Sunday, January 19

તિરુપતિના પાવન દેવસ્થાન તિરુમલા મંદિર નજીક બુધવારે ગોઝારો અકસ્માત થયો હતો. વૈકુંઠ એકાદશીનાં દર્શન માટે ટોકન મેળવવા એકઠી થયેલી ભીડમાં ભાગદોડ મચી જતાં છ ભાવિકોનાં મોત સહિત અનેક ઘાયલ થયાં હતાં. 

આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના 4,000થી વધુ ભક્તો વૈકુંઠ દ્વાર દર્શનમ માટે ટોકન મેળવવા માટે ભેગા થયા હતા તેના લીધે થઈ હતી. દર્શન 10 જાન્યુઆરીથી શરૂ થવાનાં છે. ટોકન વિતરણની ગતિવિધિઓ વહેલી સવારે શરૂ થવાની હતી, પરંતુ અનેક ભક્તો આગલી સાંજે કતારમાં ઊભા હતા. એમાંથી સર્જાયેલી સ્થિતિ હાથ બહાર જતાં નાસભાગ થઈ અને આ દુર્ઘટના સર્જાઈ હતી. 

દુર્ઘટનાની જાણ થતાં આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુએ દુઃખ પ્રગટ કર્યું હતું. તેઓએ તાત્કાલિક તપાસ ઉપરાંત ઘાયલોની સારવારની ચોકસાઈનો આદેશ આપવા સાથે ગુરુવારે ઘાયલોની અંગત પૂછપરછ કરવા જવાનું પણ જાહેર કર્યું હતું. ઘાયલોને શ્રી વેંકટેશ્વર રામનારાયણ રુઇયા સરકારી જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. નાયડુ ગુરુવારે ત્યાં જઈને પરિસ્થિતિનો અંગત ક્યાસ મેળવશે. 

તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી), જે મંદિરનું સંચાલન કરે છે, એની કામગીરી વિશે આ દુર્ઘટનાને લીધે પ્રશ્નો ઊઠ્યા છે. સંસ્થાના અધિકારીઓએ જોકે જણાવ્યું છે કે તેઓ ભવિષ્યમાં આવી દુર્ઘટના ખાળવા આવશ્યક સમીક્ષા કરીને જરૂરી પગલાં ઉઠાવશે. વૈકુંઠ એકાદશી ભગવાન વેંકટેશ્વરના ભક્તો માટે મહત્વપૂર્ણ તહેવાર છે. આ નિમિત્તે દેશભરથી યાત્રિકો તિરુપતિ જાય છે. દસ દિવસ સુધી ચાલનારા તહેવારમાં ભક્તોની સલામતી સુનિશ્ચિત કરવાની જવાબદારી ટીટટીડી અને સરકારની છે. આજની દુર્ઘટના પછી તેઓ પરિસ્થિતિ વણસે નહીં તે માટે આવશ્યક વ્યવસ્થા કરશે એવી અપેક્ષા છે.

Leave A Reply

English
Exit mobile version