Monday, January 20

એક બાલદીમાં ગરમ અને બીજામાં ઠંડું પાણી હોય અને બેઉને ભેગાં કરવામાં આવે તો થું થાય? કાં તો બેઉ પાણી ઠંડાં થશે, કાં પછી ગરમ. શક્યતા બેઉ છે પણ એક વાત નક્કી છે. ગરમ પાણીનો ઉકળાટ વધુ હશે તો એ ટાઢા પાણીનેય ગરમ કરી દેશે અને ઠંડુ પાણી વધુ ઠંડું હશે તો એ ગરમ પાણીને ટાઢુંબોળ કરી દેશે. સુખ અને દુઃખ, સત્ય અને અસત્ય સહિત દરેક બાબતે કંઈક આવી જ વાત હોય છે. જેનો પ્રભાવ વધારે હોય એની જીવન પર વધુ તીવ્ર અસર થાય. કોઈ માણસ ક્યારેય સોએસો ટકા દુઃખી કે સુખી નથી હોતો. બિલકુલ એવી જ રીતે એ સોએસો ટકા સાચો કે ખોટો પણ ન હોય. કૂવાના તળિયે ગમે તેટલા પથરા-માટી હોય તો પણ છેવટે તો એ નિર્મળ જળ જ સપાટી પર મોકલાવે છે. આવું માણસનું ત્યારે જ થાય જ્યારે એ પોતાના જીવનનો ઝોક સારી બાબત તરફ રાખી શકે. દરેક ખરાબ વાત છેવટે તકલીફ દઈને જ તંત છોડતી હોય છે. જમાનો બદલાયો છે, માણસો જ બદલાઈ ગયા છે એવી સફાઈ આપી પોતાના જીવનમાં જો ગંદવાડ ફેલાવવાની છૂટ લઈ લો તે છેવટે નુકસાનમાં પોતે જ રહેશો. આજનો દિવસ ઉકળાટને ઓછી કરવાનો, આશાવાદને પ્રબળ કરવાનો અને સરેરાશમાંથી સારા બનવાનો દિવસ બનાવી લો. તકલીફ જરૂર પડશે. સામા પ્રવાહે તરવું પણ પડશે. છતાં જો મક્કમ રહેશો તો મંજિલ મળશે જ. ધાર્યા પ્રમાણેની જ.

Leave A Reply

English
Exit mobile version