ સમયમાં) ભરપૂર પ્રેમ વરસાવ્યો.”

1954માં જન્મેલા ટિકુભાઈ ચાર દાયકાથી વધુ સમયથી રંગભૂમિ, ફિલ્મો અને ટેલિવિઝનમાં વ્યસ્ત છે. એમની છેલ્લી રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ રાજ શાંડિલ્ય દિગ્દર્શિત ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’, તો ગુજરાતી ફિલ્મ, ચિન્મય પુરોહિત દિગ્દર્શિત ‘વાર તહેવાર’ હતી. એમનું છેલ્લું ગુજરાતી નાટક ‘શાતિર’ હતું. એમની આગામી ગુજરાતી ફિલ્મ ધર્મેશ મહેતા દિગ્દર્શિત ‘ઓમ સ્વીટ હોમ’ છે. 

ઉમદા કલાકાર ઉપરાંત ટિકુભાઈ બાઇકિંગના શોખીન છે. તેઓ સમય કાઢીને મિત્રો સાથે બાઇકિંગ માટે જતા હોય છે. શુકવારની ઘટનાએ એમના ચાહકોમાં ભલે ચિંતાનું મોજું પ્રસરાવ્યું હતું. સારી વાત એ છે કે તેઓ બહુ જલદી સાજા થઈ ગયા છે. આવતા બે-ત્રણ દિવસમાં તેઓને ડિસ્ચાર્જ પણ મળી જશે એ ખરેખર આનંદના સમાચાર છે. 

Leave A Reply

English
Exit mobile version